
ભારતના ઉડ્ડયન નિયામક નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એર ટિકિટ રિફંડ નિયમોમાં મોટા ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિયમોનો ઉદ્દેશ્ય મુસાફરો માટે પ્રક્રિયાને સરળ, પારદર્શી અને ઝડપી બનાવવાનો છે. આ પગલું હવાઈ મુસાફરોના અધિકારોને મજબૂત બનાવવા અને એરલાઇન્સની જવાબદારી વધારવાના મોટા પ્રયાસનો એક ભાગ છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા જારી કરાયેલા આ નિયમોમાં ફ્લાઇટ ટિકિટ બુકિંગ, રદ કરવા અને રિફંડના લેન્ડસ્કેપને બદલવાની ક્ષમતા છે.
આ નિયમ સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ (CARs) ગણાશે. આના દ્વારા રિફંડ પ્રક્રિયાને વધુ સરળ બનાવાશે. તેનાથી પારદર્શીતા વધશે અને મુસાફરોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરશે. મુસાફરોને ઘણીવાર રિફંડમાં વિલંબ, હિડન ચાર્જિસ અને અસ્પષ્ટ કેન્સલેશન પોલિસીઓને કારણે સમસ્યાનો સામનો કરવો પડતો હતો.
આ નવા નિયમના ત્રણ મુખ્ય ફાયદા છે. પ્રથમ, મુસાફરો બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના શુલ્ક વિના તેમની ટિકિટ કેન્સલ કરી શકે છે અથવા બદલી શકે છે. આ “લુક-ઇન” પીરિયડની જેમ કામ કરશે. જો કે, જો મુસાફરો ઊંચા ભાડા સાથે અલગ ફ્લાઇટ પર સ્વિચ કરે છે, તો તેમણે વધારાનું ભાડું ચૂકવવું પડશે. આ સુવિધા ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ત્યારે લાગુ નહીં થાય જ્યારે બુકિંગ ઉડાનના પાંચ દિવસ પહેલા કરવામાં આવી હોય. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે પણ આ નિયમ ત્યારે લાગુ નહીં થાય જો બુકિંગ ઉડાનના 15 દિવસ પહેલા કરાયેલી હશે. 48 કલાક પછી એરલાઈન કંપનીની તેની કેન્સલેશન પોલિસી અનુસાર ચાર્જ લાગશે.
રિફંડ પ્રક્રિયા હવે ઝડપી કરવામાં આવશે. અને કોઈ હિડન ચાર્જિસ પણ નહીં લાગે. DGCA ના ડ્રાફ્ટ નિયમો અનુસાર, રિફંડની પ્રક્રિયા 21 વર્કિંગ ડેઝમાં કંપનીએ કરવાની રહેશે. આનાથી મુસાફરોને રિફંડ મળવામાં થતો વિલંબ દૂર થશે. વધુમાં, જો મુસાફરો મોડા રદ કરે છે અથવા નો-શો (જાણ કર્યા વિના ફ્લાઇટ ચૂકી જાય છે) માનવામાં આવે છે, તો એરલાઇન્સને વૈધાનિક ટેક્સ (સરકારી કર) અને એરપોર્ટ ફી પણ પરત કરવાની રહેશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે DGCA એ સ્પષ્ટતા કરી છે કે બુકિંગના 24 કલાકની અંદર એરલાઇન્સ તેમની વેબસાઇટ પર કરવામાં આવેલા નાના નામ સુધારા માટે કોઈ શુલ્ક વસુલી શકતી નથી.
એજન્ટ અને મેડિકલ ઈમરજન્સીમાં કેન્સલેશનના નિયમો વધુ નિષ્પક્ષ રહેશે, જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ દ્વારા બુક કરવામાં આવે છે, તો રિફંડની સીધી જવાબદારી એરલાઇન્સની રહેશે. આનાથી જવાબદારી સુનિશ્ચિત થશે અને બાબતોનો ઝડપી ઉકેલ આવશે. મેડિકલ ઈમરજન્સીના કારણે રદ થવાના કિસ્સામાં, એરલાઇન્સ ફક્ત ત્યારે જ ક્રેડિટ શેલ (ભવિષ્યની મુસાફરી માટે વાઉચર) આપી શકે છે જો મુસાફર તેના માટે સંમત થાય. આ માટે મુસાફરો પર દબાણ કરી શકાતું નથી. આ નવો નિયમ મુસાફરોને વધુ અધિકારો આપશે અને એરલાઇન્સને વધુ જવાબદાર બનાવશે.
Published On - 8:38 pm, Tue, 4 November 25