ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) માટે ખાનગીકરણની યોજનામાં અડચણો આવી રહી છે. બોલી લગાવનાર કંપનીઓને ભાગીદારો શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ તેમને નાણાકીયો જોખમોને વહેંચવા માટે ભાગીદાર મળી રહ્યા નથી. ત્રણ કંપનીઓ- વેદાંત ગ્રૂપ, એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ અને આઈ સ્ક્વેર્ડ કેપિટલ વૈશ્વિક ઊર્જા કંપનીઓ અને સોવરેન અને પેન્શન ફંડ્સ સાથે આ સંદર્ભે વાતચીત કરી રહી છે.
રિપોર્ટ અનુસાર, તેઓ હજુ સુધી ભાગીદારો અંગે નિર્ણય લઈ શક્યા નથી. બ્લૂમબર્ગને આ બાબતની માહિતી ધરાવતા લોકોએ જણાવ્યું છે. કેટલાક બિડર્સને નિયમોને કારણે રોકાણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. નિયમોને કારણે તેઓ ઓઈલ રિફાઈનરી કંપનીમાં હિસ્સો ખરીદવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સરકારની બીપીસીએલમાં પોતાની પુરી હિસ્સેદારીને વેચવામાં આવી રહેલી અડચણોથી ભારતના સૌથી મોટા ખાનગીકરણ અભિયાનની ઝુંબેશ ધીમી પડી શકે છે. ટાટાને એર ઈન્ડિયાના વેચાણ પછી ખાનગીકરણનું વાતાવરણ ઘણું સારું બન્યું હતું. સરકારી માલિકીની ઓઈલ રિટેલ કંપનીના વેચાણથી એક્સચેકર અને અન્ય શેરધારકોને આશરે 13 અરબ ડોલર મળવાની ધારણા છે.
બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલને પગલે BPCLનો શેર 3.5 ટકા ઘટીને 431.7 રૂપિયા પર બંધ થયો હતો, જે એક મહિનામાં સૌથી વધુ ઘટાડો છે. આટલી ઉંચી કિંમતનો અર્થ એ છે કે બોલી લગાવનાર કંપનીઓ અને સરકારને એક કન્સોર્ટિયમની જરૂર છે, જે વ્યવહાર કરવા માટે મજબૂત ટેકનિકલ અને નાણાકીય તાકાત ધરાવે છે.
રિપોર્ટ આવ્યા બાદ નાણાં મંત્રાલય અને BPCLના પ્રવક્તાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે અપોલો ગ્લોબલે આ મામલે બ્લૂમબર્ગને કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. વેદાંત અને I Squaredએ પણ બ્લૂમબર્ગના ઈમેઈલનો કોઈ જવાબ આપ્યો ન હતો.
તમને જણાવી દઈએ કે સરકારે સોમવારે સરકારી વિમાની કંપની એર ઈન્ડિયાના વેચાણ માટે ટાટા સન્સ સાથે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એર ઈન્ડિયાને ટાટા સન્સ પાસે આવવામાં કુલ 68 વર્ષ લાગ્યા. તે વર્ષ 1953 હતું, જ્યારે ભારત સરકારે ટાટા સન્સ પાસેથી એર ઈન્ડિયાની માલિકી ખરીદી હતી. આવી સ્થિતિમાં એર ઈન્ડિયાને ટાટા ગ્રુપમાં પરત આવતા કુલ 68 વર્ષ લાગ્યા.