વીમા કંપનીઓ આગામી કેન્દ્રીય બજેટ 2022 (Budget 2022) માં આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ વીમા પ્રીમિયમની (Insurance Premium) ચુકવણી પર અલગથી 1 લાખ રૂપિયાની છૂટની માંગ કરી રહી છે. જેથી કરીને વધુ લોકોને વીમાના દાયરામાં લાવી શકાય. વીમા કંપનીઓ પણ ઇચ્છે છે કે સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનો (Health Insurance) પરનો વર્તમાન 18 ટકાનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડીને 5 ટકા કરવામાં આવે જેથી કરીને આવા ઉત્પાદનો સામાન્ય લોકો માટે વધુ પોસાય તેવા બની શકે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
કેનેરા એચએસબીસી ઓબીસી જીવન વીમાના મુખ્ય નાણાકીય અધિકારી તરુણ રસ્તોગીએ કહ્યું કે, ઉદ્યોગ નીતિ નિર્માતાઓ લાંબા સમયથી અપેક્ષા રાખી રહ્યા છે કે, લોકોને જીવન વીમો લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે, કલમ 80C હેઠળ વીમા પ્રીમિયમની ચુકવણી પર ઓછામાં ઓછા એક લાખ રૂપિયાની અલગ છૂટ આપવી જોઈએ. હાલમાં, તમામ નાણાકીય ઉત્પાદનો IT કપાતની કલમ (80C) હેઠળ આવરી લેવામાં આવે છે અને તેની મર્યાદા 1,50,000 રૂપિયા છે.
એડલવાઈસ ટોકિયો લાઈફ ઈન્સ્યોરન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુબ્રજિત મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે બજેટ જીવન વીમા પ્રિમિયમની ચુકવણી પર કર કપાત માટે એક અલગ વિભાગ બનાવવા પર વિચાર કરશે.
એજીસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિઘ્નેશ શહાણેએ જણાવ્યું હતું કે, કલમ 80Cમાં હાલ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સહીત ઘણા રોકાણ વિકલ્પો શામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, ટર્મ પોલિસી માટે એક અલગ વિભાગ સારો રહેશે.
ફ્યુચર જેનરાલી ઈન્ડિયા લાઈફ ઈન્સ્યોરન્સના સિનિયર વીપી અને હેડ પ્રોડક્ટ્સ એન્ડ ડેવલપમેન્ટ ચિન્મય બડેએ જણાવ્યું હતું કે, જીવન વીમો એ વ્યક્તિના મૃત્યુની સાથે સાથે જીવિત રહેવાની ઘટનામાં સામાજિક સુરક્ષાની એક પ્રોક્સી છે. તેથી, કલમ 80C હેઠળ 1.5 લાખની મુક્તિ મર્યાદામાં સુધારો કરવાની જરૂર છે.
વીમા નિયમનકાર આઈઆરડીએઆઈ ના વાર્ષિક અહેવાલ 2020-21 અનુસાર, દેશમાં વીમાનો દર જીડીપીના 4.2 ટકા છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો 7.4 ટકા છે. માર્ચ 2021 સુધીમાં, બિન-જીવન વીમો લેવાનો દર માંડ એક ટકા હતો.ૉ
લિબર્ટી જનરલ ઈન્સ્યોરન્સના સીઈઓ અને હોલ ટાઈમ ડિરેક્ટર રૂપમ અસ્થાનાએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે, હેલ્થ ઈન્સ્યોરન્સ પોતાને અનિશ્ચિતતાઓથી બચાવવા માટે રોજિંદી જરૂરિયાત બની ગઈ છે અને તે પહેલા કરતાં વધુ સુસંગત છે. તેથી, સરકારે આરોગ્ય વીમા પ્રીમિયમ પર લાગુ પડતા GSTમાં ભારે ઘટાડા પર વિચાર કરવો જોઈએ, જે હાલમાં 18 ટકા વસૂલવામાં આવે છે.
આ પણ વાંચો : Budget 2022: મધ્યમ કદના એકમના કારોબારી મનમોહનને શું જોઈએ? બસ સસ્તો કાચો માલ…