ભોજન પહેલાં થોડું પાણી પીવાની શા માટે છે પરંપરા ? જાણો આચમન વિધિનું વૈજ્ઞાનિક સત્ય !

આયુર્વેદ (Aayurved) અનુસાર ભોજન ગ્રહણ કરતા પહેલા થોડું જળ ગ્રહણ કરવાથી બીમારીઓથી બચી શકાય છે ! જમ્યા પહેલાં પાણી ગ્રહણ કરવાથી ગળાની શુષ્કતા દૂર થાય છે. એટલે કે, ગળુ સુકાઇ જવાની સમસ્યા દૂર થઈ જાય છે. જેનાથી સરળતાથી આહાર ગળાથી ઉતરીને પેટમાં પહોંચે છે.

ભોજન પહેલાં થોડું પાણી પીવાની શા માટે છે પરંપરા ? જાણો આચમન વિધિનું વૈજ્ઞાનિક સત્ય !
Hindu religion tradition
| Edited By: | Updated on: Feb 22, 2023 | 6:44 AM

હિન્દુ ધર્મમાં દરેક કાર્ય સાથે કોઇને કોઇ પરંપરા જરૂર જોડાયેલી હોય છે. આ પરંપરામાં જમવાનું જમતા પહેલા આચમન કરવામાં આવે છે. એટલે કે, થોડું પાણી ગ્રહણ આવે છે. શું તમે એ જાણો છો કે આ માત્ર એક પરંપરા નથી. પણ આ પરંપરા પાછળ કેટલાક વૈજ્ઞાનિક તથ્યો પણ છૂપાયેલા છે. આવો, આજે તેના રહસ્યને જાણીએ.

ભોજન ગ્રહણ કરતા પહેલાં આચમનની પરંપરા !

હિન્દુ ધર્મની કેટલીક પરંપરાઓ પૂર્ણપણે વિજ્ઞાન પર આધારિત છે અને વર્તમાન શોધોથી તે વાત સિદ્ધ થતી જ રહી છે. એવી જ એક પરંપરા ભોજન સાથે પણ જોડાયેલી છે. આ પરંપરા અંતર્ગત ભોજન શરૂ કરતા પહેલા થોડું જળ ગ્રહણ કરવામાં આવે છે. તેને આચમન કહેવામાં આવે છે. આધુનિક વિજ્ઞાને આ વાતને સિદ્ધ કરી છે કે જમવાનું શરૂ કરતા પહેલાં થોડું પાણી પીવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. આયુર્વેદમાં પણ આ વાતને પુષ્ટિ મળેલી છે. એટલે આ પરંપરા પૂર્ણ રીતે વિજ્ઞાન સાથે સિદ્ધ થયેલી છે ! પણ, એનો અર્થ એ નથી કે આપ ભોજન પહેલાં ગ્લાસ ભરીને પાણી પી લો. તે માટે આચમનની યોગ્ય વિધિને અનુસરવું જરૂરી છે.

આચમનની વિધિ

⦁ હિન્દુ ધર્મ અનુસાર ભોજન પહેલા આચમન જરૂર કરવું જોઇએ.

⦁ આચમનની આ વિધિ માટે ભોજન શરૂ થાય તે પહેલાં હાથમાં થોડું જળ લઇને તેને પહેલાં 3 વાર જમવાની થાળીની ચારે તરફ ફેરવવું.

⦁ ઇશ્વરને ધન્યવાદ કરવા અને તેમને પણ ભોજન ગ્રહણ કરવાની પ્રાર્થના કરવી. 3 વાર હાથમાં થોડું થોડું જળ લઇને તેને ગ્રહણ કરવું.

⦁ ત્યારબાદ ભોજનમંત્ર બોલવો જોઇએ અને પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ.

⦁ અત્યારે આ પરંપરા લુપ્ત થઇ રહી છે. પરંતુ, દક્ષિણ ભારતમાં આજે પણ આ પરંપરા પૂર્ણ નિષ્ઠા સાથે નિભાવવામાં આવે છે.

ભોજન પહેલાં આચમનના શું છે લાભ ?

⦁ આયુર્વેદ અનુસાર ભોજન ગ્રહણ કરતા પહેલા થોડું જળ ગ્રહણ કરવાથી બીમારીઓથી બચી શકાય છે !

⦁ ભોજન પૂર્વે થોડું જળ ગ્રહણ કરવાથી જમવાનું ઝડપથી પચી જાય છે !

⦁ જમ્યા પહેલાં પાણી ગ્રહણ કરવાથી ગળાની શુષ્કતા દૂર થાય છે. એટલે કે ગળુ સુકાઇ જવાની સમસ્યા દૂર થઈ જાય છે. જેનાથી સરળતાથી આહાર ગળાથી ઉતરીને પેટમાં પહોંચે છે.

⦁ આ ક્રિયાને લીધે ભૂખ પણ સારી લાગે છે.

⦁ ભોજન ગ્રહણ કરતા પહેલા પાણી પીવાથી ગેસ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે !

⦁ ભોજન ગ્રહણ કરતા પહેલા પાણી પીવાની આ પરંપરા તમને વજન વધવાની સમસ્યાથી પણ રાહત અપાવે છે.

ભોજન અને પાણીનો સંબંધ !

આયુર્વેદ અનુસાર ભોજન પહેલા થોડું પાણી પીવું સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે. જ્યારે ભોજન દરમ્યાન પાણી પીવાથી જઠરની ભોજન પચાવવાની શક્તિ પર ખરાબ અસર પડે છે. એટલે નિયમ એવો છે કે ભોજન બાદ માત્ર 2 ઘૂંટડા જ પાણી પીવું અને અડધા કલાક પછી પોતાની ઇચ્છા અનુસાર પાણી પીવું જોઇએ. ભોજન અને પાણી સાથે જોડાયેલી આ વાતો ધ્યાનમાં રાખવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને કોઇપણ પ્રકારની શારીરિક સમસ્યાઓથી બચી શકાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)