ગુરુ પૂર્ણિમાના (GURU PURNIMA) દિવસે બધાં જ લોકો તેમના ગુરુની પૂજા કરતા હોય છે. તેમને ગુરુ દક્ષિણા આપતા હોય છે. પણ, જેમણે આજ સુધી કોઈ ગુરુ નથી કર્યા અને ગુરુ કોને કરવા તેને લઈને હંમેશા જ પ્રશ્ન સતાવતા રહે છે તેમના માટે ગોસ્વામી તુલસીદાસજી માર્ગદર્શક બની શકે છે. તુલસીદાસજીએ સ્વયં હનુમાન ચાલીસામાં આ અંગે નિર્દેશ કર્યો છે. અને તે છે….
શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજમન મુકુર સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જશુ, જો દાયક ફલ ચારિ ।।
બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન કુમાર ।
બલ-બુદ્ધિ વિદ્યા દેહૂ મોહિં, હરહુ કલેસ બિકાર ।।
તુલસીદાસજીએ હનુમાન ચાલીસાના પ્રારંભમાં જ, તેમજ રામચરિત માનસમાં ગુરુ વંદના કરી છે. તેમણે કહ્યું કે જો કોઈને ગુરુ નથી તો તેઓ ભગવાન હનુમાનને પોતાના ગુરુ બનાવી શકે છે. ઈશ્વરના સાક્ષાત્કાર વિના ગુરુકૃપા થવી અઘરી છે. હનુમાનજી સામે પવિત્ર ભાવ રાખતા તેમને તમારા ગુરુ બનાવી શકાય છે. એકમાત્ર હનુમાનજી જ છે જેમની કૃપા આપણે ગુરુની જેમ પ્રાપ્ત કરી શકીએ છીએ. તુલસીદાસજીએ હનુમાન ચાલીસાનો શુભારંભ જ ગુરુના ચરણોને નમન કરતા કર્યો છે.
તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં બધાને નિર્દેશ કર્યો છે કે બજરંગબલીને પોતાના ગુરુ બનાવી શકાય. અલબત, તેમણે શિષ્યને સચેત કરતા એમ પણ કહ્યું છે કે હનુમાનજીને ગુરુ બનાવ્યા બાદ અનુશાસિત રહેવું અનિવાર્ય છે. તમારી મતિ અને ગતિ સાચી દિશા તરફ રાખવી જરૂરી છે.
રામ ભક્ત શ્રીહનુમાનની કૃપા મેળવવી હોય તો તેમને નિયમ, ભક્તિ અને સમર્પણથી જ પ્રસન્ન કરી શકાય છે. જેમના વિચાર સારા હોય છે, તેમના પર હનુમાનજી કૃપા કરે જ છે અને એક ગુરુની જેમ જ ભક્તનું માર્ગદર્શન કરે છે.
રામચરિત માનસના આરંભમાં સૌપ્રથમ ગુરુ વંદનાને જ પ્રધાનતા આપવામાં આવી છે. એટલે કે શ્રી ગુરુ ચરણના સ્મરણ માત્રથી જ આત્મજ્યોતિનો વિકાસ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પદને સર્વોપરી માનવામાં આવ્યું છે. જીવને ઈશ્વરની અનુભૂતિ અને સાક્ષાત્કાર કરાવતી પ્રતિમા સ્વયં ગુરુ જ છે. આ કારણે ગુરુનો સાક્ષાત ત્રિદેવ તુલ્ય સ્વીકાર કરાયો છે.
સાધકને જીવનની સાર્થકતા માટે યોગ્ય ગુરુની કૃપા પ્રાપ્ત થાય તે ખૂબ જ જરૂરી છે. તો, સદગુરુની પ્રાપ્તિ અર્થે અપાર શ્રદ્ધા અને વિશ્વાસ પણ જરૂરી છે. ત્યારે તુલસીદાસજી કહે છે કે જ્યારે આપણે આવી જ શ્રદ્ધા અને વિશ્વાસથી હનુમાનજીનું શરણું લઈએ છીએ, ત્યારે તે ચોક્કસ એક ગુરુની જેમ તેમના શિષ્યનું માર્ગદર્શન કરે છે.
આ પણ વાંચો : ગુરુ પૂર્ણિમાને શા માટે કહેવામાં આવે છે વ્યાસ પૂર્ણિમા ?