શાસ્ત્રોમાં તો દરેક પૂનમનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ માઘ માસ (magha purnima) ની પૂનમનું સવિશેષ મહત્વ છે અને તે ફળદાયી પણ છે.આ વખતે 16 ફેબ્રુઆરીએ આ પૂનમ આવે છે. માન્યતા એવી છે કે માઘ માસમાં ભગવાન વિષ્ણુ (Lord Vishnu) જળમાં નિવાસ કરે છે એટલે માઘી પૂનમે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા તથા કથા કરવામાં આવે છે. સાથે જ પૂનમનો સંબંધ લક્ષ્મીજી (Lakshmiji) સાથે પણ માનવામાં આવે છે એટલે પુરાણામો ધનની દેવી મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. તો ચાલો જાણીએ પૂનમના દિવસે કરવામાં આવતા આ ઉપાયો વિશે.
માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્તિ અર્થે
શાસ્ત્રોમાં માઘી પૂનમને ભાગ્યશાળી દર્શાવવામાં આવે છે. આ દિવસે બ્રહ્મમૂહુર્તમાં ઘરની સાફ સફાઇ કરીને ઘરમાં ગંગાજળનો છંટકાવ કરીને મુખ્ય દ્વાર પર આસોપાલવના પાન કે આંબાના પાનનું તોરણ લગાવો અને પછી ઘરના ઊંબરામાં હળદર કુમકુમ લગાવો. ત્યારબાદ મુખ્યદ્વારની બંને તરફ સ્વસ્તિક બનાવી તેની પર ચોખા મૂકો પછી ત્યાં ઘીનો દીવો પ્રગટાવી પ્રણામ કરો. ત્યારબાદ તુલસીની પૂજા કરો. તેમને જળ અર્પણ કરો, દીવો પ્રજ્વલિત કરીને પ્રસાદ અર્પણ કરો.આ કાર્ય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે છે.
ધન-ધાન્ય અને સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ અર્થે
માઘી પૂનમના દિવસે જપ-તપ તથા દાનનું સવિશેષ મહત્વ છે. ધર્મગ્રંથોમાં દર્શાવ્યા અનુસાર આ દિવસે ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને તલ, ધાબળા, ઘી, ફળ જેવી વસ્તુઓનું દાન કરવું જોઇએ. તેની સાથે જ પૂજાઘરમાં ઘીનો અખંડ દીવો પ્રજ્વલિત રાખવો અને તેમાં ચાર લવિંગ ઉમેરવા. આવું કરવાથી ક્યારેય ધન-ધાન્યની અછત નહીં વર્તાય અને સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.
કાર્યોમાં સફળતા અર્થે
માઘી પૂનમના દિવસે ભગવદ્ ગીતા , વિષ્ણુ સહસ્ત્રનામ કે પછી ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો ફળદાયી માનવામાં આવે છે. પુરાણોમાં પૂનમના દિવસે આ 3 પ્રકારના પાઠ કરવા ખૂબ જ ચમત્કારિક દર્શાવવામાં આવ્યા છે. આવું કરવાથી જીવનના દરેક સંકટ દૂર થાય છે અને પરિવારના સદસ્યોની પ્રગતિ થાય છે.સાથે જ ઘરમાં કે ઘરની આસપાસ રહેલી નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને આપની આસપાસ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે જેનાથી આપના અટકેલા દરેક કાર્યો પૂર્ણ થાય છે.
સારા આરોગ્યની પ્રાપ્તિ અર્થે
માઘી પૂનમના દિવસે પીપળાના વૃક્ષમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. એટલા માટે આ દિવસે સવારે પીપળાના ઝાડ પર જળ અર્પણ કરીને ઘીનો દીવો પ્રજ્વલિત કરો. સાથે જ સફેદ ફૂલ અર્પણ કરી ભોગ અર્પણ કરો. આ કાર્ય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
દાંપત્યજીવનમાં મધુરતા લાવવા
માઘી પૂનમના દિવસે ચંદ્રોદય થાય ત્યારે જળમાં કાચું દૂધ, ખાંડ અને ચોખા ઉમેરીને ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કરો. અર્ઘ્ય અર્પણ કરતા સમયે ” ૐ સ્ત્રાં સ્ત્રીં સ્ત્રૌં સ : ચંદ્રમસે નમ : “ મંત્રનો જાપ કરો. આ મંત્ર જાપ કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને નોકરી ધંધામાં પ્રગતિ થશે. પતિ-પત્નીના સંબંધો મજબૂત બનાવવા માટે ચંદ્રોદય સમયે જળમાં ગાયનું દૂધ ઉમેરીને એકસાથે ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કરવાથી દાંપત્યજીવનમાં મધુરતા આવે છે અને બંનેનો સંબંધ અતૂટ બની રહે છે.
માનસિક શાંતિ અર્થે
ભગવાન કૃષ્ણની પ્રિય તિથિ છે પૂનમ અને આ દિવસે શ્રીકૃષ્ણ અને ચંદ્રને સફેદ ફૂલ જેમ કે સફેદ ગુલાબ, ચમેલી અર્પણ કરો. આ સાથે જ સફેદ મોતી, સફેદ ફળ, સફેદ વસ્ત્ર, સફેદ મિઠાઇ, ભાત, ખીર, નારિયેળની મિઠાઇ અર્પણ કરો. આવું કરવાથી ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે અને કુંડળીમાં રહેલ ચંદ્રમાની સ્થિતિ મજબૂત બને છે જેનાથી માનસિક શાંતિ મળે છે અને પ્રગતિ થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે માઘી પૂર્ણિમા ! જાણો કેવી રીતે થશે વિશેષ લાભની પ્રાપ્તિ ?
આ પણ વાંચો : માઘ (મહા) પૂર્ણિમાના દિવસે કરો આ લાભકારી ઉપાય, મા લક્ષ્મી કરશે ધનવર્ષા