દેવભૂમિ ઉત્તરાખંડમાં ઋષિકેશ અને હરિદ્વાર સહિત એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકો દૂર-દૂરથી દર્શન કરવા આવે છે. અહીં બદ્રીનાથ અને કેદારનાથ જેવા મોટા મંદિરો છે, પરંતુ ઉત્તરાખંડમાં એક એવું મંદિર પણ છે જ્યાં લોકો ખાસ કરીને લગ્ન કરવા આવે છે. આ મંદિરનું નામ ત્રિયુગી નારાયણ મંદિર છે, માન્યતા છે કે અહિં શિવ-પાર્વતીએ લગ્ન કર્યાં હતા, આ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે.
આ મંદિરને સ્થાનિક લોકો તેને ત્રિજુગી નારાયણ તરીકે પણ ઓળખે છે. આ મંદિરમાં વર્ષોથી અગ્નિ કુંડ સળગી રહ્યો છે, જેના કારણે તેને અખંડ ધૂની મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં સરસ્વતી કુંડ, રુદ્ર કુંડ, વિષ્ણુ કુંડ અને બ્રહ્મા કુંડ આવેલા છે. હવે આ મંદિર સ્પેશિયલ વેડિંગ ડેસ્ટિનેશન બની રહ્યું છે લોકો અહીં લગ્ન કરવા આવે છે.
આ અંગે ઈવેન્ટ મેનેજમેન્ટ એક્સપર્ટ નિશાંત વર્મા કહે છે કે ત્રિયુગી નારાયણ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ અહીં શિવ અને પાર્વતીના લગ્ન કરાવ્યા હતા. આ સ્થાન શિવ-પાર્વતી લગ્ન સ્થળ તરીકે વધુ લોકપ્રિય છે. વર્ષોથી સળગતા અગ્નિ કુંડ વિશે કહેવાય છે કે આ એ જ આગ છે જેમાં શિવ અને પાર્વતીએ ફેરા લીધા હતા. આજે પણ ધૂણીના રૂપમા આ કુંડમાં આગ પ્રજ્વલીત છે.
નિશાંત વર્મા કહે છે કે ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ હવે મોટાભાગના લોકોમાં જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડને પગલે લોકો લગ્ન કરવા ત્રિયુગી નારાયણ મંદિર પહોંચી રહ્યા છે. આ જગ્યા લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે.
દેશભરમાંથી રૂદ્રપ્રયાગ સુધી પહોંચવા માટે પરિવહનના ઘણા માધ્યમો સરળતાથી મળી શકે છે. રૂદ્રપ્રયાગથી સોનપ્રયાગ પહોંચવું પડે છે. અગસ્ત્યમુનિથી ગુપ્તકાશી અને પછી સોનપ્રયાગ આવે છે. અહીંથી ત્રિયુગી નારાયણ મંદિર સરળતાથી પહોંચી શકાય છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.