ચૈત્રી નવરાત્રીનો અવસર હવે પૂર્ણાહુતિની સમીપે પહોંચી ગયો છે. નવરાત્રીના દિવસોમાં આઠમ અને નોમનું સવિશેષ મહત્વ રહેલું છે. જે લોકો સંપૂર્ણ નવરાત્રીનું વ્રત નથી કરી શકતા, તે લોકો આઠમ અને નોમનું વ્રત જરૂરથી કરતા હોય છે. પણ, વાસ્તવમાં આ બંન્ને તિથિ તમને જીવનની તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ અપાવવાનું સામર્થ્ય પણ ધરાવે છે ! તમે ઘરમાં, નોકરીમાં, વ્યવસાયમાં કે જીવનમાં કોઈપણ પ્રકારના વિઘ્નોનો સામનો કરી રહ્યા હોવ તો તમારે અષ્ટમી, નવમી તિથિ પર જરૂરથી આ કેટલાંક વિશેષ મંત્રોનો જાપ કરવો જોઈએ. આ એ મંત્રો છે કે જે તમને તમામ પ્રકારની મુસીબતોથી મુક્તિ અપાવી દેશે. આવો, આજે તે વિશે વિગતે જાણીએ.
જેમને નોકરી, ધંધામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય, તેમણે નવરાત્રીની આઠમ કે નોમની તિથિએ જરૂરથી આ ઉપાય અજમાવવો. માતા દુર્ગાને પત્ર, અર્ઘ્ય, ધૂપ, દીપ અર્પણ કરીને એકાગ્રચિત્તે તેમની સ્તુતિ કરવી. ત્યારબાદ નીચે જણાવેલ મંત્રની 5 માળા કરવી. કહે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને નોકરી કે વ્યવસાય ક્ષેત્રમાં આવી રહેલા તમામ પ્રકારના અવરોધો દૂર થઈ જાય છે.
સર્વાબાધા પ્રશમનં ત્રૈલોક્યસ્યાખિલેશ્વરિ ।
એવમેવ ત્વયા કાર્યમસ્મદ્દૈરિવિનાશનમ્ ।।
દરેક માતા પિતાની એવી કામના હોય છે કે તેમના સંતાનોના યોગ્ય સમયે વિવાહ થાય. તેમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય. પરંતુ ઘણીવાર આ કામનાની પૂર્તિ થતા સમય લાગી જાય છે. અને બાળકોની ઉંમર વિતતી જાય છે. જો આપ પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન હોવ તો આ પ્રયોગ આપે અવશ્ય કરવો જોઇએ. નવરાત્રીની મહાઅષ્ટમીએ પ્રાતઃ ઊઠીને 9 વાર નવદુર્ગાને પ્રણામ કરો. ત્યારબાદ નીચે જણાવેલ મંત્રની 5 માળા કરો.
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે ।
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ।।
ઉપરોક્ત મંત્રજાપ કર્યા બાદ માતા દુર્ગાને પ્રાર્થના કરવી કે આપના સંતાનોને યોગ્ય જીવનસાથી મળે. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપના સંતાનોને જરૂરથી માતા દુર્ગાના આશીર્વાદની પ્રાપ્તિ થશે.
ઘણીવાર અદૃશ્ય શક્તિઓનો ભય લોકોને સતાવતો હોય છે. ગ્રહદોષના લીધે પણ આવી સ્થિતિ સર્જાતી હોય છે. દુર્ઘટના, રોગ, શત્રુ, અકાળમૃત્યુનો ભય વ્યક્તિને શાંતિથી જીવવા નથી દેતો. એટલે આ ભયથી મુક્ત થવા અને રક્ષા મેળવવા નવરત્રીની આઠમ કે નોમના દિવસે નીચે જણાવેલ મંત્રની ઓછામાં ઓછી 5 માળા જરૂરથી કરવી જોઈએ.
ૐ દુર્ગે દુર્ગે રક્ષણિ સ્વાહા ।
⦁ જે પરિવારમાં સંતાનની પ્રાપ્તિ નથી થઇ રહી, કોઇ દોષના કારણે અથવા ગ્રહ નક્ષત્રોના કારણે તેમને સંતાન પ્રાપ્તિમાં વિઘ્ન આવી રહ્યું હોય તો નીચે જણાવેલ ઉપાય કરી શકાય છે.
⦁ નવમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં માતા દુર્ગાની પૂજા કરવી.
⦁ આ સાધના માટે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું.
⦁ માતા દુર્ગાના મંદિરમાં કે ઘરમાં જ્યાં નવરાત્રીનું અનુષ્ઠાન કર્યું હોય કે આપના ઘરના કોઇ પવિત્ર સ્થાન પર બાજઠ મૂકો.
⦁ બાજઠ પર પીળા રંગનું આસન પાથરવું અને તેની ઉપર માતા દુર્ગાનું યંત્ર કે ચિત્ર રાખવું.
⦁ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરવો. ત્યારબાદ કુમકુમ, અક્ષત, પુષ્પ તેમજ નૈવેદ્ય અર્પણ કરવું.
⦁ પૂજન બાદ માતા દુર્ગાનું ધ્યાન ધરી રુદ્રાક્ષની માળાથી નીચે જણાવેલ મંત્રની ઓછામાં ઓછી પાંચ માળા કરો.
ૐ સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિતઃ ।
મનુષ્યો મત્પ્રસાદેન, ભવિષ્યતિ ન સંશયઃ ।।
⦁ જો કોઇ શારીરિક ખામીના લીધે સંતાન પ્રાપ્તિ ન થઇ રહી હોય તો તે અંગે ડૉકટરની સલાહ જરૂરથી લેવી.
જો આપના પરિવારમાં સુખ- સમૃદ્ધિ ન હોય, જેમકે કોઇને કોઇ વસ્તુનો અભાવ જોવા મળતો હોય, પતિ-પત્નીમાં હંમેશા તકરાર રહેતી હોય, માતા પિતાની નારાજગી રહેતી હોય, ભાઇઓ વચ્ચે વિરોધ કે દ્રેષભાવ હોય, નાની નાની વાતોમાં ગૃહ કલેશ થતો હોય તો નવરાત્રીની આઠમના દિવસે જરૂરથી આ પ્રયોગ કરો. માતા દુર્ગાને લાલ પુષ્પ અર્પણ કરો. દેવીની વિધિવત્ત પૂજા કરો અને રુદ્રાક્ષની માળાથી “કરોતુ સા નઃ શુભહેતુરીશ્વરી શુભાનિ ભદ્રાણ્યભિહન્તુ ચાપદઃ “ મંત્રનો 108 વખત જપ કરો. માન્યતા અનુસાર આ ઉપાયથી ચોક્કસપણે ગૃહ કલેશન નષ્ટ થશે અને ઘરમાં સમૃદ્ધિનું આગમન થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)