સનાતન ધર્મમાં ગંગા દશહરા પર્વનું સવિશેષ મહત્વ છે. આ પર્વને આપણે ગંગા દશેરાના નામે પણ ઓળખીએ છીએ. આ વખતે 30 મે, મંગળવારના રોજ આ મહાપર્વની ઉજવણી થશે. માન્યતા અનુસાર આ દિવસે જ દેવી ગંગાએ પૃથ્વી પર અવતરણ કર્યું હતું. તો, આ દિવસે ગંગાજળ સંબંધિત કેટલાંક ઉપાય કરવાથી આપને અનેકવિધ લાભની પણ પ્રાપ્તિ થઈ શકે છે. આવો, તે જ સંદર્ભે વધુ જાણીએ.
ગંગા દશેરાનો પર્વ એ જેઠ મહિનાના સુદ પક્ષની દશમી તિથિએ ઉજવવામાં આવે છે. આ પર્વમાં લોકો ગંગા સ્નાનને મુખ્ય માને છે અને ગંગા નદીની પાસે દીપ પ્રજવલિત કરે છે. માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરમાં સમૃદ્ધિ જળવાઇ રહે છે. તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે ગંગાજળ સંબંધિત કેટલાંક ખાસ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે ગંગા દશેરાના દિવસે શિવલિંગનો અભિષેક દૂધ અને ગંગાજળથી કરો છો, તો આપના ઘરમાં સદૈવ ખુશહાલી જળવાયેલી રહેશે. તેના માટે આપે એક કળશમાં જળ લઇને તેમાં થોડું ગંગાજળ ઉમેરવું. સાથે જ તેમાં થોડું કાચું દૂધ ઉમેરવું. ત્યારબાદ કોઇ શિવ મંદિરમાં જઈને કે ઘરમાં રહેલ શિવલિંગ પર તે જળથી અભિષેક કરવો. આ રીતે ઉપાય કરવાથી આપની આર્થિક સ્થિતિ સારી બનશે. આ ઉપાયથી આપને ધનયોગનો પણ લાભ મળશે.
ગંગા દશેરાના દિવસે પ્રાતઃ સ્નાન કર્યા બાદ એક તાંબાના કળશમાં જળ લઈને તેમાં ગંગાજળની થોડી બુંદ ઉમેરો. ત્યારબાદ તેમાં કુમકુમ ઉમેરીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતા સમયે આપે સૂર્યના મંત્રનો જાપ કરવો જોઇએ. માન્યતા અનુસાર આ ઉપાયથી વ્યક્તિને કારકિર્દીમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. તેમજ નોકરીમાં બઢતીના યોગ પણ બને છે. સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે આદિત્ય હૃદય સ્તોત્રનું પઠન કરવું પણ સવિશેષ લાભદાયી બની રહેશે.
ગંગા દશેરાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવું કે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું લાભદાયી મનાય છે. માન્યતા અનુસાર આ ઉપાયથી વ્યક્તિની મનોકામના પરિપૂર્ણ થાય છે અને ધનના પ્રબળ યોગ બને છે. આ દિવસે ગંગા સ્નાન કર્યા બાદ આપે દાન-પુણ્ય કર્મ કરવું જોઇએ. ગંગા દશેરાએ જો આપ ગરીબોને ભોજન કરાવો છો અને તેમની જરૂરિયાત મુજબ વસ્તુઓનું દાન કરો છો, તો આપના માટે તે વિશેષ ફળદાયી બને છે.
જો આપના ઘરમાં પહેલાથી જ ગંગાજળ ન હોય તો મુખ્ય રીતે ગંગા દશેરાના દિવસે ઘરમાં ગંગાજળ લાવીને રાખવું. પૂજા શરૂ કરતાં પહેલા આ જળથી મંદિરના દરેક દેવી દેવતાને સ્નાન કરાવો અને ઘરના દરેક ખૂણામાં ગંગાજળનો છંટકાવ કરવો. આ ઉપાયથી આપના ઘરમાં સદાય ખુશહાલી બનેલી રહેશે.
ગંગા દશેરાના દિવસે વધુ પ્રમાણમાં શરબત તૈયાર કરીને તેમાં થોડું ગંગાજળ ઉમેરવું. ત્યારબાદ ગરીબોને તે શરબત પીવડાવવું. માન્યતા અનુસાર આ ઉપાય સવિશેષ લાભદાયી બની રહેશે. આ ઉપાયથી આપના અટકેલાં કાર્યો પૂર્ણ થશે તેમજ મનોકામનાઓની પણ પૂર્તિ થશે. એટલું જ નહીં, આ ઉપાયથી ધનલાભના પણ યોગ સર્જાશે.
ગંગા દશેરા પર પિત્તળના પાત્રમાં ગંગાજળ ભરીને ઘરના ઉત્તર ખૂણામાં કે ઇશાન ખૂણામાં રાખો. આ ઉપાયથી ઘરની તમામ નકારાત્મક ઊર્જા નાશ પામશે. અને ઘરમાં સકારાત્મક ઊર્જાનું આગમન થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)