શિવપૂજામાં થતી આ 5 ભૂલ તમારા દુર્ભાગ્યને દેશે આમંત્રણ ! જાણી લો મહાશિવરાત્રીએ શું રાખશો સાવધાની ?

શિવજીને (Shivji) અભિષેક કરવા માટે ભૂલથી પણ શંખનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. ધર્મગ્રંથોમાં આવું કરવાનું વર્જિત માનવામાં આવ્યું છે. માન્યતા અનુસાર શંખ દ્વારા અભિષેક કરવાથી જાતકને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

શિવપૂજામાં થતી આ 5 ભૂલ તમારા દુર્ભાગ્યને દેશે આમંત્રણ ! જાણી લો મહાશિવરાત્રીએ શું રાખશો સાવધાની ?
Shivling puja
| Edited By: | Updated on: Feb 14, 2023 | 6:33 AM

મહાશિવરાત્રીનો અવસર એ મહેશ્વરની કૃપા પ્રાપ્તિનો સર્વોત્તમ અવસર મનાય છે. આ વખતે આ શુભ અવસર 18 ફેબ્રુઆરી, શનિવારના રોજ છે. શિવરાત્રીના અવસરે શિવાલયોની કંઈ અલગ જ રોનક જોવા મળે છે. આ દિવસે શિવ મંદિરોમાં વિશેષ સજાવટ અને પૂજા કરવામાં આવતી હોય છે. અલબત્ આ શિવપૂજા કરતી વખતે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. નહીંતર, શિવજીના આશિષ પ્રાપ્ત કરવાને બદલે તેમના કોપનો ભોગ પણ બનવું પડી શકે છે ! ધર્મગ્રંથોમાં શિવપૂજા સંબંધી નિયમોનું વર્ણન મળે છે. જે અનુસાર શિવપૂજા સમયે કેટલીક બાબતોની અવગણના કરવાથી આપ આપના દુર્ભાગ્યને આમંત્રણ આપી બેસો છો. આવો, જાણીએ કે શિવપૂજા દરમિયાન કઈ 5 બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

આ વાતનું ખાસ ધ્યાન રાખો

ધર્મગ્રંથો અનુસાર શિવજીની પૂજા સમયે હંમેશા મુખ પૂર્વાભિમુખ રાખવું જોઇએ. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. શિવલિંગની ક્યારેય પૂર્ણ પરિક્રમા ન કરવી જોઇએ. શિવ જળાધારીને ક્યારેય ઓળંગવી ન જોઇએ. કારણ કે, તેને મહાપાપ માનવામાં આવે છે.

તૂટેલા કે સૂકાઇ ગયેલ પાન કે પુષ્પ અર્પણ ન કરવા

શિવજીની પૂજામાં ક્યારેય સૂકાઇ ગયેલા, તૂટેલા કે વાસી પુષ્પો કે પાનને અર્પણ ન કરવા. હંમેશા તાજા પુષ્પો જ શિવજીને અર્પણ કરવા. પણ, હા, એકવાર પૂજામાં ઉપયોગમાં લીધેલ બીલીપત્રને પાણીથી સ્વચ્છ કરીને વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે તે પુનઃ શિવજીને અર્પિત કરી શકાય છે.

આ વસ્તુઓ ભૂલથી પણ અર્પણ ન કરવી

શિવજીની પૂજામાં હળદર, મહેંદી, કુમકુમ જેવી વસ્તુઓનો ભૂલથી પણ ઉપયોગ ન કરવો જોઈએ. તે રીતે જ કેતકીનું પુષ્પ, કુંદ, શિરીષ અને કપિત્થના પુષ્પ પણ અર્પણ ન કરવા જોઈએ. તેને શિવપૂજામાં વર્જિત માનવામાં આવે છે. કેતકીનું પુષ્પ શિવજીની પૂજામાં વર્જિત છે તેનો ઉલ્લેખ તો શિવપુરાણમાં પણ મળે છે.

શંખથી શિવજીને જળાભિષેક ક્યારેય ન કરવો !

શિવજીને અભિષેક કરવા માટે ભૂલથી પણ શંખનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. ધર્મગ્રંથોમાં આવું કરવાનું વર્જિત માનવામાં આવ્યું છે. શંખથી શિવલિંગ પર અભિષેક કરવો અશુભ મનાય છે. શિવપુરાણમાં પણ તે સંબંધી કથાનક છે. માન્યતા અનુસાર શંખ દ્વારા શિવજી પર અભિષેક કરવાથી જાતકને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

નિર્માલ્યનું અપમાન ન કરવું

શિવજીની પૂજામાં અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે પુષ્પ, બીલીપત્ર, ધતૂરો વગેરે. પૂજન બાદની તે અર્પિત વસ્તુઓને જ્યારે ફરી ઉતારી દેવામાં આવે છે, ત્યારે તેને નિર્માલ્ય કહેવામાં આવે છે. પૂજા બાદ આ નિર્માલ્યને આદરપૂર્વક કોઇ વહેતી નદી કે તળાવમાં પ્રવાહિત કરવું જોઇએ અથવા ઊંડો ખાડો ખોદીને દાટી દેવું જોઇએ. આ વસ્તુઓ શિવજીને અર્પણ કરેલી હોવાથી પૂજનીય ગણાય છે એટલે ક્યારેય આ વસ્તુઓનો અનાદર ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)