સમગ્ર ભારતમાં દેવાધિદેવ મહાદેવના (mahadev) તો અનેકવિધ મંદિરો આવેલાં છે. પરંતુ, અમારે આજે વાત કરવી છે એક એવાં શિવલાયની કે જ્યાં ભગવાન શિવનું (lord shiva) અત્યંત દુર્લભ સ્વરૂપ વિદ્યમાન થયું છે. અને પ્રભુનું આ રૂપ એટલે ઉત્કંઠેશ્વર મહાદેવ. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલું છે ઉત્કંઠેશ્વર મહાદેવનું (Utkantheshwar mahadev) મંદિર. પાવની વાત્રક નદીના કિનારે સ્થિત આ મંદિરનું સ્થાપત્ય તેના પ્રાચીનપણાની સાક્ષી પૂરે છે. અલબત્, સૌથી રહસ્યમય તો છે આ મંદિરના ગર્ભગૃહમાં વિદ્યમાન શિવલિંગ. એ શિવલિંગ કે જે જમીનની ઉપર નહીં, પરંતુ, જમીનની અંદર વિદ્યમાન છે !
અહીં મંદિરના ગર્ભગૃહમાં એક અદભુત શિવ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. પરંતુ, પ્રભુનું મૂળ શિવલિંગ રૂપ એ પેટાળમાં સ્થિત છે. એટલે કે તમે ખૂબ જ નજીક જઈને નિહાળો ત્યારે જ પ્રભુના આ પૂર્ણ રૂપનો ખ્યાલ આવે છે. સોમવાર, શ્રાવણ માસ અને શિવરાત્રી જેવા અવસરો પર ઉત્કંઠેશ્વરના દિવ્ય રૂપના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. કહે છે કે એક ભક્તની તિવ્ર ઉત્કંઠાને વશ થઈ મહાદેવ અહીં પ્રગટ થયા. અને એટલે જ તે ઉત્કંઠેશ્વરના નામે પ્રસિદ્ધ થયા.
ગુજરાતના કાશી વિશ્વનાથ !
સૌથી રસપ્રદ વાત તો એ છે કે ઉત્કંઠેશ્વરના દર્શનથી કાશી વિશ્વનાથના દર્શનનું પુણ્ય પણ પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે. કારણ કે, આ ઉત્કંઠેશ્વર જ તો મનાય છે ગુજરાતના કાશી વિશ્વનાથ ! પ્રચલિત કથા અનુસાર પૌરાણિકકાળમાં આ જ ભૂમિ પર ઋષિ સત્યકામ જાબાલનો આશ્રમ હતો. સત્યકામ જાબાલ એ ઋષિ ગૌતમના શિષ્ય હતા. જાબાલ ઋષિએ આ જ ભૂમિ પર આકરી તપસ્યા કરી હતી. દંતકથા એવી છે કે એકવાર કાશીના સાધુઓની જમાત અહીંથી પસાર થઈ. ત્યારે ઋષિ સત્યકામ જાબાલે તેમને આશ્રમમાં ભોજન લેવા આમંત્રણ આપ્યું. સાધુઓએ જાબાલ ઋષિની પરીક્ષા લેવાના વિચારથી કહ્યું કે, “અમે કાશી વિશ્વનાથના દર્શન વિના ભોજન ગ્રહણ નથી કરતા !”
સાધુઓની વાત સાંભળી ઋષિ જાબાલે તેમને નેત્ર બંધ કરવા કહ્યું અને કાશી વિશ્વનાથનું ધ્યાન ધરી તેમનું આહ્વાન કર્યું. કહે છે કે મહાદેવના આગમન સમયે અહીં મોટો ધડાકો થયો. તેના અવાજને લીધે સાધુઓએ તેમના નેત્ર ખોલી દીધાં. જેને લીધે મહેશ્વર જ્યાં હતા ત્યાં જ જમીનની અંદર સ્થિર થઈ ગયા ! અહીં શિવલિંગ પર વહાવેલી દૂધની ધારા વારાણસીમાં મણીકર્ણિકા ઘાટ સમીપે બહાર નીકળતી હોવાની કથા પણ પ્રચલિત છે !