બુધવારે વર્ષની સૌથી મોટી અગિયારસ એટલે કે ભીમ અગિયારસ છે. આ ભીમ એકાદશીને આપણે નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસે આસ્થા સાથે વ્રત કરવાથી જાતકને વર્ષની તમામ એકાદશીના પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો, સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસે સિંદૂર સંબંધિત કેટલાંક ખાસ ઉપાય અજમાવીને પતિ-પત્ની તેમના દાંપત્ય જીવનમાં મધુરતા પણ લાવી શકે છે. આવો, તે જ ઉપાયો વિશે જાણીએ.
જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીને આપણે નિર્જળા એકાદશી તરીકે ઓળખીએ છીએ. આ વખતે 31 મે, બુધવારે આ એકાદશી ઉજવવામાં આવશે. એક માન્યતા અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. તો, કહે છે કે આ દિવસે જો સિંદૂર સંબંધિત કેટલાંક ખાસ ઉપાયો અજમાવવામાં આવે, તો વ્યક્તિને દાંપત્ય જીવનમાં આવનારી સમસ્યાઓથી મુક્તિ મળે છે. લગ્ન જીવન જો તૂટવાની અણીએ આવી ગયું હોય, તો પણ, આ ઉપાયો અજમાવવાથી લાભની પ્રાપ્તિ થાય છે અને પતિ-પત્નીના સંબંધો પુનઃ મજબૂત બને છે.
નિર્જળા એકાદશીએ પતિના હાથેથી જ માંગમાં સિંદૂર પૂરાવો. તેમજ સિંદૂરથી જ તિલક કરાવો. નિર્જળા એકાદશીથી શરૂ કરીને નિત્ય આ પ્રકારે જ તિલક કરવું. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી લગ્ન જીવનમાં ચાલી રહેલી અશાંતિઓ દૂર થઈ જાય છે. તેમજ પતિ-પત્નીના સંબંધો પુનઃ મધુર બને છે.
જો પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા ચાલી રહ્યા હોય તો નિર્જળા એકાદશી પર પત્નીએ એક ખાસ ઉપાય અજમાવો જોઈએ. સૂતા સમયે પતિના તકિયાની નીચે એક પડિકામાં સિંદૂર રાખી દેવું. ત્યારબાદ તે સિંદૂરને બીજા દિવસે સવારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરી દેવું. કહે છે કે આ ઉપાય કરવાથી પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓ દૂર થઈ જાય છે. તેમની વચ્ચે પ્રેમ વધે છે તેમજ સંતાન પ્રાપ્તિના યોગ પણ બને છે.
એક એકાક્ષી નારિયેળ લઇને તેના ઉપર સિંદૂર લગાવો. ત્યારબાદ તે નારિયેળને લાલ રંગના વસ્ત્રમાં લપેટીને મૂકી દો. હવે, સજોડે એટલે કે પતિ-પત્નીએ એકસાથે તે નારિયેળ ઇષ્ટદેવને અર્પણ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી પતિ-પત્નીના સંબંધો મજબૂત બને છે. અને પરસ્પર પ્રેમમાં વૃદ્ધિ થાય છે.
જેઠ સુદ એકાદશીના અવસરે એક પીળા રંગનું વસ્ત્ર લો. તેના પર સિંદૂરથી ઓમકાર બનાવો. ૐ લખેલા આ પીળા વસ્ત્રને પતિના પર્સમાં મૂકી દો. માન્યતા અનુસાર આ ઉપાયથી પતિની પ્રગતિ થશે અને તેને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થશે.
શક્ય હોય ત્યાં સુધી સિંદૂરના આ ફળદાયી ઉપાયો નિર્જળા એકાદશીના દિવસે સવારે જ કરવા જોઈએ. યાદ રાખો, કે આ ઉપાયો ગુપ્ત રીતે કરવાના છે. એટલે કે તમે આ ઉપાય કરી રહ્યા હોવ તો તે અંગે કોઈને પણ જણાવવું ન જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)