જીવનની વિવિધ સમસ્યાઓથી મુક્તિ (Mukti) માટે કે પછી મનોકામનાઓની પૂર્તિ અર્થે લોકો વિવિધ મંત્રના જાપ કરતા હોય છે. પણ, ફળ પ્રાપ્તિમાં જેટલું મહત્વ આ મંત્રનું છે, તેટલું જ મહત્વ મંત્રજાપ માટે વપરાતી માળાનું પણ છે. કહે છે કે મંત્રની આ જ શક્તિ ત્યારે અનેક ગણી વધી જાય છે, કે જ્યારે માળા દ્વારા તેનો જાપ કરવામાં આવે.
વિવિધ દેવી-દેવતાઓની કૃપાને પ્રાપ્ત કરવા વિવિધ માળા દ્વારા મંત્રજાપ કરવાનો મહિમા છે. વળી, આ મંત્રજાપ માળાને અનુરૂપ રંગના આસન પર બેસીને જ થાય તે પણ એટલું જ મહત્વનું છે. જો કે માળા દ્વારા મંત્રજાપ બાબતે જેટલું મહત્વ ધ્યાનમાં રાખવાની બાબતોનું છે, તેનાથી પણ વધારે મહત્વ તો છે, એ વાતને ધ્યાન રાખવાનું કે માળા દ્વારા મંત્રજાપ સમયે શું ભૂલથી પણ ન કરવું ? આવો આજે તે જ સંદર્ભે જાણવાનો પ્રયત્ન કરીએ.
શું રાખો વિશેષ ધ્યાન ?
1. મંત્રજાપ સમયે માળાને ‘તર્જની’ આંગળીનો સ્પર્શ ભૂલથી પણ ન થવો જોઈએ.
2. શક્ય હોય ત્યાં સુધી મંત્રજાપ કરતી વખતે માળાને ગૌમુખીમાં જ રાખવી અથવા તો, કોઈ વસ્ત્રથી ઢંકાયેલી રાખવી. આમ કરવાથી નકારાત્મક શક્તિઓ માળાથી દૂર રહે છે.
3. માળા હંમેશા વ્યક્તિગત જ હોવી જોઈએ. એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા મંત્રજાપ માટે ઉપયોગમાં લેવાતી માળાનો ઉપયોગ બીજી વ્યક્તિએ ન જ કરવો.
4. જે માળાથી મંત્રજાપ કરતા હોઈએ તેને ક્યારેય પહેરવી ન જોઈએ અને જે માળા ગળામાં ધારણ કરતા હોવ તેનાથી ક્યારેય મંત્રજાપ ન જ કરવો જોઈએ.
5. મંત્રજાપનો પ્રારંભ કરતા પૂર્વે હંમેશા જ માળા હાથમાં લઈ પ્રાર્થના કરવી જોઈએ, કે માળા દ્વારા થનારો મંત્રજાપ સફળ થાય.
6. માળામાં પરોવાયેલા મણકાંની સંખ્યા 27 અથવા 108 જ હોવી જોઈએ. દરેક મણકાં બાદ તેમાં એક ગાંઠ લાગેલી હોવી જોઈએ.
7. માળાના તમામ મણકા પૂર્ણ થયા બાદ તે સ્થાન પર સુમેરુ હોય છે. એક માળા પૂર્ણ થાય એટલે તે સુમેરુને પગે લાગવું. તેનો ક્યારેય અનાદર ન કરવો.
આ નાની વાતોને ધ્યાનમાં રાખવામાં આવે તો એક નાનકડી માળા પણ મનોવાંચ્છિત ફળને પ્રાપ્ત કરાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ પણ વાંચો : શું ગુરુના પણ હોય કોઈ પ્રકાર ? કેવાં ગુરુ ઈશ્વર સુધી પહોંચવામાં થશે મદદરૂપ ?