હિન્દુ પંચાંગ અનુસાર વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. શક્તિની પૂજાનું મહાપર્વ નવરાત્રી ચૈત્ર સુદ એકમથી શરૂ થવા જઇ રહી છે. જે 22 માર્ચ, બુધવારે છે. આ દિવસથી નવ સંવત્સરનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે નવરાત્રીમાં 110 વર્ષ બાદ એક ખાસ યોગ સર્જાયો છે. જે સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારો મનાઈ રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે કયો છે આ શુભ સંયોગ ? અને નવરાત્રીમાં કેવી રીતે કળશ સ્થાપનાથી માની વિશેષ કૃપાની થશે પ્રાપ્તિ ?
ચૈત્ર માસની એકમ તિથિનો પ્રારંભ 21 માર્ચે રાત્રે 11:04 કલાકે થશે. એટલે કે, સૂર્યોદયની તિથિ 22 માર્ચ, બુધવારે પ્રાપ્ત થશે. આ વર્ષે માતાજીનું આગમન નૌકા પર થઈ રહ્યું છે. જેને સુખ-સમૃદ્ધિ લાવનાર મનાય છે. તો સાથે જ માતાજીનું પ્રસ્થાન ડોલીમાં થવાનું છે. જે બહુ જ શુભકારી જણાવાઈ રહ્યું છે.
આ નવરાત્રી પર ગ્રહોની સ્થિતિ ખૂબ જ ખાસ છે. જે 110 વર્ષ બાદ બની રહી છે ! નવરાત્રી દરમિયાન ગુરુ અને શનિ તેમની સ્વરાશિમાં રહેશે. શનિ કુંભમાં અને ગુરુ મીનમાં રહેશે. સાથે જ 4 મહત્વના ગ્રહ ગોચર પણ થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ વખતે નવરાત્રી પૂરાં 9 દિવસની છે. એટલે કે નોરતાના દિવસોમાં વધારો કે ઘટાડો નથી. નવ દિવસની પૂર્ણ નવરાત્રી અત્યંત ફળદાયી મનાય છે. પ્રસિદ્ધ જ્યોતિષીઓના જણાવ્યાનુસાર આ વર્ષે નવરાત્રીમાં રાજા બુધ અને મંત્રી શુક્ર ગ્રહ રહેશે. જેના કારણે શિક્ષણ ક્ષેત્રે મોટી ક્રાંતિના અવસરો પ્રાપ્ત થશે અને મહિલાઓ માટે પણ આ ખૂબ શુભ માનવામાં આવી રહ્યું છે.
⦁ ચૈત્રી નવરાત્રીએ બ્રહ્મમુહૂર્તમાં ઊઠી જવું. સૂર્યોદય પૂર્વે જ સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.
⦁ ઘરના ઇશાન ખૂણામાં એક બાજોઠ મૂકો. તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરીને માતાજીની પ્રતિમા કે છબીનું સ્થાપન કરો.
⦁ લાલ રંગના વસ્ત્ર પર ચોખાથી અષ્ટદળનું નિર્માણ કરો.
⦁ એક માટીના પાત્રમાં જવ ઉગાડી આ અષ્ટદળ પર મૂકો. તેના પર જળ ભરેલ કળશ સ્થાપિત કરો.
⦁ કળશ પર સ્વસ્તિક બનાવી તેના પર પાંચ ચાંદલા કરો. અને ત્યારબાદ નાડાછડી બાંધો.
⦁ કળશમાં આખી સોપારી, સિક્કા અને અક્ષત ઉમેરીને તેના પર આસોપાલવના પાંચ પાન મૂકો.
⦁ એક શ્રીફળ લઇને તેની પર લાલ રંગની ચુંદડી મૂકી તેને નાડાછડીથી બાંધી દો.
⦁ ચુંદડી બાંધેલ શ્રીફળને કળશ પર રાખીને દેવી દુર્ગાનું આહ્વાન કરો.
⦁ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરીને કળશની પૂજા કરો.
⦁ નવરાત્રીમાં દેવીની પૂજા માટે સુવર્ણના, ચાંદીના, તાંબાના, પિત્તળના કે માટીના કળશની સ્થાપના કરવામાં આવે છે.
⦁ આસ્થા સાથે નવ દિવસ આ કળશની પૂજા કરવાથી અને દેવી ઉપાસના કરવાથી સાધકના સઘળા મનોરથ સિદ્ધ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)