આજકલ ઘણાં લોકોને એ સવાલ મૂંઝવતો હોય છે કે તેમની કમાણી ખૂબ જ સારી હોવા છતાં ઘરમાં ધન ટકતું જ નથી હોતું ! એવું બને છે કે ઘરમાં આવક તો ખૂબ સારી થાય છે પણ ઘરમાં આવેલું તે ધન કોઈને કોઈ કારણસર ખર્ચાઈ જ જાય છે. બચત તો દૂરની વાત રહી, ઘણીવાર આર્થિક સંકડામણનો સામનો પણ કરવો પડે છે ! જો તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું હોય, તેના માટે તમારું પોતાનું જ ઘર જવાબદાર હોઈ શકે છે ! તમને કદાચ નવાઈ લાગશે, પરંતુ, વાસ્તુદોષની સમસ્યાને લીધે વ્યક્તિને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ! આવો, આજે વિગતે આ સમસ્યાને સમજીએ અને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધીએ.
વાસ્તુદોષથી થતી આર્થિક સમસ્યા !
⦁ આવક સારી હોવા છતાં ઘરમાં નાણાં બચતા જ ન હોય !
⦁ આવક હોવા છતાં હંમેશા ખર્ચ વધારે જ થઈ જાય. જેના લીધે આર્થિક સંકડામણનો સામનો કરવો પડે !
⦁ સારું કમાતા હોવા છતાં તમે દેવાની જાળમાં ફસાઈ ગયા હોવ અને અનેક પ્રયાસ છતાં તેમાંથી બહાર નીકળવું વધુને વધુ મુશ્કેલ બની ગયું હોય!
⦁ મોટાભાગની આવક દેવાના વ્યાજ પાછળ કે ઘરના લોકોની બીમારી પાછળ જ ખર્ચાઈ જતી હોય !
⦁ કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા હોય અને આવકનો મોટો હિસ્સો તેમાં જ રોકાઈ ગયો હોય !
દિશાથી વાસ્તુ દોષ !
વાસ્તુ અનુસાર જોઈએ તો જ્યારે ઘરની ઉત્તર અને દક્ષિણ દિશામાં દોષ રહ્યો હોય ત્યારે વ્યક્તિને આવી આર્થિક સંકડામણનો સામનો કરવો પડે છે. એમાં પણ જો ઘરની ઉત્તર દિશાની સરખામણીએ ઘરની દક્ષિણ દિશા ઊંચી હોય તો વ્યક્તિને વધારે જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં ઘરના વાસ્તુદોષનું નિવારણ અનિવાર્ય બની જાય છે. ત્યારે આવો જાણીએ, કે આ માટે કેવાં ઉપાયો અજમાવવા જોઈએ.
ગંદકી ન રાખો
ઘરની ઉત્તર અને દક્ષિણ દિશામાં ગંદકી રહેતી હોય, તો પણ પરિવારને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલે સૌથી વધુ મહત્વનું એ જ છે, કે ઘરની આ દિશામાં બિલ્કુલ પણ ગંદકી ન રાખવી.
ઉત્તર દિશામાં શ્રીયંત્ર !
જો ઘરની ઉત્તર દિશાની સરખામણીએ ઘરની દક્ષિણ દિશા થોડી ઊંચી હશે તો પણ ઘરમાં લક્ષ્મી ટકતા નથી ! ઘરમાં લક્ષ્મીનું આગમન, એટલે કે ધનનું આગમન તો થાય છે, પરંતુ, દિશા દોષને લીધે લક્ષ્મી ઘરમાં ટકતા નથી ! આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ઉત્તર દિશામાં મોટાં શ્રીયંત્રની વિધિવત સ્થાપના કરવી જોઈએ. આ ઉપાયથી ચોક્કસપણે શુભ પરિણામની પ્રાપ્તિ થશે.
છોડથી સમૃદ્ધિ !
ઘરની ઉત્તર-દક્ષિણ દિશાઓમાં છોડવા રોપીને પણ તમે તમારી આર્થિક સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. આ માટે ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ અથવા તો કેળનો છોડ લગાવવો. એ જ રીતે ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં મનીપ્લાન્ટના બે છોડ કુંડામાં લગાવવા જોઈએ.
આ એ ઉપાયો છે કે જે કરવાથી સમસ્યામાં ચોક્કસથી ઘણાં અંશે રાહત મળશે. અલબત્, સંપૂર્ણ રાહત માટે દક્ષિણ કરતા ઉત્તરનો ખૂણો નીચો કરાવવો વધુ હિતાવહ રહેશે.
(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)