તારીખ 18 ફેબ્રુઆરી, શનિવારે સમગ્ર ભારતમાં હર્ષોલ્લાસ સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રીની શિવપૂજા સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. એમાં પણ આ વખતે 700 વર્ષ બાદ મહાશિવરાત્રી પર એક અદભુત સંયોગ સર્જાયો છે. મહાશિવરાત્રીએ પંચ મહાયોગ બની રહ્યા છે. ત્યારે આવો જાણીએ કે આ સંયોગ શું છે ? તે કેવાં લાભની પ્રાપ્તિ કરાવનારો છે અને આવાં શુભ સંયોગ પર ચાર પ્રહરની પૂજાથી કેવાં ફળની થાય છે પ્રાપ્તિ !
મહાશિવરાત્રીના અવસરે કેદાર યોગ, શંખ યોગ, શશ યોગ, વરિષ્ઠ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ મળીને કુલ પાંચ મહાયોગ બની રહ્યા છે. કહે છે કે છેલ્લાં 700 વર્ષમાં આવો સંયોગ ક્યારેય નથી બન્યો. વળી આ મહાશિવરાત્રી પર તેરસ અને ચૌદસની તિથિઓ એક સાથે છે. પૌરાણિક શાસ્ત્રો અનુસાર આવા સંયોગને શિવપૂજા માટે ખૂબ ખાસ અને શુભ માનવામાં આવે છે. આ ગ્રહ યોગમાં નવી શરૂઆત કરવાથી અને નવી ખરીદી કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે.
મહાશિવરાત્રીની પૂજામાં પ્રહર પૂજાનો સવિશેષ મહિમા છે. પ્રહર પૂજામાં આખી રાત જાગીને શિવજીની શાસ્ત્રોક્ત વિધિથી આરાધના કરવામાં આવે છે. દરેક પ્રહરમાં વિશેષ મંત્ર અને દ્રવ્યોથી શિવજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જે અલગ-અલગ ફળની પ્રાપ્તિ કરાવે છે.
સાંજે 6:21 થી રાત્રે 9:31 સુધી
મંત્ર- “ૐ હ્રીં ઇશાનાય નમઃ”
ઉપાય- આ પ્રહરમાં શિવલિંગ પર દૂધથી અભિષેક કરો. તેના દ્વારા દેવામાંથી મુક્તિ મળવાની માન્યતા પ્રચલિત છે.
રાત્રે 9:32 થી અર્ધરાત્રી 12:42 સુધી
મંત્ર- “ૐ હ્રીં અઘોરાય નમઃ”
ઉપાય- આ પ્રહરમાં શિવલિંગ પર દહીંનો અભિષેક કરવો. માન્યતા અનુસાર તેનાથી આપને સંતાનસુખની પ્રાપ્તિ થાય છે. તેમજ વૈવાહિક જીવનમાં ખુશહાલી પ્રાપ્ત થાય છે.
અર્ધરાત્રી 12:42 થી પ્રાતઃ 3:51 સુધી
મંત્ર- “ૐ હ્રીં વામદેવાય નમઃ”
ઉપાય- શિવલિંગ પર ઘી દ્વારા અભિષેક કરવો. કહે છે કે તેનાથી ધનલક્ષ્મી આકર્ષિત થાય છે અને નોકરી ધંધામાં પ્રગતિના દ્વાર ખૂલી જાય છે.
પ્રાતઃ 3:52 થી સવારે 7:01 સુધી
મંત્ર- “ૐ હ્રીં સધ્યોજાતાય નમઃ”
ઉપાય- આ પ્રહરમાં શિવલિંગ પર મધનો અભિષેક કરવો. તેનાથી અખંડ સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)