ગૌમાતા સંબંધી આ ઉપાયો આજથી જ કરી દો શરૂ, તમામ સમસ્યાનું મળી જશે નિવારણ !

ગૌમાતાની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે. ન માત્ર ધર્મમાં, પરંતુ, જ્યોતિષ શાસ્ત્રમાં પણ ગૌમાતાનું સ્થાન ઉચ્ચ ગણવામાં આવે છે. ગાયની સેવા કરીને વ્યક્તિ શનિની મહાદશા કે સાડાસાતીની પનોતીમાં પણ રાહત મેળવી શકે છે.

ગૌમાતા સંબંધી આ ઉપાયો આજથી જ કરી દો શરૂ, તમામ સમસ્યાનું મળી જશે નિવારણ !
Gauv Pujan
| Edited By: | Updated on: Apr 27, 2022 | 3:59 PM

હિન્દુ ધર્મ સાથે જોડાયેલા શાસ્ત્રો, વેદો અને પુરાણોમાં ગાયમાતાનો અદ્વિતીય મહિમા દર્શાવવામાં આવ્યો છે. સનાતન પરંપરા અનુસાર ગાયની પૂજા પ્રાચીન કાળથી ચાલી આવી છે. પ્રાચીન કાળથી જ ભારતમાં ગાયમાતાને સૌથી શ્રેષ્ઠ ધન માનવામાં આવ્યું છે. અને એટલે જ ગૌધન તરીકે તેમની પૂજા કરવાનું વિધાન છે. પુરાણોમાં ગાયના અનેકવિધ ગુણ દર્શાવાયા છે. દેવતાઓમાં ભગવાન શ્રીકૃષ્ણને પણ ગાય અત્યંત પ્રિય હતી. માન્યતા તો એવી પણ છે કે ગાયમાં 33 કોટિ દેવી-દેવતાનો વાસ રહેલો છે. અને એ જ કારણના લીધે લોકો દરરોજ પહેલી રોટલી ગાયમાતા માટે બનાવતા હોય છે.

કહે છે કે ગૌમાતાની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે. ન માત્ર ધર્મમાં, પરંતુ, જ્યોતિષ શાસ્ત્રમાં પણ ગૌમાતાનું સ્થાન ઉચ્ચ ગણવામાં આવે છે. ત્યારે આવો, આજે આપને જાણાવીએ ગૌમાતા સાથે જોડાયેલ કેટલાક ધાર્મિક અને જ્યોતિષીય ઉપાયો. આ ઉપાયો છે કે જે કરવાથી ગ્રહોના અશુભ ફળથી મુક્તિ મળે છે !

⦁ નવગ્રહની શાંતિ અર્થે

આ પણ વાંચો

ઘરમાં સવારે બનતા ભોજનની પહેલી રોટલી ગૌમાતા માટેની હોય છે. જ્યારે તમારા ઘરમાં સવારનું ભોજન બની રહ્યું હોય ત્યારે તેમાં પહેલી રોટલી ગૌમાતાના નામની બનાવવી. સ્વયં ભોજન ગ્રહણ કરતા પહેલા ગૌમાતાને ભોજન કરાવો. જ્યોતિષ અનુસાર નવગ્રહોની શાંતિ માટે ગાયની પૂજા વિશેષ લાભદાયી માનવામાં આવે છે.

⦁ મંગળ ગ્રહની શાંતિ અર્થે

જો તમારી કુંડળીમાં મંગળગ્રહ અશુભ ફળ આપી રહ્યો હોય તો લાલ રંગની ગાયની સેવા કરવી જોઇએ. બની શકે તો ગરીબ બ્રાહ્મણને લાલ રંગની ગાય દાન કરવી. જો દાન દેવા આપ સમર્થ ન હોવ તો મંગળગ્રહના અશુભ પ્રભાવથી બચવા લાલ રંગની ગાયની સેવા કરવી.

⦁ બુધ ગ્રહની શાંતિ અર્થે

કુંડળીમાં બુધ ગ્રહના અશુભ પ્રભાવથી બચવા માટે બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ નીરવું જોઇએ. જો આપની કુંડળીમાં બુધ ગ્રહ અશુભ પ્રભાવ પાડે છે તો આપે તેની શુભતા મેળવવા નિત્ય અથવા તો દર બુધવારે ગાયને લીલો ચારો નીરવો જોઇએ.

⦁ શનિની મહાદશા કે સાડાસાતીમાંથી મુક્તિ અર્થે

જો આપની પર શનિની મહાદશા કે સાડાસાતી ચાલી રહી હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે કોઇ ગરીબ બ્રાહ્મણને કાળા રંગની ગાયનું દાન કરવું જોઇએ. જો આપ દાન દેવા સમર્થ ન હોવ તો કાળા રંગની ગાયની સેવા કરવી જોઈએ.

⦁ પિતૃદોષમાંથી મુક્તિ અર્થે

જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને દૂર કરવા માટે ગાયને નિત્ય જ રોટલી, ગોળ અને લીલો ચારો અર્પણ કરવો જોઇએ. વિશેષ તો અમાસના દિવસે ભૂલ્યા વિના ખાસ આ કાર્ય કરવું.

⦁ માતા લક્ષ્મીની કૃપાપ્રાપ્તિ અર્થે

જો આપની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હોય તો આપે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિત્ય ગાયની સેવા કરવી જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

 

Published On - 7:43 am, Wed, 27 April 22