જો ઘરમાં બાળકો હસતા, રમતા અને સ્વસ્થ હોય, તો માતા-પિતા પણ નચિંત રહેતા હોય છે. પણ, સામાન્ય રીતે બાળકો ક્યારેક અભ્યાસને લઈને, ક્યારેક સ્વાસ્થ્યને લઈને, તો ક્યારેક તેમના સ્વભાવને લઈને માતા-પિતાને પરેશાન કરી દેતા હોય છે. ત્યારે આજે એવાં કેટલાંક જ્યોતિષીય ઉપાયોની વાત કરવી છે કે જે બાળકના ઉછેરમાં સકારાત્મક પરિણામ લાવી શકે છે. મોટાભાગે દરેક રાશિના કેટલાંક વિશેષ ગુણ હોય છે. અને બાળકના સ્વભાવ, તેના કાર્યો પર તેની રાશિનો પ્રભાવ ચોક્કસપણે હોય જ છે. ત્યારે આવો જાણીએ કે બાળકમાં સકારાત્મક ગુણો ઉદભવે તે માટે તેની પાસે કયા કાર્ય અચૂક કરાવવા જોઈએ.
1. મેષ રાશિ
મેષ રાશિના બાળકો પાસે નિત્ય જ સૂર્યનારાયણને જળ અર્પણ કરાવવું જોઈએ. આ સમયે બાળકો પાસે “ૐ આદિત્યાય નમઃ ।” મંત્રનો જાપ કરાવવો જોઈએ. મેષ રાશિના બાળકો જો ભોજનમાં થોડાં ગોળનું સેવન કરે તો તે તેમના માટે લાભદાયી બની રહેશે.
2. વૃષભ રાશિ
વૃષભ રાશિના બાળકોને દરરોજ તુલસીના 2 પાનનું સેવન કરાવવું જોઈએ. એ જ રીતે દૂધ પણ નિત્ય જ પીવડાવું જોઈએ. યાદ રાખો, આ બાળકોને શક્ય હોય ત્યાં સુધી લાલ રંગના વસ્ત્ર પહેરાવવાનું ટાળવું જોઈએ. જ્યારે બાળકને 10 વર્ષ પૂર્ણ થઈ જાય, ત્યારે તેની પાસે દુર્ગા ચાલીસાનો પાઠ કરાવવો જોઈએ.
3. મિથુન રાશિ
મિથુન રાશિના બાળકો પાસે નિયમિતપણે હનુમાન ચાલીસા વંચાવવી જોઈએ અથવા તો સંભળાવવી જોઈએ. આ બાળકોના રૂમમાં ચંદનની સુગંધ પ્રસરાવવાનો પ્રયોગ કરવો. સાથે જ મિથુન રાશિના બાળકોને નિત્ય જ ભોજન બાદ વરિયાળી અને સાકર ખવડાવવા જોઈએ.
4. કર્ક રાશિ
શક્ય હોય તો કર્ક રાશિના બાળકોને ગળામાં ચાંદીની ચેઇન ધારણ કરાવવી જોઈએ. અને બને તેટલું તેમને કાળા રંગના વસ્ત્ર પહેરાવવાનું ટાળવું જોઈએ.
5. સિંહ રાશિ
સિંહ રાશિના બાળકોએ દરરોજ સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે તેમની ખાણીપીણી પર વિશેષ ધ્યાન આપવું. આ બાળકો તામસી વસ્તુઓના સેવનથી દૂર રહે તે તેમના માટે હિતાવહ છે.
6. કન્યા રાશિ
શક્ય હોય ત્યાં સુધી કન્યા રાશિના બાળકોને દિવસમાં એકવાર જરૂરથી મંદિરે દર્શન કરવા લઇ જવા. યાદ રાખો, આ બાળકોને પોકેટ મની આપતા ખાસ ધ્યાન રાખવું જોઈએ. પોકેટ મની બાળકોની આદતને બગાડી શકે છે.
7. તુલા રાશિ
તુલા રાશિના બાળકોને દરરોજ સવારે ભગવાન શિવના દર્શન કરાવવા. તમે શિવાલયમાં જઈને દર્શન કરાવી શકો છો. અથવા તો ઘરમાં રહેલ શિવલિંગના પણ દર્શન કરાવી શકો છો. આ બાળકોને મધ્યમા આંગળીમાં લોખંડની વીંટી ધારણ કરાવવી જોઈએ.
8. વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના બાળકોને ગળામાં ચાંદીની ચેઈન ધારણ કરાવવી જોઈએ. આ બાળકો માટે સૌથી વધુ જરૂરી એ છે કે માતા-પિતા તેમની સાથે સમય વિતાવે.
9. ધન રાશિ
ધન રાશિના બાળકોને તાંબાનું કડુ પહેરાવવું જોઈએ. આ બાળકોની સંગત પર સવિશેષ ધ્યાન આપવું જોઈએ.
10. મકર રાશિ
મકર રાશિના બાળકોએ હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. શક્ય હોય તો નિત્ય જ હનુમાન મંદિરે જવું. 12 વર્ષથી નીચેના બાળકોને વરિયાળી અને સાકરનું સેવન કરાવવું. તેનાથી બાળકો ભણવામાં હોંશિયાર બનશે.
11. કુંભ રાશિ
કુંભ રાશિના બાળકો પાસે નીતિ નિયમોના પાલનનો ખાસ આગ્રહ રાખવો જોઈએ. સાથે જ આ બાળકો સવારે બ્રશ કરી લે પછી તેમને અખરોટ ખવડાવવા જોઇએ.
12. મીન રાશિ
મીન રાશિના બાળકોને ચાંદીનું કડુ કે ચેઇન પહેરાવવા જોઇએ. બાળકને તળેલું, મસાલેદાર, તીખુ ખાવાનું ન આપવું જોઇએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)