SHRADHH KARM
બ્રહ્મપુરાણનું માનીએ તો મનુષ્યએ સર્વપ્રથમ પોતાના પૂર્વજોની- પિતૃઓની (PITRU) પૂજા કરવી જોઇએ, એવું માનવામાં આવે છે કે તેનાથી દેવતા પ્રસન્ન થાય છે. આપણી સંસ્કૃતિમાં વડીલોના સમ્માનનું ખાસ મહત્વ છે. તો મરણોપરાંત પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે, જેને શ્રાદ્ધ કર્મ (Shradh karm) કહેવામાં આવે છે. આમ તો શ્રાદ્ધ કર્મ મૃત્યુની તિથિના દિવસે કરવામાં આવે છે. પરંતુ જો કોઇને તિથિ યાદ નથી તો અમાસના દિવસે તેમની પૂજા, તર્પણ કરવું જોઇએ. જેને સર્વ પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે. શ્રાદ્ધના દિવસે આપણે તર્પણ કરીને આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને બ્રાહ્મણો તેમજ જરૂરિયાત મંદ લોકોને ભોજન અને દક્ષિણા અર્પણ કરીએ છીએ. પદ્મપુરાણ અને અન્ય કેટલાક પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃપક્ષમાં (Pitru paksha) જે પોતાના પિતૃઓ નિમિત્તે પોતાના સામર્થ્ય અનુસાર સંપૂર્ણ વિધિથી શ્રાદ્ધ કર્મ કરે છે તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. સાથે જ તેની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો જાણીએ પિતૃપક્ષમાં ઘરમાં જ શ્રાદ્ધ કરીને પોતાના પિતૃઓને કેવી રીતે પ્રસન્ન કરીશું.
ઘરે શ્રાદ્ધ કર્મ કરવાની વિધિ
- શ્રાદ્ધકર્મની તિથિના દિવસે સવારે બ્રહ્મમૂહુર્તમાં ઉઠીને સ્નાનાદિકાર્ય પૂર્ણ કરીને ઘરની સફાઇ કરો. ત્યારબાદ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.
- પૂજા માટે તાંબાના વાસણમાં કાળા તલ, ગાયનું કાચું દૂધ, ગંગાજળ-પાણીનું મિશ્રણ બનાવો. જળના આ મિશ્રણને અંજલી બનાવીને જમણા હાથના અંગૂઠાથી એ જ વાસણમાં જળ પધરાવો. આ રીતે 11 વાર કરીને પિતૃઓનું ધ્યાન ધરો.
- શ્રાદ્ધકર્મમાં સફેદ ફૂલોનો ઉપયોગ કરવો જોઇએ. શ્રાદ્ધ માટે આવશ્યક સામગ્રીમાં ગંગાજળ, મધ, દૂધ, સફેદ વસ્ત્ર, તલ મુખ્ય છે.
- શ્રાદ્ધકર્મ હંમેશા અભિજિત મૂહુર્તમાં કરો.
- શ્રાદ્ધકર્મ દરમ્યાન પિતૃઓ માટે કરવામાં આવેલ હવનની અગ્નિમાં ગાયના દૂધથી બનેલ ખીર અર્પણ કરો. બ્રાહ્મણોને ભોજન કરાવતા પહેલા ગાય, શ્વાન, કાગ, દેવતા અને કીડીઓ એટલે કે પંચબલિ માટે ભોજન એક પાન પર કાઢો.
- દક્ષિણ દિશામાં મુખ રાખીને દર્ભ, તલ અને અક્ષત તેમજ જળ લઇને સંકલ્પ કરો. ત્યારબાદ એક કે ત્રણ બ્રાહ્મણોને ભોજન કરાવો.
- મહિલાઓએ શુદ્ધ થઇને પિતૃઓ માટે ભોજન બનાવવું જોઇએ. શ્રાદ્ધકર્મના દિવસે બ્રાહ્મણોને નિમંત્રણ આપો અને તેમને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવો.
- ભોજન કરાવતા પહેલા બ્રાહ્મણ દેવના ચરણ ધોવા. ચરણ ધોતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે પત્નીએ ડાબી તરફ રહેવું.
- ભોજન ઉપરાંત પોતાના સામર્થ્ય પ્રમાણે દક્ષિણા અને દાનકાર્ય કરવું. દાન સામગ્રી તમારે ગાય, ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી તેમજ મીઠાનું દાન કરી શકો છો.
- દાન કર્યા પછી નિમંત્રિત બ્રાહ્મણની ચાર પ્રદક્ષિણા કરી આશીર્વાદ લો.
પિતૃદોષ દૂર કરવાના ઉપાયો
- પિતૃદોષ દૂર કરવા માટે પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ અને પીંડદાન કરવું.
- દક્ષિણ દિશામાં પિતૃઓનું ચિત્ર, ફોટો લગાવીને નિત્ય તેમને પ્રણામ કરવાથી પિતૃદોષમાંથી રાહત મળે છે.
- પિતૃદોષથી છુટકારો મેળવવા માટે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો.
- અમાસના દિવસે પીપળામાં જળ અર્પણ કરવાની સાથે પુષ્પ, અક્ષત, દૂધ અને કાળા તલ પણ ઉમેરવા.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)