જીવનમાં વ્યક્તિને કેટલીયે સમસ્યાઓ (problems) ઘેરી વળતી હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિગત પરેશાની તો ક્યારેક ઘરમાં પારિવારિક પરેશાની. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઇએ તો આ તમામ સમસ્યાઓ આપણી જન્મકુંડળીમાં રહેલ ગ્રહોની સ્થિતિને આધારે જ આવતી હોય છે. તેની દશા-અંતદશા, સાડાસાતી, પનોતી આ બધા તેના કારણો હોય છે. જો કુંડળીમાં રહેલ ગ્રહ પીડિત કે દોષયુક્ત હોય તો તેની અસર આપણા જીવન પર ખરાબ રીતે પડે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં આવા વિવિધ પ્રકારના ઉપાયો દર્શાવ્યા છે જેને અજમાવવાથી મનુષ્યો આ બધી પીડામાંથી આંશિક મુક્તિ મેળવી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર આપણને વિવિધ ઉપાયોથી અવગત કરે છે આ ઉપાયો ગ્રહોને અનુકૂળ કરીને સફળ જીવનની પ્રાપ્તિ કરાવવામાં આપણી મદદ કરે છે. આજે આવા જ ઉપાયોની કરીએ વાત.
પૂજા-અનુષ્ઠાન
જ્યોતિષમાં અનિષ્ટ ગ્રહોની શાંતિનું આગવું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કુંડળીનું પરિક્ષણ કરીને અનિષ્ટ ગ્રહોની વિધિવત અને શાસ્ત્રોક્ત રીતે શાંતિ કરવાની કેટલીક ક્રિયાઓ છે જેમ કે અનિષ્ટ ગ્રહોના જાપ, અનુષ્ઠાન, હવન વગેરે તેમાં નવગ્રહ શાંતિ, રુદ્રાભિષેક, શત ચંડી મહાયજ્ઞ મુખ્ય છે.
રાશિ રત્ન
રત્ન મુખ્યત્વે 9 પ્રકારના હોય છે અને દરેક રત્નના ઉપરત્ન હોય છે. જેટલું સારુ રત્ન તેટલો તેનો પ્રભાવ વધુ થાય છે. દરેક રત્નોના તેમના ગ્રહો અનુસાર દિવસ અને આંગળીઓ નક્કી કરવામાં આવેલી છે. નિશ્ચિત માપનું રત્ન ધારણ કરવું લાભદાયી સાબિત થાય છે. કુંડળીમાં રહેલ ગ્રહોથી વિપરીત રત્ન ધારણ કરવાથી આપને પરિણામ પણ વિપરીત જ ભોગવવું પડે છે એટલે તે બાબતે સાવચેત રહેવું.
મંત્ર
જ્યોતિષ શાસ્ત્રમાં કુલ નવ ગ્રહો છે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શનિ અને રાહુ-કેતુ જે વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે. કુંડળીમાં જો કોઇ ગ્રહ અશુભ ફળ પ્રદાન કરે છે તો તેના અશુભ પ્રભાવથી બચવા માટે જે તે ગ્રહ સંબંધિત મંત્રોનો જાપ કરવો જોઇએ. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા મંત્રો છે જે ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. જેમાં 9 ગ્રહોના 9 બીજમંત્રો, મહામૃત્યુંજય મંત્ર, બગલામુખી મંત્રનો સમાવેશ થાય છે.
યંત્ર
યંત્ર એ એક પ્રકારનું સુરક્ષા કવચ છે જે કાગળ પર, ભોજપત્ર પર કે તાંબા પર બનાવવામાં આવે છે. યંત્ર-રચના માત્ર રેખાંકન નથી પરંતુ તેમાં વૈજ્ઞાનિક તથ્ય પણ હોય છે. યંત્ર દેવી-દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જે ગ્રહ મારક કે બાધક હોય તે ગ્રહની પૂજાયંત્ર દ્વારા કરવામાં આવે છે. યંત્રને મંત્રનું એક રૂપ માનવામાં આવે છે.
દાન
સનાતન ધર્મમાં દાનનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં પણ જન્મ કુંડળીમાં રહેલ વિવિધ ગ્રહોને શાંત કરવા માટે વિવિધ પ્રકારના દાનકર્મ દર્શાવવામાં આવ્યા છે. જન્મપત્રિકાનું નિરીક્ષણ કર્યા પછી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અન્ય ઇચ્છાઓની પૂર્તિ અર્થે દાનકર્મ કરવાની સલાહ આપવામાં આવે છે. દરેક ગ્રહનો એક મૂળ સ્વભાવ હોય છે અને તેને અનુરૂપ દાન કરવું જોઇએ.
ઉપવાસ
કોઇ વિશેષ ઉદેશ્ય, કામનાપૂર્તિ કે નિષ્કામ ભાવ સાથે કરવામાં આવતા ઉપવાસ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેનું સરળ સાધન છે. ગ્રહ દોષ નિવારણ હેતુ ગ્રહ સંબંધિત વ્રત પણ કરવાનું વિધાન દર્શાવવામાં આવ્યું છે.
કોઇપણ પ્રકારના જ્યોતિષ ઉપાય કરતાં પહેલા જાણકારની સલાહ અવશ્ય લેવી.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ અહીં સાક્ષાત કાળ બનીને શ્રીરામે કર્યો હતો અસુરોનો સંહાર ! જાણો, નાસિકના કાલારામનો મહિમા
આ પણ વાંચોઃ અહીં જ વામનદેવે રાજા બલિ પાસે માંગ્યું હતું ત્રણ પગલા ભૂમિનું દાન ! જાણો વંથલીના વામનદેવનો મહિમા