આસો માસની પૂર્ણિમાની (Purnima) તિથીએ શરદપૂનમની (Sharadpurnima) ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે માતા લક્ષ્મીની (Goddess lakshmi) પૂજા કરવાનું દર્શાવવામાં આવ્યું છે. કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરવા નીકળે છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમાંથી (Moon) નિકળતા કિરણો અમૃત સમાન હોવાની માન્યતા છે. આ જ કારણથી આ દિવસે દૂધ-પૌંઆ બનાવવામાં આવે છે અને રાત્રે ખુલ્લા આકાશ નીચે ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે. જેના કારણે દૂધ-પૌંઆમાં ચંદ્રના કિરણો પડે જેનાથી તે દૂધ-પૌંઆ અમૃત સમાન બને છે. શરદપૂર્ણિમાનું વ્રત મનોકામના પૂર્તિ કરનાર માનવામાં આવે છે. શરદપૂર્ણિમાની રાત્રે કેટલાક જ્યોતિષીય ઉપાયો કરવાથી આપ જીવનની ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે.
કહેવાય છે કે શરદપૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મીનું પૂજન કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે એટલે જ આ પૂર્ણિમાને દેવામુક્તિ પૂર્ણિમા પણ કહેવાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાત્રે શ્રીસૂક્તના પાઠ, કનકધારા સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામના જાપ અને ભગવાન કૃષ્ણના મધુરાષ્ટકમના પાઠ કરવાથી આપને કાર્યમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. કમાણીના અલગ રસ્તા ખુલે છે જેના દ્વારા દેવાની ચુકવણી કરીને દેવામાંથી મુક્તિ મેળવી શકાય.
શરદપૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી માતા મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે સાથે જ માતા લક્ષ્મીને લાલ અને પીળા રંગના પુષ્પ તેમજ ભોગ અર્પણ કરવામાં આવે છે. માતા લક્ષ્મીને શણગારની સામગ્રી પણ અર્પણ કરવામાં આવે છે. કમલગટ્ટા કે સ્ફટિકની માળાથી નીચે આપેલ મંત્રની માળા કરવાથી આપની મનોકામના શીઘ્ર પૂર્ણ થાય છે.
ૐ શ્રીં હ્રીં ક્લીં ત્રિભુવન મહાલક્ષ્મ્યૈ અસ્માંક દારિદ્રય નાશય પ્રચુર ધન દેહિ દેહિ ક્લીં હ્રીં શ્રીં ૐ ||
શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રના પ્રકાશમાં ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ. આવું કરવાથી વ્યક્તિને ધનલાભ થાય છે સાથે જ શરદપૂર્ણિમાની રાત્રે હનુમાનજીની સમક્ષ ચારવાટનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. કહેવાય છે કે લક્ષ્મીમાતાને સોપારી ખૂબ પ્રિય છે. શરદપૂર્ણિમાના દિવસે સવારે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમાં સોપારી અવશ્ય રાખો. પૂજા કર્યા બાદ સોપારીને લાલ દોરાથી ઢાંકીને અક્ષત, કંકુ, પુષ્પથી પૂજન કરીને તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી આપની તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)