માતા-પિતાને જીવનમાં સૌથી વધુ ચિંતા તેમના સંતાનોની જ સતાવતી હોય છે. ભાગ્યે જ એવું જોવા મળે કે કોઈ દંપતી તેમના બાળકોના અભ્યાસની બાબતે ચિંતિત ન હોય ! પણ, માતાપિતાને અભ્યાસથી પણ વધારે પરેશાન કરતી જો કોઈ બાબત હોય તો તે છે બાળકોનો વ્યવહાર ! કેટલાંક બાળકો હોંશિયાર હોવા છતાં તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ વર્તાતો હોય છે. તો ઘણીવાર કેટલાંક બાળકો સતત કોઈને કોઈ ડરમાં જીવતા હોય છે. તો વળી, કેટલાંક બાળકોને નાની ઉંમરથી જ સતત ખોટું બોલવાની આદત પડી ગઈ હોય છે ! આ એ સમસ્યાઓ છે કે જે માતા-પિતા માટે માથાનો દુઃખાવો બની જતી હોય છે. આખરે, આ સમસ્યાઓનું નિવારણ કેવી રીતે મળે ? તેનો જવાબ પણ જ્યોતિષશાસ્ત્રમાંથી જ મળી રહે છે !
બાળકોની વિવિધ આદતો પર તેમની કુંડળીનો પ્રભાવ તેમજ ઘરનું વાતાવરણ અસર કરતું હોય છે. એટલું જ નહીં, ઘણીવાર પૂર્વજન્મના પ્રભાવને કારણે પણ બાળકમાં ડરના ગુણ ઉદભવ્યા હોય તેવું બની શકે છે. આ એવી સમસ્યાઓ છે કે જેનું નિવારણ કેટલાક સરળ ઉપાયો દ્વારા આપ લાવી શકો છો. પણ, ખાસ યાદ એ રાખો, કે બાળકો સાથે પ્રેમ પૂર્વક વ્યવહાર દ્વારા જ આ ઉપાયો કરાવવા જોઈએ. તે માટે બળનો કે ક્રોધનો પ્રયોગ ન કરવો જોઈએ.
⦁ જાણે અજાણે આ આદત પરિવારજનોમાંથી જ બાળકમાં ઉતરતી હોય છે. આ સંજોગોમાં સૌથી મહત્વનું એ છે કે પરિવારજનો તેમની આદત સુધારે અને ખોટું બોલવાનું ટાળે.
⦁ નીલા કે ઘાટા વાદળી રંગનો દોરો લેવો. ગુરુવારના દિવસે આ દોરામાં ચંદનનું નાનું લાકડું બાંધીને તેને બાળકના ગળામાં ધારણ કરાવવું. આ ઉપાય ચોક્કસપણે લાભદાયી બની રહેશે.
⦁ ઘરમાં બનતી પહેલી રોટલી તે બાળકના હાથે જ ગાયને ખવડાવવી જોઈએ.
⦁ જો બાળક વધારે પડતું જ ખોટું બોલતો હોય તો તેને મસાલાયુક્ત ભોજન આપવાનું ટાળવું જોઈએ. યાદ રાખો, જેટલું ભોજન સાત્વિક હશે, તેટલું જ બાળકોનું મન શુદ્ધ રહેશે. અને તે અસત્ય બોલવાનું ટાળશે.
⦁ આવા બાળકોને ઘરમાં બેસી રહેવા કરતા બહાર રમવા જવા માટે સતત પ્રોત્સાહિત કરવા જોઈએ.
⦁ બાળકને સત્યનું મૂલ્ય શું છે તે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આ પ્રયત્નો સતત ચાલુ રાખવા જોઈએ. ધીમે-ધીમે તમને તેની સકારાત્મક અસર વર્તાશે. અને બાળકની જુઠું બોલવાની કૂટેવ પણ છૂટી જશે.
⦁ ઘણાં બાળકો હોંશિયાર હોવા છતાં તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. જેને લીધે તેઓ સતત ડરમાં રહે છે. તેમને બોલવામાં ડર લાગે છે, પોતાની વાત રજૂ કરવામાં ડર લાગે છે. સાચી જાણકારી હોવા છતાં તેઓ રજૂઆત નથી કરી શકતા. આ સંજોગોમાં આવા બાળકો પાસે સૂર્ય દેવતા સંબંધી ઉપાયો કરાવવા જોઈએ.
⦁ સૂર્યોદય સમયે બાળકને હંમેશા સૂર્ય સામે જોવાની આદત પડાવવી જોઈએ. સૂર્યના કિરણો બાળક પર પડશે તો બાળકનું મન-મગજ બદલાશે. અને તેનામાં આત્મવિશ્વાસ વધશે.
⦁ બાળક જો 12 વર્ષથી વધુ ઉંમરનું હોય તો તેને “ૐ ધૃણિ સૂર્યાય નમઃ” મંત્રનો જાપ કરાવવાની આદત પાડો. માન્યતા અનુસાર જ્યારે આ મંત્રના જાપ 21,000 થશે, ત્યારે બાળકના કોન્ફિડન્સનું લેવલ બદલાશે. અને તે મક્કમતા પૂર્વક તેની વાતો રજૂ કરતો થશે.
⦁ સૂર્ય ઉપાસના સિવાય અન્ય કેટલાંક ઉપાયોની વાત કરીએ તો આવાં બાળકોને ક્યારેય ખુલ્લા પગે બહાર ન જવા દેવા જોઈએ. પણ, ઘાસ ઉપર જરૂરથી ખુલ્લા પગે ચલાવવું જોઈએ.
⦁ શનિવારના રોજ બાળકના હાથે નાની કન્યાઓને દહીંનું દાન કરાવવું જોઈએ.
⦁ શક્ય હોય ત્યાં સુધી બાળકને કાળા, નીલા તેમજ લાલ રંગના વસ્ત્ર પહેરાવવાનું ટાળવું જોઈએ.
⦁ શનિવારના રોજ કોઈ શિવ મંદિરમાં જઈ બાળકના હાથે નારિયેળ અર્પણ કરાવવું જોઈએ.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)