
આજથી શ્રાદ્ધ પક્ષનો (shradh paksha) પ્રારંભ થઈ રહ્યો છે. વાસ્તવમાં શ્રદ્ધાથી કરવામાં આવતા કાર્યને શ્રાદ્ધ કહેવામાં આવે છે. એટલે કે આ અવસર એ પિતૃઓને જળ અને ભોજનથી તૃપ્ત કરવાનો અવસર છે. સાથે જ તેમના પ્રત્યેની તમારી શ્રદ્ધાને અભિવ્યક્ત કરવાનો પણ સમય છે. શ્રાદ્ધ પક્ષ એ પિતૃ પક્ષ (pitru paksha) તરીકે પણ ઓળખાય છે. પણ, શું તમે એ જાણો છો કે આ પિતૃઓના પણ પ્રકાર હોય છે! શું તમને ખબર છે કે આ પિતૃઓ ક્યાં નિવાસ કરે છે? આવો, આજે એ દરેક બાબતો વિશે સમજીએ જે આ શ્રાદ્ધ પક્ષમાં જાણવી ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, સાથે જ પિતૃદોષના (pitru dosha) લક્ષણોને પણ સમજીએ અને તેમાંથી બહાર નીકળવાના ઉપાયો પણ જાણીએ.
શ્રાદ્ધ પક્ષ
શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષની શરૂઆત આજે ભાદરવા સુદ પૂનમ, 10 સપ્ટેમ્બર, શનિવારથી થઈ રહી છે અને તેની પૂર્ણાહુતિ ભાદરવી અમાસના રોજ એટલે કે 25 સપ્ટેમ્બર, રવિવારના રોજ થશે. આ અમાસને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે. પૂનમ અને અમાસ સહિત શ્રાદ્ધ કર્મ માટેના કુલ 16 દિવસ હોય છે.
શાસ્ત્રો અનુસાર વાત કરીએ તો ચંદ્રલોકની ઉપર એક અન્ય લોક છે જે પિતૃલોક માનવામાં આવે છે. પુરાણો અનુસાર પિતૃઓને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક દિવ્ય પિતૃ અને બીજા મનુષ્ય પિતૃ. પિતૃઓ તેમના કર્મ અનુસાર આમાંથી કોઈ એક પદની પ્રાપ્તિ કરે છે. અર્યમાને પિતૃઓના પ્રધાન માનવામાં આવે છે અને તેમના ન્યાયાધીશ છે યમરાજ!
પુરાણોમાં જણાવ્યા અનુસાર પિતૃઓ ગંધ અને રસ તત્વથી તૃપ્ત થાય છે. જ્યારે શાંતિ માટે જાતક સળગતા ગાયના છાણાંમાં ઘી, ગોળ અને અન્ન અર્પણ કરે છે, ત્યારે તેની ગંધથી પિતૃઓ તૃપ્ત થતા હોય છે. એટલે કે, આ રીતે તેઓ ભોજન ગ્રહણ કરે છે.
પિતૃઓને જળ ગ્રહણ કરાવવાની વિધિને તર્પણ કહે છે. દર્ભ લઈને હાથ જોડો અને જેમનું તર્પણ કરવાનું છે તેમનું ધ્યાન કરીને ।। ૐ આગચ્છન્તુ મેં પિતર એવં ગ્રહન્તુ જલાન્જલિમ ।। મંત્રનો જાપ કરો. હવે અંગૂઠાની મદદ લઈને તે જળ ધીરે ધીરે પૃથ્વી પર 5, 7 કે 11 વાર ચઢાવો. માન્યતા તો એવી છે કે અંગૂઠાથી જળનું તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે.
પિતૃપક્ષમાં દાન કરવાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે. પૂર્વજોના નિમિત્તનું શ્રાદ્ધ કાર્ય કર્યા પછી કાળા તલ, મીઠું, ઘઉં, ચોખા અને ગાયનું દાન તેમજ સોનું, વસ્ત્ર અને ચાંદીનું દાન ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે.
ઘરમાં કલેશ રહેતો હોય, સંતાન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય, લગ્નમાં અવરોધો આવતા હોય, આકસ્મિક દુર્ઘટનાઓ બનતી હોય, નોકરી કે વેપારમાં સતત અવરોધો આવતા હોય, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતાવતી હોય તો આ બધા જ પ્રકારની સમસ્યાઓ પિતૃદોષ સાથે જોડાયેલી છે.
⦁ પિતૃદોષની મુક્તિ માટે શ્રાદ્ધપક્ષમાં આપના પૂર્વજોના અવસાનની તિથિના દિવસે તેમને તર્પણ કરો.
⦁ બ્રાહ્મણને ભોજન કરાવો.
⦁ યથાશક્તિ દાન પણ કરો.
⦁ દર અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો.
⦁ જરૂરિયાતમંદને મદદ કરો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)