તુલસી (Tulsi) પૂજનની અદકેરી જ મહત્તા છે. મોટાભાગના હિન્દુ પરિવારોમાં એક નાનકડો તુલસીનો છોડ તો ઘરમાં હોય જ છે. શાસ્ત્રના જાણકારો તો “છોડમાં રણછોડ એટલે તુલસીનો છોડ !” એવી તેને ઉપમા પ્રદાન કરે છે. કારણ કે તુલસી પૂજા અત્યંત ફળદાયી મનાય છે. પણ, શું તમને એ ખબર છે કે તુલસીનો છોડ કેવાં-કેવાં પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવે છે ? આવો આજે તે જ સંદર્ભમાં વાત કરીએ.
આજે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તુલસી અત્યંત લાભદાયી અને ગુણકારી હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. પણ, તુલસીની શાસ્ત્રોક્ત મહત્તા જાણીએ તો તેની હાજરી માત્ર આસપાસના વાતાવરણને શુદ્ધ કરી દે છે અને સકારાત્મક ઊર્જાથી ભરી દે છે. તેના સાનિધ્યે બેસવાથી પણ વ્યક્તિ ચિંતામુક્ત બની જાય છે એટલું જ નહીં તે દુર્વિચારોનું પણ શમન કરી દે છે. તો આપણાં પુરાણોમાં પણ તેની મહત્તાને વર્ણવતા અનેકવિધ બાબતોનો નિર્દેશ કરાયો છે. તો તેની સાથે અનેક વિધ રસપ્રદ માન્યતાઓ પણ જોડાયેલી છે.
લાભદાયી તુલસી !
1. માન્યતા અનુસાર તુલસીનો છોડ ઘર માટે એક રક્ષાકવચનું કામ કરે છે ! કહે છે કે જે ઘરમાં નિત્ય તુલસીજીની પૂજા થાય છે તેનાથી યમદૂત પણ દૂર રહે છે.
2. તુલસી પૂજન અકાળ મૃત્યુથી, અકસ્માતથી પરિવારજનોની રક્ષા કરે છે.
3. જ્યાં નિત્ય તુલસીજીની પૂજા થાય છે, ત્યાં સદૈવ મહાલક્ષ્મીજીનો વાસ રહે છે. તુલસી પૂજન ઘરમાં ધન, ધાન્ય અને વૈભવને અકબંધ રાખે છે.
4. પાણીમાં તુલસીદળ નાંખીને સ્નાન કરવાથી તીર્થસ્થાનમાં સ્નાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે.
5. તુલસીમાંથી ટપકી મસ્તક પર પડેલું જળ ગંગાસ્નાન તેમજ 10 ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત કરાવે છે.
6. નિત્ય તુલસીનું સેવન કરવાથી ચાંદ્રાયણ વ્રતના ફળ સમાન દેહ પવિત્ર થઈ જાય છે.
7. ગરુડ પુરાણ અનુસાર જોઈએ તો ઘરમાં તુલસીનો છોડ લગાવી તેનું પાલન પોષણ કરવાથી મનુષ્યના પૂર્વ જન્મના બધાં જ પાપ ખત્મ થઈ જાય છે અને જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે.
8. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર મૃત્યુ સમયે જે જીવ તુલસીપત્ર સહિત ગંગાજળનું પાન કરે છે, તે સર્વ પ્રકારના પાપથી મુક્ત થઈ જાય છે અને વિષ્ણુલોકમાં નિવાસ કરે છે.
અનેકવિધ ફળની પ્રાપ્તિ કરાવનારો અને આવનારા સંકટોનું શમન કરનારો છે તુલસીનો છોડ. એટલે હવે જ્યારે આપ પણ તલુસી પૂજા કરો, ત્યારે આ બાબતોને ધ્યાનમાં રાખજો કે તમે જેની પૂજા કરી રહ્યા છો તેનામાં તમારા ભાગ્યને ઘડવાનું સામર્થ્ય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ તુલસીના છોડ પાસે ક્યારેય ન કરતા આ ભૂલ, નહીંતર મુસીબતનો કરવો પડશે સામનો !
આ પણ વાંચોઃ તમને ખબર છે કેમ ગણેશ પૂજામાં અર્પણ નથી થતું તુલસીનું પાન ?