જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ (SHANIDEV) ન્યાયના દેવતા મનાય છે. ગ્રહોમાં તેમનું સ્થાન એક ન્યાયાધીશ જેવું છે, કે જે દરેક રાશિના જાતકોનો ન્યાય તોળે છે, અને કહે છે કે તેમના આ ન્યાયથી તો સ્વયં દેવતાઓ પણ બાકાત રહી શકતા નથી. શનિદેવની વક્રદ્રષ્ટિનો સામનો તો સ્વયં દેવતાઓને પણ કરવો પડે છે. ત્યારે એ જ કારણ છે કે જે રાશિ પર શનિદેવની વક્રદ્રષ્ટિ પડી રહી હોય, તે રાશિના લોકો વધારે જ ભયભીત થઈ જાય છે. અલબત્, ન્યાયના આ દેવતાને જો શ્રદ્ધાથી પૂજો તો તે શુભ ફળની પ્રાપ્તિ કરાવનારા પણ છે. એટલું જ નહીં તે તો તેમના દસ નામના જાપ માત્રથી પણ પ્રસન્ન થનારા છે !
શનિની વક્રદ્રષ્ટિને લીધે વ્યક્તિના જીવનમાં પનોતીના યોગ સર્જાતા હોય છે. અઢી વર્ષની અને સાડા સાતીની પનોતી દરમિયાન લોકો પરેશાન થઈ જતા હોય છે. અને આ સમયે શનિદેવતાના વિધ-વિધ મંદિરોનું શરણું લઈ તેમને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ, શું તમને એ ખરબ છે કે શનિદેવના માત્ર દસ નામનો જાપ કરીને પણ તમે શનિદેવની શ્રેષ્ઠ કૃપાને પ્રાપ્ત કરી શકો છો. આ દસ નામનો એક મંત્રના રૂપમાં જાપ કરવાનો છે.
ફળદાયી મંત્ર
કોણસ્થ પિંગલો બભ્રુઃ કૃષ્ણો રૌદ્રોન્તકો યમઃ ।
સૌરિઃ શનૈશ્ચરો મંદઃ પિપ્પલાદેન સંસ્તૃતઃ ।।
શનિદેવના 10 નામ
ઉપરોક્ત મંત્રમાં શનિદેવના દસ નામનું વર્ણન મળે છે.
1.કોણસ્થ
2.પિંગલ
3.બભ્રુ (બભુ)
4.કૃષ્ણ
5.રૌદ્રાન્તક
6.યમ
7.સૌરિ
9.શનૈશ્ચર
9.મંદ
10.પિપ્પલાદ
જાપની વિધિ
1.આ મંત્રજાપ આમ તો કોઈપણ દિવસે કરી શકાય. પરંતુ, શનિવારના રોજ તેના જાપથી સવિશેષ ફળની પ્રાપ્તિની માન્યતા છે.
2.શનિવારે સવારે કે સંધ્યા સમયે આ જાપનો સવિશેષ મહિમા છે. સ્નાનાદિ ક્રિયા પૂર્ણ કરી પૂજા સ્થાન પર શનિદેવની મૂર્તિ કે છબીને સ્થાપિત કરો.
3.શનિદેવ સન્મુખ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. પૂજા પૂર્ણ થાય ત્યાં સુધી દીપ પ્રગટેલો રહે તે વાત ધ્યાનમાં રાખી દીવામાં ઘી પૂરો.
4.શનિદેવને નીલા એટલે કે જાંબલી રંગનાં પુષ્પ અર્પણ કરો અને તેના પછી રુદ્રાક્ષની માળાથી ઉપર જણાવેલ મંત્રનો જાપ કરો.
5.શક્ય હોય તો મંત્રની 5 માળા જરૂરથી કરવી.
કહે છે કે શનિદેવના દસ નામના મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. અઢી વર્ષની કે સાડા સાતીની પનોતી ચાલતી હોય તો પણ વ્યક્તિને તેમાંથી રાહત મળે છે. એટલું જ નહીં, તેના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. જો મંત્ર યાદ રહે તેમ ન હોય તો શનિદેવના નામ માત્રનો આસ્થા સાથે જાપ કરવો. તેનાથી પણ શુભ ફળની પ્રાપ્તિની માન્યતા છે.
આ પણ વાંચોઃ Bhakti : આ દુ:ખની હારમાળા હવે તો હરો હરિ ! કેવી શ્રદ્ધા સાથે મુશ્કેલી પર પ્રાપ્ત થાય જીત ?
આ પણ વાંચોઃ Bhakti : કન્યા ‘વિદાય’ સમયે કેમ પાછળ ફેંકે છે ચોખા ? જાણો, રસપ્રદ વિધિ પાછળનો ગૂઢાર્થ