ગુજરાતી પંચાંગ અનુસાર ફાગણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જ ફાગણી પૂર્ણિમાના અવસરને લઈને પણ લોકો ઉત્સાહિત થઈ ગયા છે. ફાગણી પૂનમને આપણે હોળી તરીકે ઉજવીએ છીએ. કહે છે કે આ દિવસે હોળી પ્રાગટ્ય સમયે, એટલે કે હોલિકા દહન વખતે કેટલાંક ખાસ ઉપાયો કરવાથી આપણું જીવન બદલાઈ શકે છે.
એટલું જ નહીં, આપને દેવી લક્ષ્મીની અપાર કૃપાની પ્રાપ્તિ પણ થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે કેટલાક ઉપાયો યોગ્ય સમયે અને વિશેષ વિધિથી કરવામાં આવે તો આપને અનેકવિધ લાભની પ્રાપ્તિ થઈ શકે છે ! આવો, તે વિશે વિગતે જાણીએ.
જો તમે આર્થિક તંગીથી પરેશાન છો કે પછી નોકરી-ધંધામાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો હોળી પ્રાગટ્ય સમયે કેટલાંક ઉપાયો જરૂરથી અજમાવવા જોઈએ. કહે છે કે તેનાથી આપના જીવનમાં પરિવર્તન આવી શકે છે ! હોળીનું પ્રાગટ્ય અનેકવિધ સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારું છે અને સાથે જ દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરાવનારું પણ. એટલે કે, આ દિવસે વિવિધ સમસ્યાઓથી મુક્તિ અર્થે વિવિધ ઉપાયો અજમાવીને તમે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકો છો.
જો સખત પરિશ્રમ કરવા છતાં પણ આપને નોકરી ન મળી રહી હોય તો હોળી પ્રાગટ્ય સમયે એક કાર્ય ચોક્કસથી કરવું જોઈએ. ફાગણી પૂર્ણિમાએ હોલિકા દહન સમયે તેમાં એક નારિયેળ, પાન અને સોપારી પધરાવવા જોઈએ. કહે છે કે તેનાથી ઝડપથી નોકરીના યોગ સર્જાય છે અને વ્યક્તિને મનપસંદ નોકરીની પ્રાપ્તિ થાય છે.
જો તમે કોઇ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ અને સખત મહેનત કરવા છતાં તેમાં સફળતા ન મળી રહી હોય તો હોલિકા દહન સમયે આ ઉપાય કરો. સાંજે ઘરની ઉત્તર દિશામાં એક દીવો પ્રજવલિત કરો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપને જલ્દી જ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
જો તમે લાંબા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હોવ, તો હોલિકા દહન સમયે નારિયેળમાં બુરૂખાંડ ભરી દો. ત્યારબાદ આ નારિયેળને હોલિકા દહનની અગ્નિમાં હોમી દો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપના આર્થિક સંકટો દૂર થાય છે અને આપને ધનની પ્રાપ્તિ થાય છે.
જો તમે નોકરી કે ધંધાને લઇને પરેશાન છો તો ફાગણી પૂનમે હોળી પ્રાગટ્ય પૂર્વે ફરીથી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી લો. ત્યારબાદ એક નારિયેળ લઈને તેને ઘરના દરેક સભ્ય ઉપરથી ઉતારી લો. આ નારિયેળને હોળી પ્રાગટ્ય સમયે આગમાં હોમી દો. ત્યારબાદ હોળીની સાત વખત પરિક્રમા કરો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી નોકરી અને ધંધામાં આવી રહેલી સમસ્યાઓ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)