Gujarati NewsBhaktiDo not do this even by mistake in Holashtak, otherwise it will be your turn to regret
HOLASHTAK: હોળાષ્ટકમાં ભૂલથી પણ ન કરતા આ કાર્ય, નહીંતર પછતાવાનો આવશે વારો!
હિંદુ સંસ્કૃતિમાં સોળ સંસ્કારની મહત્તા છે અને લૌકિક માન્યતા એવી છે કે હોળાષ્ટક દરમિયાન સોળમાંથી એકપણ સંસ્કારવિધિ કરાવવી અશુભદાયી બની રહે છે ! દ્રઢ માન્યતા છે કે, હોળાષ્ટકના દિવસોમાં નવા ઘરમાં ગૃહ પ્રવેશ તો ભૂલથી પણ ન કરવો જોઈએ.
holashtak (symbolic image)
Follow us on
ફાગણ માસનો (fagun month) પ્રારંભ થતાં જ લોકોને હોળી (holi) અને ધૂળેટીનું સ્મરણ થઈ જતું હોય છે. પરંતુ, હોળી પૂર્વેનો આઠ દિવસનો સમય વાસ્તવમાં અશુભદાયી મનાય છે. જેને આપણે હોળાષ્ટક (holashtak) તરીકે ઓળખીયે છીએ. ત્યારે આવો જાણીએ કે આ હોળાષ્ટક ક્યારથી બેસી રહ્યા છે અને આ સમય દરમિયાન કયા પ્રકારના કાર્યોથી દૂર રહેવું જોઈએ.
હોળાષ્ટક પ્રારંભ
હોળાષ્ટક શબ્દ એ ‘હોળી’ અને ‘અષ્ટક’ એમ બે શબ્દોના જોડાવાથી બન્યો છે. ફાગણ સુદ અષ્ટમીથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે અને હોળી પ્રાગટ્યની સાથે હોળાષ્ટક સમાપ્ત થાય છે. લૌકિક માન્યતા અનુસાર આ સમય દરમિયાન પૃથ્વી પર નકારાત્મક ઊર્જાનું પ્રભુત્વ સવિશેષ હોય છે. જેને લીધે આ સમયમાં કોઈપણ પ્રકારના માંગલિક કાર્યો કરવામાં નથી આવતા.
કમુહૂર્તાની જેમ હોળાષ્ટક પણ શુભ કાર્યો માટે વર્જીત મનાય છે. ઉલ્લેખનીય છે કે સગાઈ, લગ્ન, બાળકના નામકરણ સંસ્કાર કે બાબરી જેવાં કોઈપણ માંગલિક કાર્યો આ સમયમાં નથી કરી શકાતા.
હિંદુ સંસ્કૃતિમાં સોળ સંસ્કારની મહત્તા છે અને લૌકિક માન્યતા એવી છે કે હોળાષ્ટક દરમિયાન સોળમાંથી એકપણ સંસ્કારવિધિ કરાવવી અશુભદાયી બની રહે છે! અલબત્, જીવન અને મૃત્યુ માત્ર ઈશ્વરના હાથમાં છે. સોળમો સંસ્કાર એ અંતિમ સંસ્કાર છે, જેને ટાળવું અશક્ય છે! પરંતુ, આ સંજોગોમાં જાણકારો હોળાષ્ટક દરમિયાન અંતિમ સંસ્કાર સમયે ખાસ શાંતિવિધિ કરાવવાનો નિર્દેશ કરે છે.
કહે છે કે વાહન, પ્લોટ, નવું મકાન કે દુકાન તેમજ અન્ય કોઈપણ પ્રકારની મિલકતની ખરીદી પણ આ સમય દરમિયાન ટાળવી જોઈએ. એ જ રીતે નવા મકાનના નિર્માણકાર્યનો પ્રારંભ પણ આ સમય દરમિયાન ન કરાવવો જોઈએ. દ્રઢ માન્યતા છે કે હોળાષ્ટકના દિવસોમાં નવા ઘરમાં ગૃહ પ્રવેશ તો ભૂલથી પણ ન કરવો જોઈએ, નહીંતર તે મુસીબત નોતરી શકે છે.
શાસ્ત્રોના જાણકારો તો હોળાષ્ટકના સમયમાં નોકરી બદલવાની પણ ના પાડે છે, પ્રથમ નોકરી હોય કે નવી નોકરીમાં જોડાવાનું હોય તો હોળાષ્ટક બાદ જ તેમાં જોડાવું જોઈએ. જો ન છૂટકે હોળાષ્ટક દરમિયાન જ જોડાવું પડે તેમ હોય તો કોઈ નિષ્ણાંત જ્યોતિષાચાર્યની સલાહ લેવી અને જ્યોતિષાચાર્યના નિર્દેશ મુજબ વિધિ સંપન્ન કરીને નવી શરૂઆત કરવી.
એ જ રીતે હોળાષ્ટકમાં નવા ધંધાની શરૂઆત કરવાનું ટાળવું જોઈએ. હોળાષ્ટક દરમિયાન ગ્રહો ઉગ્ર સ્થિતિમાં હોય છે અને એટલે જ નવો ધંધો શરૂ કરવા માટે આ સમય સારો નથી મનાતો.
હોળાષ્ટકના પ્રારંભ પૂર્વે જ આ બાબતોને ધ્યાનમાં રાખી લેવી જોઈએ. જેથી માંગલિક કાર્યોને પાછા ઠેલીને તેને નિર્વિઘ્ને પાર પાડી શકાય અને પરમ આશિષની પ્રાપ્તિ કરી શકાય. કહે છે કે આ સમય દરમિયાન જેમ બને તેમ શ્રીવિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. જેથી તેમના આશિષને પ્રાપ્ત કરી આવનારી સમસ્યાઓ સામે રક્ષણ મેળવી શકાય.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)