
કહેવાય છે કે ચંદનના વૃક્ષ સાથે ઝેરી સાપ લપેટાયેલા રહે છે પરંતુ ક્યારેય ચંદનનું વૃક્ષ ઝેરી નથી બન્યું. ચંદનનું તો કામ જ શીતળતા પ્રદાન કરવાનું છે અને ચંદનથી તો ભગવાનનો શણગાર પૂર્ણ માનવમાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મસ્તક પર ચંદન લગાવવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને ગ્રહદોષ દૂર થાય છે. કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે ચંદનનો ઉપયોગ કરવો લાભદાયી માનવામાં આવે છે. ચંદનના ઉપાયોથી જીવનમાં ધનલાભ થાય છે, સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો ચાલો જાણીએ ચંદનના ચમત્કારી ઉપાયો વિશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં હંમેશા નાની મોટી સમસ્યા રહેતી હોય છે. તો એક સારો દિવસ કે શુભ મૂહુર્ત જોઇને ચંદનના વૃક્ષની છાલ પર સિંદૂર, પીળા અક્ષત, જળ ચઢાવીને ધૂપ-દીપ કરીને તેને અભિમંત્રીત કરી લો. બીજા દિવસે ચંદનના વૃક્ષની થોડી લાકડી લાવીને અભિમંત્રીત કરેલ વસ્તુની સાથે લાલ રંગના કપડામાં બાંધીને ઘરના મુખ્યદ્વાર પર લટકાવી દો. આ ઉપાય કરવાથી ઘરમાં ખુશીઓ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર પણ થાય છે.
ચંદનની લાકડીને લાલ રંગના કપડામાં બાંધીને માતા લક્ષ્મીને અર્પણ કરી દો. ત્યારબાદ માતા લક્ષ્મી અને ચંદનની વિધી વિધાન સાથે પૂજા અર્ચના કરો. ત્યારબાદ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો. પૂજા પાઠ કર્યા બાદ તે ચંદનને ઘરના ધન રાખવાના સ્થાન પર મૂકી દો. આ ઉપાય કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને ઘરમાં ધન-ધાન્યની અછત ક્યારેય નથી સર્જાતી
વૈવાહિક જીવનમાં ખુશીઓ પાછી લાવવા માટે ચંદનનો આ ઉપાય એકદમ કારગર છે. તેના માટે શુભ મૂહુર્તમાં ચંદનના મૂળને ગંગાજળથી શુદ્ધ કરી લો. ત્યારબાદ ફટકડીના નાના નાના ટુકડાની સાથે લપેટીને તેને કમર પર બાંધી લો. આ ઉપાય કરવાથી દાંપત્યજીવનમાં પ્રેમ રહે છે અને જીવન સુખ-શાંતિમય બને છે.
કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો ક્યારેય કોઇપણ અછત નથી વર્તાતી. એટલે ગુરુવારના દિવસે મસ્તક પર સફેદ કે પીળા રંગના ચંદનનું તિલક લગાવવું જોઇએ. આ ઉપાય કરવાથી માનસિક શાંતિ તો મળે છે સાથે જ કુંડળીમાં રહેલ ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે. જીવનમાં ધન-વૈભવમાં વૃદ્ધિ થાય છે.
બાળકને ચંદનની છાલનો ધૂપ દેવાથી તેનો નજરદોષ દૂર થાય છે. તેની સાથે નિત્ય બાળકને ચંદનનું તિલક પણ લગાવવું. આ ઉપાય કરવાથી બાળકને નજરદોષ નથી લાગતો તેમજ નકારાત્મક શક્તિઓ તેનાથી દૂર રહે છે. ચંદનનું તિલક લગાવવાથી માનસિક શાંતિ મળે છે. નિત્ય ચંદનનું તિલક લગાવવાથી આજ્ઞા ચક્ર સક્રિય બને છે.
ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર કરવા માટે ચંદનનો ભૂક્કો, અશ્વગંધા અને ગોખરૂ ચૂર્ણ લઇને તેમાં કપૂર ઉમેરી 40 દિવસ સુધી હવન કરવું. જો આ ઉપાય શક્ય ન હોય તો ઘરની પશ્ચિમ કે દક્ષિણ દિશામાં ચંદનનું વૃક્ષ ઉગાડવું જોઇએ. આ ઉપાય કરવાથી ન માત્ર ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે પરંતુ ઘરના સભ્યોનું આરોગ્ય પણ સારું રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)