કારતક સુદ બીજની તિથિ એ યમદ્વિતીયા (yama dwitiya) તરીકે પ્રસિદ્ધ છે. દંતકથા અનુસાર મૃત્યુના દેવતા યમરાજ (yamraj) આ જ દિવસે તેમની બહેન યમુનાને (yamuna) ત્યાં ભોજન કરવા પધાર્યા હતા. અને તેમણે યમુનાજીને વરદાન આપ્યું હતું કે, “આ દિવસે જે ભાઈ તેની બહેનના ઘરે જશે તેને તે ક્યારેય નરકની યાતના નહીં આપે !” એ જ કારણ છે કે આ દિવસની ભાઈબીજ તરીકે ઉજવણી થવા લાગી. પરંતુ, વાસ્તવમાં આ માત્ર ભાઈ બહેનનો જ પર્વ નથી. પરંતુ, ધર્મરાજ એવાં યમરાજ અને તેમના અધિકારી ચિત્રગુપ્તની કૃપાને પ્રાપ્ત કરવાનો પણ સૌથી શ્રેષ્ઠ અવસર છે.
માન્યતા અનુસાર કારતક સુદ બીજની તિથિએ યમરાજ અને ચિત્રગુપ્તના પૂજન અને આરાધનાથી પરિવારજનોને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે આવો જાણીએ કે યમદેવતા અને ચિત્રગુપ્ત પાસેથી આશિષની પ્રાપ્તિ અર્થે શું શું કરી શકાય ?
યમરાજ દેશે દીર્ઘાયુષ્યના આશિષ !
યમદેવ મૃત્યુના દેવ છે. સાથે જ તે ધર્મરાજ પણ છે. એટલે તેમની કૃપાને પ્રાપ્ત કરવા સૌથી જરૂરી તો એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે નીતિ અનુસાર જ ચાલવાનું છે. સાથે જ યમદ્વિતીયા એટલે કે ભાઈબીજની સાંજે એક ખાસ વિધિનું અનુસરણ કરવાનું છે.
1. ભાઈબીજના રોજ સંધ્યાકાળ સમયે માટીના નાના કળશમાં જળ ભરીને ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ મૂકવું.
2. કળશ ઉપર સરસવના તેલનો 4મુખી વાટનો દીવો પ્રગટાવવો.
3. ઘરના તમામ લોકોના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય સુખાકારી માટે પ્રાર્થના કરવી.
4. બીજા દિવસે એટલે કે કારતક સુદ ત્રીજના દિવસે ઘરના દરેક ખૂણે કળશના જળનો છંટકાવ કરવો.
5. માન્યતા અનુસાર આ પ્રયોગથી યમદેવ પરિવારજનોને સ્વસ્થ અને દીર્ઘ જીવનના આશિષ પ્રદાન કરશે.
મેળવો ચિત્રગુપ્તના આશીર્વાદ
એ ચિત્રગુપ્ત જ છે કે જે જીવ માત્રના કર્મના લેખાં-જોખાં રાખે છે. કોણે કેટલું પાપ કર્યું અને કોણે કેટલું પુણ્ય અર્જીત કર્યું તેનો બધો જ હિસાબ ચિત્રગુપ્ત પાસે જ હોય છે. અને એટલે જ યમદ્વિતીયાની તિથિ એ ચિત્રગુપ્તને પ્રસન્ન કરવા માટે ફળદાયી મનાય છે. ત્યારે આવો તેમના પૂજનની વિધિ જાણીએ.
1. પૂર્વ દિશામાં બાજોઠ મૂકી તેના પર સફેદ વસ્ત્ર પાથરો.
2. બાજોઠ પર ચોખાથી સાથિયો બનાવી ચિત્રગુપ્તનું સ્મરણ કરો.
3. ઘીનો દીવો પ્રજ્વલિત કરી ચિત્રગુપ્ત ભગવાનને ફૂલ અને મીઠાઈ અર્પણ કરો.
4. ચિત્રગુપ્તજીને એક કલમ અર્પણ કરો.
5. એક સફેદ કાગળ પર તે જ કલમથી “શ્રી ગણેશાય નમ: ।” લખો.
6. “ૐ ચિત્રગુપ્તાય નમઃ ।” મંત્ર 11 વખત લખો.
7. સંધ્યાકાળે તે કાગળ પૂજા સ્થાનમાં સ્થાપિત કરી દો.
8. માન્યતા અનુસાર આ આ પૂજનથી પરિવારજનોના જ્ઞાન અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે !
9. ચિત્રગુપ્તજીને અર્પણ કરેલી કલમ સમગ્ર વર્ષ સાચવી રાખવાથી અને શુભકાર્યોની શરૂઆતમાં તેનો ઉપયોગ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ ભાઈબીજના અવસરે ભાઈને કરો આ ખાસ તિલક, ભાઈની કોઈ જ મનશા નહીં રહે અધૂરી !
આ પણ વાંચોઃ જાણો, શા માટે મનાવવામાં આવે છે ભાઈ બીજ ? ક્યારે છે શુભ મુહૂર્ત ?