દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન પણ ઝડપથી તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જો કોઈ તમને કહે કે હવે રસ્તા પર ચાલતી વખતે ઇલેક્ટ્રિક વાહન આપોઆપ ચાર્જ થશે, તો પહેલા તમને તે મજાક લાગશે, પરંતુ આ હકીકત છે.
આજે અમે તમને રસ્તા પર ચાલતી વખતે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરવાની ટેક્નોલોજીની સંપૂર્ણ વિગતો જણાવવા જઈ રહ્યા છીએ. અમે એ પણ જણાવીશું કે દેશના કયા રાજ્યમાં આ સુવિધા સૌથી પહેલા શરૂ થવા જઈ રહી છે.
રસ્તા પર ચાલતી વખતે ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની સુવિધા સૌપ્રથમ કેરળમાં શરૂ કરવામાં આવશે. આ માટે કેરળ સરકાર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટમાં કેરળ સરકાર રસ્તાની નીચે તાંબાની કોઇલ નાખશે, જેના દ્વારા વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજીની મદદથી ઇલેક્ટ્રિક વાહનો આપમેળે ચાર્જ થઈ જશે.
કેરળ સરકારના ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ કે આર જ્યોતિલાલે જણાવ્યું હતું કે આગામી વર્ષથી રાજ્યમાં ડ્રાઇવ એન્ડ ચાર્જ રોડ પ્રોજેક્ટ શરૂ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે કેરળ સરકાર વાહન ટુ ગ્રીડ ટેકનોલોજી પર પણ કામ કરવાની યોજના બનાવી રહી છે.
Fiat અને Peugeot ની પેરન્ટ કંપની Stellantis દ્વારા તાજેતરમાં ઇટલીમાં વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજીમાં પાવર ગ્રીડમાંથી રસ્તાની નીચે બિછાવેલી કોપર કોઇલમાં વીજળી ટ્રાન્સફર કરવામાં આવશે. આ કોપર કોઇલ વીજળીથી ચાર્જ રહેશે.
ત્યારે જો કોઈ EV આ રસ્તા પરથી પસાર થાય છે, તો કોપર કોઇલના સંપર્કમાં આવ્યા પછી, તે વાયરલેસ ટેક્નોલોજીની મદદથી આપોઆપ ચાર્જ થઈ જશે. તમને જણાવી દઈએ કે તાંબાની કોઇલ સાથે 1 કિમી રોડ બનાવવા પર 10 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને પ્રતિ કિમી 48 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. અમેરિકા, જર્મની અને ફ્રાન્સમાં પણ આ ટેક્નોલોજી પર કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો TATAનો કમાલ! દેશમાં પહેલીવાર લોન્ચ કરી ઓટોમેટિક CNG કાર, કિંમત બસ આટલી