Gir Somnath: સુત્રાપાડાનું વાવડી ગામ ફરીથી પાણીમાં થયું ગરકાવ, જુઓ VIDEO

|

Jul 07, 2022 | 12:18 PM

ગીરસોમનાથના સૂત્રાપાડામાં વરસેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. TV9ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર સૂત્રાપાડા તાલુકામાં પહોંચી છે.

ગીરસોમનાથના (Gir Somnath) સૂત્રાપાડામાં વરસેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. TV9ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર સૂત્રાપાડા તાલુકામાં પહોંચી છે. જ્યાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતું ભારે વરસાદથી આવેલા પૂરને કારણે આ ગામ ગઈકાલે સંપર્ક વિહોણું બની ગયું હતું. સમગ્ર ગામ જળબંબાકાર થઈ ગયું છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. બાળકો સ્કૂલ નથી જઈ શકતા. લોકો કામ-ધંધા પર નથી જઈ શકતા. ગામના રસ્તા અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઈમર્જન્સી સમયે ગામમાંથી બહાર નીકળી શકાય તેવી સ્થિતિ નથી. સમગ્ર જનજીવન ખોરવાયું છે. ગ્રામજનોનું કહેવું છે કે દરવર્ષે ગામમાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે. નેતા, પોલીસ, વહીવટી તંત્રની ટીમો આવીને પોતાનું કામ કરીને જતી રહે છે. પરંતુ હજુ સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવ્યો. લોકોની માંગ છે કે તેમની સમસ્યાનો કાયમી ઉકેલ આવે. ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાયા છે. સોમનાથ-કોડીનાર હાઈવે પર પાણી ભરાતા બંધ કરાયો છે. પૂલ પર પાણીનો પ્રવાહ વધતા બંધ કરવામાં આવ્યો છે.

આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ, આજથી 10 જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રીએ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજેલી આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા 24 કલાક દરમ્યાન થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી.

Published On - 11:49 am, Thu, 7 July 22

Next Video