રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ 69 લોકોનાં મોત, ગઈ કાલે એક જ દિવસમાં 6 લોકો તણાઈ ગયાં

|

Jul 12, 2022 | 3:20 PM

વરસાદના કારણે રસ્તા અને નદી નાળા પરના કોઝવે ડૂબી જવાથી અથવા ધોવાઈ જવાથી 15 સ્ટેટ હાઇવે બંધ કરવા પડ્યા છે, જ્યારે પંચાયતના 12 માર્ગો બંધ કરવા પડ્યા છે. આ સિવાયના અન્ય 439 માર્ગો બંધ કરાયા છે.

ગુજરાત (Gujarat) માં પડી રહેલા ભારે વરસાદના કારણે જાન-માલને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નદીઓમાં ભારે પૂર (Flood) વવાને કારણે મોટી સંખ્યામાં પશુઓ તણાઈ જવાની સાથે માણસો તણાઈ જવાના પણ કિસ્સા બન્યા છે. આકાશી આફતના કારણે ઘણા લોકોને જીંદગી ગુમાવવાનો વારો આવ્યો છે. ગઇકાલે પાણી ભરેલા રસ્તો ઓળંગતા 6 લોકોના મોત (Death) થયા છે જ્યારે અત્યાર સુધીમાં સૌથી વધુ 33 માનવ મોત વીજળી પડવાથી થયાં છે. અત્યાર સુધીમાં કુલ 69 માનવ મોત થયાં છે. આ જાણકારી મહેસૂલ મંત્રી (Revenue Minister) રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આપી છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં 1 જુનથી 31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ હોય છે, તેમ છતા માછીમારો ફિશિંગ પ્રવૃત્તિ માટે દરિયામાં જતા હોવાનું ધ્યાને આવે છે. જોકે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા માછીમારોને એલર્ટ આપી દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત લાવવાની કામગીરી અગાઉથી જ કરી દેવાઈ છે. હજુ પણ ભારે વરસાદની આગાહીના પરિણામે દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. એટલું જ નહીં, વરસાદનું જોર ઘટતાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

મંત્રીએ રાજ્યના નાગરિકોને ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈ તંત્રની સૂચનાનું પાલન કરવા તેમજ પૂરતો સહયોગ આપવા અપીલ કરી વિનંતી કરી છે કે પાણીના વહેણ તરફ વાહન લઈને કે ચાલીને જવું નહીં કે તેને ઓળંગવાનો પ્રયત્ન પણ કરવો નહીં. પાણી સાથેની રમત ભારે પડી શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Published On - 1:17 pm, Tue, 12 July 22

Next Video