ભારત ખો-ખોની પ્રથમ વિશ્વ ચેમ્પિયન ટીમ બની છે. 19 જાન્યુઆરી, રવિવારના રોજ નવી દિલ્હીમાં રમાયેલી ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે નેપાળને એકતરફી મેચમાં 38 પોઈન્ટના મોટા માર્જિનથી હરાવ્યું અને ટાઇટલ જીત્યું છે. ટુર્નામેન્ટની પહેલી મેચથી જ દરેક મેચમાં પ્રભુત્વ સાથે જીત મેળવી રહેલી ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં પણ આ જ શૈલી ચાલુ રાખી અને નેપાળને 78-40ના સ્કોર સાથે હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે.
પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ 13 જાન્યુઆરીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થયો હતો અને તેની પહેલી જ મેચમાં ભારતીય મહિલા ટીમે 176 પોઇન્ટ મેળવીને દક્ષિણ આફ્રિકા સામે મોટી જીત નોંધાવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી લીધો હતો અને રવિવારે ફાઇનલ સાથે ભારતીય ટીમે પોતાના ઇરાદાઓને વાસ્તવિકતામાં ફેરવી દીધા અને ટાઇટલ જીત્યું.
ભારતીય ટીમ માટે આ મેચ મુશ્કેલ માનવામાં આવી રહી હતી કારણ કે તેમની જેમ નેપાળ પણ એક મજબૂત ખો-ખો ટીમ છે, પરંતુ ભારતીય મહિલાઓએ પ્રથમ ટર્નથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ભારતીય ટીમે ટર્ન-1માં એટેક કર્યો અને નેપાળી ખેલાડીઓ દ્વારા ડિફેન્સમાં કરવામાં આવેલી ભૂલોનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 34-0 ની મોટી લીડ સાથે મેચની શરૂઆત કરી. બીજા ટર્નમાં નેપાળનો એટેક કરવાનો વારો હતો અને ટીમે પોતાનું ખાતું ખોલાવ્યું પરંતુ ભારતીય ડિફેન્ડર્સે તેને સરળતાથી પોઈન્ટ મેળવવા દીધા નહીં. આમ, બીજા ટર્ન પછી સ્કોર 35-24 હતો.
Published On - 7:35 pm, Sun, 19 January 25