ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ રવિવાર 10 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. ત્રણેય ફોર્મેટનો આ પ્રવાસ T20 શ્રેણીથી શરૂ થશે. પ્રથમ મેચ ડરબનમાં રમાશે પરંતુ તેના પહેલા જ દક્ષિણ આફ્રિકા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. તેમનો એક ખેલાડી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, જેણે ટીમ ઈન્ડિયાને ભારે પરેશાન કર્યું છે.
સાઉથ આફ્રિકાએ શુક્રવારે 8 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે તેમનો ફાસ્ટ બોલર લુંગી એન્ગિડીને T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. સાઉથ આફ્રિકાએ એક પ્રેસ રિલીઝ જારી કરીને એન્ગિડીની શ્રેણીમાંથી બહાર થવાની માહિતી આપી હતી. એન્ગિડીને ડાબા પગની ઘૂંટીમાં મચકોડ આવી છે, જેના કારણે તે આ શ્રેણીમાં રમી શકશે નહીં.
એન્ગિડીને અગાઉ વર્લ્ડ કપ દરમિયાન પગમાં ઈજા થઈ હતી પરંતુ તે પછી પણ તે રમતા જોવા મળ્યો હતો. જોકે, તે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં રમી શક્યો નહોતો.
સાઉથ આફ્રિકાએ કહ્યું છે કે એન્ગિડી હવે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રિહેબિલિટેશન પ્રોસેસમાંથી પસાર થશે. જેથી તે શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે. એન્ગિડી T20 શ્રેણીની પ્રથમ અને બીજી મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે 14 થી 17 ડિસેમ્બર સુધી 4 દિવસની પ્રેક્ટિસ મેચ માટે પણ તેની પસંદગી કરવામાં આવી હતી. હવે તે આમાં પણ રમી શકશે નહીં.
સાઉથ આફ્રિકાને ટેન્શન એ પણ છે કે એન્ગિડી માટે 2 મેચોની ટેસ્ટ શ્રેણીમાં રમવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. ટેસ્ટ શ્રેણી 26 ડિસેમ્બરથી કેપટાઉનમાં શરૂ થવાની છે.
દક્ષિણ આફ્રિકાના બોર્ડે એન્ગિડીના સ્થાને બોલર બુરોન હેન્ડ્રિક્સને T20 શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યો છે. હેન્ડ્રિક્સે અત્યાર સુધી માત્ર 19 ટી20 મેચ રમી છે, તેના નામે 25 વિકેટ છે. હેન્ડ્રિક્સે ભારત સામે 2 ટી-20 મેચ રમી છે. તેણે 2014 અને 2019માં ભારત સામે બે ટી20 મેચ રમી હતી. યોગાનુયોગ બંને મેચમાં તેણે રોહિત શર્માને પોતાનો શિકાર બનાવ્યો હતો. જોકે, આ વખતે રોહિત T20 સિરીઝનો ભાગ નથી.
Published On - 11:14 pm, Fri, 8 December 23