પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો રવિવારે આવ્યા હતા. આ ચૂંટણી પરિણામો રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓના રાજકીય ભાગ્યમાં પરિવર્તન લાવ્યા છે. જો કોઈના તારા ચમકતા હોય, તો કોઈની તક તેમના હાથમાંથી નીકળી ગઈ. પણ અહી સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોની PM MODI પર શું અસર પડી ? છબી ખરડાઈ કે તાકાત વધી?
બીજા કાર્યકાળમાં બંગાળની ચૂંટણી મહત્વપૂર્ણ રહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) ના પ્રથમ કાર્યકાળમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી મહત્વની હતી, એમ જ આ બીજા કાર્યકાળમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ હતી. દેશમાં કોરોના રોગચાળાએ જોર પકડ્યું ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં મોટા પ્રમાણમાં પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીને પડકાર્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની જીત પર સોનાર બાંગ્લા એટલે કે સુવર્ણ બંગાળનું વચન આપ્યું હતું.
પરિણામોની PM MODI પર શું અસર પડી ?
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં એવું વાતાવરણ ઉભું થયું હતું કે પીએમ મોદી અને સીએમ મમતા વચ્ચેની લડાઇ હતી. જો કે ચૂંટણી પરિણામને વડાપ્રધાનની હાર તરીકે જોવી એ મોટી ભૂલ ગણાશે. રાજ્યની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડવામાં આવે છે અને વડાપ્રધાનની લોકપ્રિયતા રાષ્ટ્રીય સ્તરે યથાવત છે. આ તેમના માટે ચોક્કસપણે રાજકીય આંચકો છે, તે પણ એવા સમયે જ્યારે કેન્દ્રની કોરોના મહામારીના નિયંત્રણ માટે આકરી ટીકા થઈ રહી છે.
વડાપ્રધાને બંગાળની જનતાનો આભાર માન્યો
PM MODI એ વિધાનસભાની ચૂંટણીના પરિણામો બદલ પશ્ચિમ બંગાળની જનતાનો આભાર માન્યો. પીએમ મોદીએ કહ્યું કે, ‘હું પશ્ચિમ બંગાળની મારી બહેનો અને ભાઈઓનો આભાર માનું છું કે જેમણે અમારી પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. અગાઉની તુલનામાં રાજ્યમાં ભાજપની હાજરી નોંધપાત્ર વધી છે. ભાજપ જનતાની સેવા કરવાનું ચાલુ રાખશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ચૂંટણીમાં તેમના ઉત્સાહી પ્રયાસો માટે હું દરેક કાર્યકર્તાની પ્રશંસા કરું છું.”
બંગાળમાં 77 બેઠકો, આસામ અને પોંડીચેરીમાં સરકાર
પશ્ચિમ બંગાળમાં ભલે ભાજપ સત્તા ણ મેળવી શકી પણ 3 બેઠકોમાંથી સીધી 77 બેઠકો સુધી પહોચી ગઈ છે. બંગાળમાં 77 બેઠકો પર ભાજપનો વિજય થયો છે અને આ સાથે જ કોંગ્રેસ અને વામપંથી પાર્ટીઓને પાંચાલ રાખી રાજ્યનો મુખ્ય વિપક્ષ બન્યો છે. આગામી દિવસોમાં બંગાળમાં વિપક્ષની અસરકારક ભૂમિકા ભજવશે. બીજી બાજુ આસામમાં ભાજપે સત્તા જાળવી રાખી છે અને પોંડીચેરીમાં NDAની સરકાર બની છે. આમ પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપને ચોખ્ખો ફાયદો થયો છે એમ કહી શકાય.
આ પણ વાંચો : ચૂંટણી પરિણામ બાદ બંગાળમાં હિંસામાં 4 લોકોના મૃત્યુ, નંદીગ્રામમાં BJP કાર્યાલય સળગાવાયું
Published On - 4:21 pm, Mon, 3 May 21