ગાંધી (ફીરોજ)ને ભૂલ્યા ગાંધી (રાજીવ)

|

Sep 13, 2022 | 6:51 PM

રાહુલ તો એક્દમ અફલાતૂન ટી શર્ટ અને જીન્સ પેન્ટ પહેરીને નીકળી પડ્યા છે “ભારત જોડો” યાત્રામાં. જ્યાંથી શરૂઆત કરી તે કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પ્રણામ કરીને તે આગળ વધ્યા અને પ્રથમ પ્રવચનમાં ફટકાર્યું કે ભારતને ભાજપ અને આર.એસ.એસ તોડી રહ્યાં છે.

ગાંધી (ફીરોજ)ને ભૂલ્યા ગાંધી (રાજીવ)
Image Credit source: TV9 GFX

Follow us on

આઠમી સપ્ટેમ્બરે, 1960ના દિવસે આજના રાજીવ ગાંધી (Rajiv Gandhi) પરિવારના એક મજબૂત સભ્યે અંતિમ શ્વાસ લીધા હતા, તે હતા ફિરોઝ ગાંધી. શ્રીમતી ઈન્દિરા ગાંધીના પારસી પતિ, જવાહરલાલના જમાઈ, સોનિયા ગાંધીના પરમ પૂજ્ય સસરા. રાહુલ ગાંધીના તો દાદા કહેવાયને?

પણ રે રાજકારણ! રાહુલ તો એક્દમ અફલાતૂન ટી શર્ટ અને જીન્સ પેન્ટ પહેરીને નીકળી પડ્યા છે “ભારત જોડો” યાત્રામાં. જ્યાંથી શરૂઆત કરી તે કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પ્રણામ કરીને તે આગળ વધ્યા અને પ્રથમ પ્રવચનમાં ફટકાર્યું કે ભારતને ભાજપ અને આર.એસ.એસ તોડી રહ્યાં છે. રસપ્રદ વાત તો એ છે કે જ્યાં રાહુલે શરૂઆત કરી તે સ્વામી વિવેકાનંદ શિલા સ્મારકનું નિર્માણ જ આર.એસ.એસના પૂર્વ કાર્યવાહ એકનાથજી રાનડેના પ્રચંડ પુરુષાર્થથી થયું છે, આની ખબર રાહુલના મુદ્દા-લેખકોને નહીં હોય?

જે હોય તે. રાહુલ તેના દાદાને ભૂલી ગયા તેની પાછળ નેહરૂ- ગાંધી પરિવારની ગુરુતા ગ્રંથી (સુપિરિયર કોમ્પ્લેક્ષ) કામ કરતી હતી તે હજુ ચાલે છે એવું લાગે છે, નહીં તો ફીરોઝ ગાંધીની સૂમસામ કબર કે સમાધિ પ્રયાગ રાજના પારસી સ્મશાનમાં ઉપેક્ષિત પડી છે ત્યાં રાહુલે જવું જોઈએ કે નહીં? અરે, યાત્રા દરમિયાન પણ દિવંગતને યાદ કરવા જેટલું તો સૌજન્ય રાખ્યું હોત.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

પણ ના. ફીરોઝે ઈન્દિરા સાથે, નેહરૂ પરિવારની સામે જઈને લગ્ન કર્યા હતા તે જવાહરલાલ ક્યારેય ભૂલી શક્યા નહીં. ગાંધીજીને ફરિયાદ કરી કે આ પારસી નેતા ઈન્દિરાની સાથે પરણવા માગે છે તેને રોકો. એવું થયું નહીં અને અધુરામાં પૂરું ફીરોઝ રાઈ બરેલીથી 1952માં ચૂટણી જીત્યા, 1957માં પણ આ બેઠક મેળવી અને લોકસભામાં તત્કાલિન કોંગ્રેસ સરકારના કૌભાંડો અને ભ્રષ્ટચારને ખુલ્લા પાડ્યા. દાલમિયા અને મુંદડા ઉદ્યોગપતિઓની સાંઠગાંઠની વિગતો આપી. નેહરુ સમસમી ગયા. તેમની સરકારના નાણાં પ્રધાન ટી.ટી. કૃષ્ણમચારીએ રાજીનામું આપવું પડ્યું.

ઈન્દિરા વધુ સમય જવાહરલાલની સાથે તીન મૂર્તિ વડાપ્રધાન નિવાસે રહેતા. ફીરોઝ ગાંધી સાથે મનભેદ વધ્યા, તેમને થયેલા હ્રદય રોગના હુમલા સમયે પ્રવાસમાં હતા અને તાબડતોબ પાછા આવ્યા. વિલિંગ્ડન હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. ફીરોઝે મૃત્યુ પૂર્વે ઈચ્છા કહી હતી કે મારા મૃતદેહને હિન્દુ વિધિ મુજબ અગ્નિ સંસ્કાર આપવામાં આવે. પારસી વિધિ પૂરી કર્યા બાદ તેમને નિગમ બોધ ઘાટ પર પુત્ર રાજીવે મુખાગ્નિ આપ્યો ત્યારે મોટી ભીડ જોઈને જવાહરલાલે આશ્ચર્ય વ્યક્ત કરી કે પ્રજામાં આટલી મોટી ચાહના હશે ફીરોઝની તેનો મને અંદાજ નહોતો.

પ્રયાગ રાજ- લખનૌ માર્ગ પર, એક સ્ટેન્લી રોડ છે. ત્યાં પારસી સ્મશાન ગૃહમાં તેમની મૃત્યુ નોંધ સાથેની સમાધિ છે, તેમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ નોંધ છે, અને લખ્યું છે કે જે માણસ તેના ઉછ જીવન અને પ્રતિભાવંત દિમાગ સાથેની જિંદગી જીવી ગયો હોય તે કયાઁ મૃત્યુ પામે છે? તે જીવંત છે.

ફીરોઝનો ગુજરાતની સાથે પણ સંબંધ હતો. તેઓ બાપદાદાના નગર ભરુચમાં, મુંબઈથી આવીને વસ્યા હતા, પછી પ્રયાગરાજ પ્રયાણ કર્યું હતું. કોટપારિવાડમાં હજુ તેમનું મકાન છે. પણ, કરુણતા એ છે કે ગાંધી (ફીરોઝ)ને ગાંધી (રાજીવ) જ ભૂલી જાય છે!

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Next Article