વિકલ્પ વિનાનો વિકલ્પ?

|

Jul 03, 2023 | 9:30 PM

આખી વાતમાથી એક અંદાજ એવો આવ્યો કે દિલ્હી ઘણું દૂર છે. પટણામાં શુક્રવારે 23મીએ 15 રાજકીય પક્ષોના 32 નેતાઓની બેઠક થઈ, તે પહેલા પોસ્ટરો લાગેલા હતા તેમાં એક આમ આદમી પાર્ટીનું કેજરીવાલને (Arvind Kejriwal) ભાવિ વડાપ્રધાન તરીકે દેખાડતું હતું.

વિકલ્પ વિનાનો વિકલ્પ?
Rahul Gandhi -Arvind Kejriwal - Nitish Kumar

Follow us on

પટણામાં શુક્રવારે 23મીએ 15 રાજકીય પક્ષોના 32 નેતાઓની બેઠક થઈ, તે પહેલા પોસ્ટરો લાગેલા હતા તેમાં એક આમ આદમી પાર્ટીનું કેજરીવાલને ભાવિ વડાપ્રધાન તરીકે દેખાડતું હતું. 6 રાજયોના મુખ્યમંત્રી હાજર હતા, બીજા કેટલાક ભૂતપૂર્વ હતા. કોંગ્રેસનાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી બંને હતા. એક જમાનામા (આ જમાનો શબ્દ હવે ભૂલી જવો જોઈએ કેમ કે દરેકનો જમાનો જુદો જુદો હતો. આમાના ઘણા નેતાઓને પચાસ વર્ષ પહેલા 26 જૂન , 1975ના રાહુલના દાદી ઈન્દિરાજીએ કટોકટીમાં બે વર્ષ પૂરી દીધા હતા. તેમાંના એક લાલુ પ્રસાદ યાદવે જેલમાથી પત્નીને જણાવ્યું હતું કે જે દીકરીનો જ્ન્મ થયો છે તેનું નામ “મિસા” રાખજે. વિરોધ પક્ષોની એકતા માટે તનતોડ મહેનત કરનારા નિતિશ કુમાર સિંહ પીએન તે સમયે જેલમાં હતા અને પછી જ્યોર્જ ફર્નાંડીઝ સાથે સમતા પક્ષ સ્થાપ્યો હતો, ડી.એન. એ ની વાજપેયી સરકારમાં રેલમંત્રી બન્યા હતા.) એકબીજાની સામે રાજકીય ઘુરકાટ કરી ચૂકેલા નેતાઓ આજે “સમાન ભય” સામે લડવા માટે એકત્રિત થયા હતા.

શું થયું આ બેઠકમાં ? કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકાર સામેના વટહુકમનો કોંગ્રેસ વિરોધ કરે તો જ અમે આ એકતા હિલચાલમાં સામેલ થશું. મહબૂબા મુફતીએ કેજરીવાલને ટોણો માર્યો કે તમે તો 370 મી કલમ સ્થગિત કરવામાં કેન્દ્રને ટેકો આપ્યો હતો. શરદ પવારની સલાહ હતી કે એક સંયુક્ત નિવેદન બહાર પડવું. સામ્યવાદી નેતા યેચુરીએ સમાન લઘુતમ કાર્યક્રમ માટે સૂચન કર્યું. પણ ખડગેએ બંને સૂચનને ફગાવી દીધા અને પત્રકાર પરિષદમાં માત્ર એટલું જ કહ્યું (તે પણ કોંગ્રેસે નહિ, નિતિશ કુમારના મોઢે બોલાવ્યું!) વિપક્ષી એકતાની વાત બાજુ પર રાખીને લાલુપ્રસાદ યાદવે રાહુલને શિખામણ આપી કે હવે તમે પરણી જાઓ, તમારા મમ્મીનું તમે માનતા નથી. અમે તમારી જાનમાં આવીશું… આનો અર્થ એવો થયો કે વિપક્ષી એકતાનો વરઘોડો કાઢો તેમાં તમે વરરાજા બનો, અમે જાનૈયા તરીકે હાજર રહીશું!

આખી વાતમાથી એક અંદાજ એવો આવ્યો કે દિલ્હી ઘણું દૂર છે. કેજરીવાલની વાતનો સ્પષ્ટ ઈનકાર કરીને ખડગેએ કહી દીધું કે આમ તો અમે તમારી સાથે જોડાઈશું, એવી પૂર્વશરત હોય ના શકે. બેઠક પટણામાં ચાલતી હતી ત્યારે જ દિલ્હીમાં આપ નેતાએ જાહેર નિવેદન કર્યું કે સરકારી આદેશમાં કોંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે કોઈક સમજૂતી થઈ હતી. ખડગે વિફર્યા અને કહ્યું કે એકવાર આ વટહુકમને ઝીણવટથી તપાસવો જોઈશે. કેજરીવાલે તેમાં વાંધો ઉઠાવ્યો તો મમતા બેનર્જીએ બંને ને “ચા અને બિસ્કિટના ટેબલ પર એકબીજાના વિમર્શ” નું સૂચન કર્યું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પરિણામ એ આવ્યું કે કેજરીવાલ પત્રકાર પરિષદમાં હાજર રહ્યા નહિ. બે મહત્વના રાજકીય પક્ષો – બહુજન સમાજ અને બીજુ જનતા દળ હાજર રહ્યા નહોતા. પણ નિતિશ કુમારે જણાવ્યું કે બીજા નાના દસ પક્ષો પણ જોડાશે. મૂળ મુદ્દો કોંગ્રેસને તામિલનાડુ સહિતના પ્રદેશોમાં સ્થાનિક પક્ષો સાથેના આંતરિક મતભેદો નડવા માંડ્યા છે, તે વિપક્ષી એક્તા માટે મોટી સમસ્યા છે. આમાં “એકની સામે એક ઉમેદવાર” નો કોઈ નિર્ણય લઈ શકાશે કે કેમ એ પણ પ્રશ્ન છે.

પણ આનાથી મોટો સવાલ તો વિકલ્પ બનવાનો છે. લોકશાહી છે એટલે કોઈ પણ પક્ષને વિકલ્પ ઊભો કરવાનો અધિકાર છે, આપણે ત્યાં 2700 રાજકીય પક્ષોમાથી માંડ બે પક્ષો કોંગ્રેસ અને ભાજપ જ કેન્દ્રમાં સત્તા ભોગવતા રાજકીય પક્ષો છે. તેમણે પણ જુદાજુદા પક્ષો સાથે જોડાણ કે સમજૂતી તો કરવી જ પડી હતી. પ્રદેશોમાં આ બે સિવાયના પ્રદેશિક રાજકીય પક્ષો શક્તિશાળી રહ્યા તેમની સાથે પણ જોડાણની સરકારો રહી. ક્યાંક સંયુક્ત મોરચાની અજમાઈશ થઈ. બંગાળ અને કેરળ તેના ઉદાહરણો છે. કાશ્મીરમાં પણ આવું બન્યું હતું. યુ.પી.એ એટ્લે કોંગ્રેસનાં વર્ચસ્વવાળા પક્ષો અને એન.ડી.એ તે ભાજપના વર્ચસ્વ ધરાવતા પક્ષો, આ રાજકીય દ્રશ્યો આપણે જોયા છે. આમાં ચૌધરી ચરણસિંહ, ચંદ્રશેખર, ઇન્દ્ર ગુજરાલ, વિશ્વનાથ પ્રતાપ સિંહ અને દેવે ગૌડાની સરકારોની ફજેતી થઈ હતી. એટલે સુધી કે “ટેકો” આપવો અને “ટેકો લેવો” આ બંને પરિસ્થિતિએ દેશની રાજકીય સ્થિરતાને જોખમમાં મૂકવાનો ઈતિહાસ રચ્યો છે.

વિકલ્પની પાસે કોઈ એક નિશ્ચિત વિચારધારા છે? તેની પાસે ભાવિ વિકાસનો અને જુદાજુદા પ્રશ્નોનો ઉકેલ બતાવતી રૂપરેખા છે? વચનો આપવા અને રેવડી બજાર ઊભી કરવી એ સાચો રાજકીય વિકલ્પ નથી. નીતિ, સિદ્ધાંત, રાજકીય દ્રષ્ટિકોણ, તેને માટેની સજ્જતા… આટલું તો વિક્લ્પમાં જોઈએ. હતાશા, લાલસા, તકવાદ, રાજકીય થીગડબાજી એ વિકલ્પ નથી, નરી છેતરામણી છે. હાલની તજવીજમાં વિકલ્પ વિનાનો આભાસી વિકલ્પ ઊભો કરવાની પ્રવૃત્તિ દેખાઈ આવે છે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Next Article