ભારાડી, ખુદ્દાર, તેજસ્વી. બે-બાક….આવા ઘણા શબ્દોનો સરવાળો કરીને પત્રકારત્વ અપનાવનારાઓમાં એક નામ સૌથી આગળ આવે, તે ઓરિયાના ફેલાસીનું (Oriana Fallaci). જન્મી હતી ફ્લોરેન્સમાં, 1929ની 29 જૂને. મૃત્યુ પણ તે જ નગર ફ્લોરેન્સમાં. એક લેખમાં લખ્યું હતું ઓરિયાનાએ, દુનિયાના દેશોમાં અજબગજબ રીતે ઘૂમી છું, પણ રાત પડ્યે મને મારી ફ્લોરેન્સની શેરી યાદ આવે છે.
સૂંઠના ગાંગડે ગાંધી બનવાનો આ જમાનો છે. પોતાની આગળ “જાણીતા” અને “મહાન” લગાવવાના અભિલાષી લેખકો, કવિઓ, પત્રકારોની કોઈ ખોટ નથી. સપાટી પરના પરપોટા બનવામાં તેઓ ખુશ છે. પણ ઓરિયાના? જુદી માટીની હતી આ ઇટાલિયન પત્રકાર. તે લેખક હતી અને પત્રકાર પણ હતી. બેશક, તેની નવલકથા ઊંચા શિખરે પહોંચેલી કૃતિ તરીકે વાચકોએ વખાણી હતી પણ ઓરિયાના યાદ રહેશે તેની આક્રમક મુલાકાતોથી. તેનું એક પુસ્તક પણ થયું છે. અને ઇન્ટરવ્યૂ નામના દળદાર પુસ્તક્મા તેણે લીધેલી મુલાકાતો સમાવિષ્ટ છે.
બીજું વિશ્વયુદ્ધ પત્રકારો માટે પણ એક મોટો પડકાર હતો. યુદ્ધ અને ક્રાંતિ બંનેને નજરે નિહાળીને આલેખવા તેનો કાયમી મિજાજ રહ્યો. 1960 પછીના તેના ઇન્ટરવ્યૂ સર્વત્ર ચર્ચાનો વિષય બન્યા. જરા નામ જુઓ, કેવાકેવા લોકોને તેણે મૂંઝવી દે તેવા પ્રશ્નો પૂછ્યા હતા. પ્રશ્નો તો કોઈ પણ પૂછે પણ પત્રકારત્વમાં તેની સૌ પ્રથમ શરત એ રહે કે પ્રશ્નકર્તા પાસે એ સવાલની ઊંડી જાણકારી હોવી જોઈએ. ભૂમિકા વિનાના સવાલો હાસ્યાસ્પદ ગણાય. ઓરિયાના અભ્યાસી હતી, વિશ્વ રાજનીતિનો ગહન અભ્યાસ ધરાવતી હતી. એટલે તો જેમની મુલાકાતો લીધી હોય તે બધા એવા નામો છે જે એક યા બીજી રીતે મહત્વના બની રહ્યા હોય. ગોલ્ડા મેયેર, વિલ્લી બ્રાંટ, હેન્રી કિસીંજર, વિયેતનામના અધ્યક્ષ ન્યૂગેન વાન થિયુ, સેનાપતિ વો ન્યૂએન જિયાપ, ચીની સરમુખત્યાર ડેંગ ઝીપોંગ, ઈરાની ધાર્મિક ઉન્માદનો સત્તાધીશ આયાતુલ્લા ખોમેની, હેલ સેલાસી, પોલેંડની સામ્યવાદ વિરોધી ચળવળનો નેતા લેક વાલેસા, ઇરાકનો સરમુખત્યાર ગદ્દાફી, ડિટેક્ટિવ કથાનો નાયક હીચકોક…
આ યાદી અધૂરી છે. તેની એક રસપ્રદ ઘટના પણ છે. ઓરિયાનાએ શ્રીમતી ઇન્દિરા ગાંધીની મુલાકાત લીધી હતી.તે સમાચારથી વ્યથિત થયા પાકિસ્તાનનાં વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો! ઓરિયાનાને ખાસ આમંત્રણ આપીને બોલાવી અને આ આક્રમક પત્રકારે એવા સવાલો પૂછ્યા કે ભુટ્ટોને પસ્તાવો થયો. કારણ એ પણ હતું કે ઇસ્લામના નામે વિશ્વમાં જે રીતે આતંકવાદ ઊભો થવા માંડ્યો હતો તેના વિષે ઓરિયાનાએ “ક્રીટિકલ ઓફ ઇસ્લામ” નામે એક લેખમાળા લખવાનું ધાર્યું હતું.
કોણ હતી આ ઓરિયાના? કેવી ભૂમિકાએ તેણે આવી પત્રકાર બનાવી? તેનો પિતા ઈટાલીના નેતા બેનિટો મુસોલિનીનો વિરોધી હતો. પોતે સ્વતંત્રતા માટે બનેલી સેનામાં જોડાઈ અને તેનું પ્રમાણપત્ર મેળવ્યું. પછી ફોરેન્સ યુનિવર્સિટીમાં મેડિસિન વત્તા કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો. વળી સાહિત્યની ધૂન લાગી તેનો અભ્યાસ કર્યો. તેના કાકાએ પ્રેરિત કરી તો 1946માં ઇટાલિયન અખબારમાં જોડાઈ. 1967થી તે યુદ્ધ સંવાદદાતા બની અને વિયેતનામ, ભારત-પાકિસ્તાન યુદ્ધ, મિડલ ઈસ્ટની લડાઈ, દક્ષિણ આફ્રિકાનો લોહિયાળ જંગની વચ્ચે અહેવાલ લખ્યા. લા’યુરોપની રાજકીય સંવાદદાતા બની. મેક્સીકન હત્યાકાંડમાં તેના પર ત્રણવાર હુમલા થયા, 1968ની એ ઘટના મૃત્યુથી સાવ નજીકની હતી.
1960માં તેણે લાગ્યું કે આ નાયકો અને ખલનાયકોના દિમાગમાં કેવો દારૂગોળો ભરેલો પડ્યો છે તે જાણવું જોઈએ. એટલે તેના જગજાણીતા ઇન્ટરવ્યૂની શરૂઆત થઈ. એપોકા નામના સામયિકમાં તે પ્રકાશિત થતાં હતા. આ મુલાકાતો આસાન નહોતી. ગમે ત્યાં તેનો જીવ જોખમમાં આવી પડે તેમ હતું. હેન્રી કિસીંજર સાથેની મુલાકાતને “આજ સુધીમાં પ્રેસમાં આવેલી સૌથી પ્રથમ અને ખતરનાક મુલાકાત” ગણવામાં આવે છે. 1979માં ઈસ્લામિક દેશની સ્થાપના કરનારા આયાતોલા ખુમેનીને તેણે મુસ્લિમ મહિલાઓની ગુલામી વિષે અને ચાદર પ્રથા વિષે બેબાક સવાલો પૂછ્યા. ખુમેનીએ એટલું જ કહ્યું કે તારે તેની ચિંતા કરવાની જરૂર નથી.આ પ્રથા તો આદરપાત્ર યુવા મહિલાઓ માટે છે! ઓરિયાનાનો સવાલને બદલે જવાબ હતો:”હું આ સ્ટુપિડ મધ્યકાલીન રિવાજની સામે લડીશ” 1980માં તે ચીની સરમુખત્યાર ડેંગ ઝીપોંગને મળી અને સામ્યવાદના દૂષણો વિષે ખુલ્લી રીતે પૂછ્યું.
તેના ત્રણ પુસ્તકો ચર્ચાસ્પદ રહ્યા. યુરોપમાં જાગૃત નહિ રહીએ તો ઇસ્લામને ખાળવો મુશ્કેલ થશે અને યુરોપ યુરેબિયા બની જશે એવું કહ્યું. આ પુસ્તકો એક કરોડ જેટલા વેચાણ ધરાવે છે . 21 ભાષા-અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેંચ,ડચ, જર્મન, પોર્ટુગીઝ, ઉર્દુ, ગ્રીક, સ્વીડિશ, પૉલિશ, હંગેરિયન, હીબ્રૂ, રોમાનિયન, પર્સિયન, સ્લોવેનિયન, બલગેરિયન સહિતમાં અનુવાદિત થયા.
15 ઓક્ટોબર , 2006 કેન્સરમાં મૃત્યુ થયું, તેને “દેશ,સમાજ,સંસ્કૃતિ, સ્વતંત્રતા માટે “ડી.લિટની માનદ પદવી એનાયત થઈ. એક જ વાર તેણે અનહદ પ્રેમ-તે પણ યુનાની રાજનીતિક કેદી કવિ-એલેકઝાન્ડર પણગૌલોઇસ સાથે કર્યો, જેને તે મળી ના શકી !
આ પણ વાંચો: વડાપ્રધાન, જેલની સજા અને ફાંસીનો માચડો …
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)