દેશ અત્યારે પણ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. આટલા દિવસોના ભયંકર દ્રશ્યો બાદ કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવામાં વેક્સિન જ એકમાત્ર હથિયાર છે. ત્યારે 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ વેક્સિન લગાવી રહ્યા છે. વેક્સિનને લઈને બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. પરંતુ અમુક લોકો માટે ફરી 28 દિવસના સમયગાળાની છૂટ આપવામાં આવી છે. જી હા હવે આ વ્યક્તિઓ 28 દિવસ બાદ વેક્સિન લઇ શકશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જરૂરી કામ માટે વિદેશ મુસાફરી કરનારાઓને કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ વહેલા આપવાની મંજૂરી આપી છે. આવા લોકો હવે કોવિશિલ્ડનો બીજો ડોઝ 28 દિવસ પછી લઈ શકશે. જ્યારે બાકીના લોકો માટે 12 થી 16 અઠવાડિયાની સમય મર્યાદા પહેલાની જેમ ચાલુ રહેશે.
આ લોકોને મળશે 28 દિવસમાં વેક્સિનનો બીજો ડોઝ
આ વિશે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, જેમણે રોજગાર, શિક્ષણ, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ જેવા કારણોસર તાત્કાલિક વિદેશ જવું પડે એમ છે, પરંતુ તેઓએ કોવિશિલ્ડનો એક જ ડોઝ લીધો છે અને હજુ બીજો ડોઝ લેવાનો બાકી છે. તેમને આ છૂટ આપવામાં આવી રહી છે. જે લોકોને પ્રથમ ડોઝ પછી 28 દિવસ થઇ ગયા હોય તેઓ આ લાભ લઈ શકે છે.
સરકારે આ વિશે વધુમાં કયું કે આવા લોકોને 31 ઓગસ્ટ 21 સુધી આ સુવિધા મળશે. તેમના રસીકરણના પ્રમાણપત્ર પર પાસપોર્ટ નંબર પણ નોંધવામાં આવશે. આ સાથે તેઓએ રસીકરણ સમયે પાસપોર્ટ પણ રજૂ કરવો પડશે.
રાજ્યોને નિર્દેશ
કેન્દ્રએ આ બાબતે રાજ્યોને આવા લોકોને સુવિધા પુરી પાડવા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીઓ જાહેર કરવા જણાવ્યું છે. જે દસ્તાવેજોની ચકાસણી બાદ આવા કેસોમાં વહેલી રસીકરણની મંજૂરી આપશે. જેમાં મંત્રાલયે કહ્યું કે આવા લોકોએ તેમના દસ્તાવેજોમાં રસીના પ્રકારને બદલે કોવિડશીલ્ડ લખવું પડશે. અન્ય કોઈ વિગતો ભરવાની જરૂર નથી. ચાલો તમને જણાવી દઈએ કે વિશ્વ આરોગ્ય સંસ્થાની માન્ય રસીઓની સૂચિમાં કોવિશિલ્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Published On - 8:33 am, Tue, 8 June 21