શહાદતનો બદલો: 10 દિવસ પહેલા જવાનો પર હુમલો કરનારા મુદસ્સિર પંડિત સહિત 3 આતંકવાદી ઠાર

થોડા દિવસ પહેલા પોલીસ અને સીઆરપીએફની ટીમ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 12 જૂને સોપોરમાં થયેલા આ હુમલામાં શામેલ આતંકી મુદસ્સિર પંડિત સહીત 3 આતંકવાદીને ઠાર કરાયા.

શહાદતનો બદલો: 10 દિવસ પહેલા જવાનો પર હુમલો કરનારા મુદસ્સિર પંડિત સહિત 3 આતંકવાદી ઠાર
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Jun 21, 2021 | 10:10 AM

જમ્મુ કાશ્મીરમના સોપોરમાં ગઈ રાત્રીએ સુરક્ષાદળોને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. જી હા ગઈ રાત્રીએ એનકાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને મોતના ઘાટ ઉતાર્યા. ત્રણેય આતંકવાદીઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. તાજેતરમાં જ પોલીસ અને સીઆરપીએફની ટીમ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 12 જૂને સોપોરમાં થયેલા આ આતંકી હુમલામાં 3 પોલીસકર્મી શહીદ થયા હતા, અને 2 નાગરિકો માર્યા ગયા હતા. જેમાં શામેલ આતંકી મુદસ્સિર પંડિત પણ આ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

સોપોર હુમલાનો બદલો

આઈજી વિજય કુમારે જણાવ્યું હતું કે સોપોર હુમલામાં સામેલ આતંકી મુદસ્સિર પોલીસ પાર્ટી પર હુમલો કરવા ઉપરાંત ઘણી અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતો. પોલીસના જણાવ્યા અનુસાર ગુંડ બ્રથ વિસ્તારમાં ચલાવવામાં આવેલું આ ઓપરેશન હવે પૂર્ણ થઇ ગયું છે. આ ઓપરેશન બાદ સુરક્ષા દળોએ ત્રણ AK-47 સહિતનો મોટા જથ્થામાં દારૂગોળો કબજે કર્યો છે.

લોકો માટે મોટી રાહત

વિજય કુમારના જણાવ્યા અનુસાર આ ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક પાકિસ્તાની નાગરિક અસરાર ઉર્ફે અબ્દુલ્લા પણ શામેલ છે. આ આતંકી વર્ષ 2018 થી ઉત્તર કાશ્મીરમાં સક્રિય હતો. લશ્કર આતંકી મુદસ્સિરનું મોત સામાન્ય લોકો માટે મોટી રાહત ગણાવવામાં આવી રહી છે.

જોઈન્ટ ટીમ પર મોટો હુમલો

તમને જણાવી દઈએ કે 12 જૂનના રોજ સોપોરમાં પોલીસ અને CRPFની જોઈન્ટ ટીમ પર મોટો હુમલો થયો હતો. જેમાં બે પોલીસકર્મી શહીદ થયા હતા. જ્યારે અન્ય 2 પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. અને 2 સામાન્ય નાગરિકો પણ મૃત્યુ પામ્યા હતા.

એક પોલીસકર્મીની પણ હત્યા

એટલું જ નહીં આ ઘટના પહેલા પણ આતંકીઓએ એક પોલીસ કર્મચારીની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના બની ત્યારે જવાન ફરજ પર ન હતા. શ્રીનગરના ઇદગાહ વિસ્તારના સૈદપોરા વિસ્તારમાં, આતંકીઓએ કોન્સ્ટેબલ જાવેદ અહેમદને તેમના ઘરની નજીક ગોળી મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. બાદમાં તેમને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.