ચીન સરહદે તંગદીલી વચ્ચે બેગ્લોરમાં યોજાયો એર શો, વિશ્વે નિહાળી ભારતની નવી હવાઈ તાકાત

|

Feb 03, 2021 | 12:16 PM

એર શોમાં (Air show) ભારતે તેજસની તાકાત બતાવી. તો પહેલીવાર જ એર શોમાં જોડાયેલા અમેરિકાએ, વિમાન બી-1 લાંસરનુ કર્યુ પ્રદર્શન. ત્રણ દિવસ ચાલનારા 13મા એર શોમા દેશ વિદેશની કુલ 600 કંપનીઓ ભાગ લઈ રહી છે.

બેગ્લોરમાં આજથી એશિયાનો સૌથી મોટો એર શો (Air show) શરૂ થયો. આ એર શોમાં ભારત પોતાની હવાઈ તાકાત દુનિયા સમક્ષ રજૂ કરશે. અમેરિકા પહેલીવાર ભારતના એર શોમાં ભાગ લઈ રહ્યું છે. જેમાં અમેરિકાનુ વિમાન બી-1 લાંસર પણ પોતાના કરતબ દેખાડશે.

એરો ઈન્ડિયાના નામે યોજાનાર આ એર શોના પ્રથમ દિવસે, વાયુસેના અને એચએએલ ( HAL) વચ્ચે 83 વધુ તેજસ માર્ક -1 એરક્રાફ્ટ માટેના કરાર સંપન્ન થશે. કેન્દ્રિય રક્ષા પ્રધાન રાજનાથસિંહ અને વાયુસેનાના વડા પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં બનેલી સીસીએસ કમિટીએ તેજસ એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી છે.

બેગ્લોરમાં યોજાનાર એર શોમાં રક્ષાપ્રધાન રાજનાથસિંહ, ભારતીય વાયુદળના વડા, હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમીટેડના પણ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ડીલ માટે 73 એમ કે-1 યુધ્ધ વિમાન, અને 10 એલસીએ એમકે1 ટ્રેનર વિમાન પણ હશે. ભારતીય વાયુસેનાએ અગાઉ 40 લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટની ડીલ થઈ ચૂકી છે. વાયુસેનાએ કુલ 123 તેજસ વિમાન માટે ડીલ કરેલ છે.

રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ, ત્રણ દિવસ ચાલનારા 13મા એર શોમા દેશ વિદેશની કુલ 600 કંપનીઓ ભાગ લઈ રહી છે. જેમાં 14 દેશની 78 વિદેશી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. કોવિડ પ્રોટોકોલના કારણે આ વર્ષે એર શોમાં સામાન્ય નાગરિકોને રૂબરુ સ્થળ પર આવીને નિહાળવા માટે પરવાનગી નથી અપાઈ પરંતુ વરચ્યુલ જોઈ શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે.

Published On - 11:04 am, Wed, 3 February 21

Next Video