VADODARA : રાજ્યમાં ગાંધીનગર, મહેસાણા, આણંદ, બોટાદ અને પોરબંદર પછી હવે સો ટકા નલ સે જલ મેળવવામાં છઠ્ઠો જિલ્લો વડોદરા બન્યો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાને સો ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કર્યો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હવે પાણી સમસ્યાનું કારણ નહીં પણ, વિકાસનું માધ્યમ બન્યું છે. પાણી વિતરણના સુગ્રથિત આયોજનથી આજે છેવાડાના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી અને ખેડૂતોને વિવિધ સિંચાઇ યોજનાઓ થકી કૃષિ માટે પાણી પહોંચતું કર્યું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન હેઠળ વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. વડોદરા જિલ્લાએ તો 2021માં જ સાકાર કરી લીધો છે. રાજ્યના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું પાણી પહોંચાડવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ આખા ગુજરાતમાં વર્ષ 2022 સુધીમાં પરિપૂર્ણ થઇ જાય એ નિર્ધાર સાથે રાજ્યમાં આ યોજનાની કામગીરી ત્વરાથી થઇ રહી છે.
મુખ્યપ્રધાને જણાવ્યું કે, વિકાસના વિચારને અમારી સરકારે આત્મસાત કરી નાનામાં નાના અને હરેક વ્યક્તિની જરૂરિયાતને પરિપૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે. છેવાડાના માનવી સુધી વિકાસના ફળ લઇ જવાનો ઉપક્રમ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીર્ઘદ્રષ્ટિ અને લાંબાગાળાની જરૂરિયાતને ધ્યાને લઇ શરૂ કર્યો હતો. તે પથ પર અમારી સરકાર ચાલી રહી છે.
વડોદરા જિલ્લાને સંપૂર્ણપણે ‘નલ સે જલ’ ધરાવનાર જિલ્લા તરીકે જાહેરાત તેમજ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે હાજરી આપી હતી. pic.twitter.com/VhD2r4x06S
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 16, 2021
અગાઉના સમયમાં પાણી સરળતાથી ઉ૫લબ્ધ હોય તેવા વિસ્તારોમાં માનવ વસાહતો સ્થપાતી હતી અને જળાશયો કે નદીઓની આસપાસ સંસ્કૃતિ વિકસી હતી. પરંતુ, આપણે જાણીએ છીએ કે ગુજરાતે લાંબા સમય સુધી પાણીની તંગી ભોગવી છે. પાણીના સુલભ સ્ત્રોતના અભાવે મહિલાઓને પરેશાની વેઠવી પડતી હતી. પણ, હવે પાણી પુરવઠાના લાંબાગાળાના આયોજનોના કારણે ઘરઘર સુધી પીવાના શુદ્ધ પાણી પહોંચ્યા છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની હિમાયત કરતા મુખ્યપ્રધાને કહ્યું કે, પાણીનું મૂલ્ય સમજી તેના એકએક ટીપાનો સદ્દઉપયોગ કરવો જોઇએ. પાણીને પ્રભુના પ્રસાદની જેમ વાપરવું જોઇએ. આપણે જાણીએ છીએ કે, દુનિયા ઉપર ક્લાઇમેટ ચેન્જના ગંભીર પરિણામો મંડરાઇ રહ્યા છે. નળમાંથી ટીપેટીપે ટપકતા પાણીથી વર્ષે 36 હજાર લિટર પાણીનો વ્યય થાય છે. આવા વ્યયને અટકાવી, પાણીનું મહત્વ સમજી તેનો બગાડ ન કરવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.
રાજ્યના પાણી પુરવઠા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પાણીને જળશક્તિ તરીકે પ્રસ્થાપિત કરીને વડાપ્રધન નરેન્દ્ર મોદીએ દેશમાં 100 ટકા નલ સે જલ, હર ઘર જલનો સંકલ્પ કર્યો છે. 100 ટકા નલ સે જલ નો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં વડોદરા જિલ્લો છઠ્ઠો છે. તેમણે કહ્યું કે, વડોદરા જિલ્લામાં 3,26,705 ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલ છે અને આ તમામ ઘરોને હર ઘર નલ સે જલ યોજના અંતર્ગત આવરી લઇ રૂ. 83.90 કરોડના ખર્ચે 100 ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોચાડવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના 39 ગામ તથા 34 પરાઓનો સમાવેશ કરતી અનગઢ ગામે આવેલ મહી નદીમાં કૂવાના સ્ત્રોત આધારિત રૂ.126.59 કરોડની વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજના દ્વારા હવેથી 2.42 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે.
આ પણ વાંચો : ગુજરાતની છ નગરપાલિકાના 63.37 કરોડના પાણી પૂરવઠાના કામોને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી
આ પણ વાંચો : રાજકોટ ભાજપમાં જૂથવાદ : પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કોઈ જૂથવાદ ચલાવી લેવામાં નહી આવે