SURAT : સહિત સુરત શહેરમાં આજે વધુ 18 નાગરિકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે, જેમાં યુકેથી ફાઈઝર વેક્સીનનો બુસ્ટર ડોઝ લઈને પરત ફરેલા વિદ્યાર્થી અને કેનેડામાં નોકરી કરતા આઘેડનો સમાવેશ થાય છે. વિદેશથી આવેલા બન્ને નાગરિકોના રિપોર્ટ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. આ બન્ને દર્દીઓના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિત તમામના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેના રિપોર્ટ હાલ પેન્ડીંગ છે.
યુકેથી આવેલો યુવાન કોરોના સંક્રમિત
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 20 ડિસેમ્બરે યુ.કે.થી અમદાવાદ ખાતે આવેલ 21 વર્ષીય વિદ્યાર્થીનો જે તે સમયે આરટી પીસીઆર રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો જે નેગેટીવ આવ્યો હતો. ત્યારબાદ પાર્લે પોઈન્ટ ખાતે આ વિદ્યાર્થીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો પરંતુ 22 ડિસેમ્બરે તેને ખાંસીની તકલીફ થતાં તેનો વધુ એક વખત RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝીટીવ આવતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
આ યુવાને ફાઈઝર વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા
યુકેથી પરત ફરેલા આ યુવકે ત્યાં ફાઈઝર વેક્સિનના બન્ને ડોઝ લેવાની સાથે – સાથે બુસ્ટર ડોઝ પણ લીધો હતો અને તેમ છતાં તેનો રિપોર્ટ પોઝીટીવ આવતાં વહીવટી તંત્ર પણ સાબદું થઈ ગયું છે. આ યુવકના પરિવારજનો સહિત કુલ 21 નાગરિકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે જે હાલ પેન્ડીંગ છે.
કેનેડાથી પરત ફરેલ આઘેડ કોલકાતા પણ જઈ આવ્યો હતો
આ સિવાય કેનેડા ખાતે નોકરી કરતાં અને ગત 14 ડિસેમ્બરે દિલ્હી પહોંચેલા 51 વર્ષીય આઘેડમાં પણ કોવિડ-19ના લક્ષણો પૈકી માથાનો દુઃખાવો અને કમજોરી જોવા મળતાં તેઓનો રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જે હાલ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે તેમના પરિવારમાં રહેતા સભ્યો સહિત 23 વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મનપાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર કેનેડા ખાતે નોકરી કરતા અને ગત 15 ડિસેમ્બરે એર કેનેડાની ફ્લાઈટથી નવી દિલ્હી ખાતે ઉતર્યા બાદ આ યુવકનો RTPCR જે તે સમયે નેગેટીવ આવ્યો હતો અને ત્યારબાદ તેઓ ત્યાંથી કોલકાતા ખાતે પોતાના સાસરે ગયા હતા અને 21 ડિસેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટથી મુંબઈ અને ત્યાંથી ખાનગી વાહન દ્વારા સુરત પોતાના ઘરે વેસુ ખાતે આવ્યા હતા. હાલ તેઓ પોતાની માતા, પત્ની – ભાઈ અને ભાભી સહિત સંયુક્ત પરિવારમાં રહેતા હોવાને કારણે આરોગ્ય વિભાગની પણ ચિંતામાં વધારો થયો છે.
વધુ ચાર વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝીટીવ
સુરત શહેરમાં દાંડી રોડ ખાતે આવેલ ફાઉન્ટેન હેડ શાળાના બે વિદ્યાર્થી અને પીપી સવાણી ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતાં વધુ બે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સિવાય ફાઉન્ડ હેડ શાળામાં જ અભ્યાસ કરાવતાં એક શિક્ષિકાનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મનપા દ્વારા હાલ બન્ને શાળાઓને તકેદારીના ભાગરૂપે સાત દિવસ સુધી બંધ કરાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.