સુરત(Surat ) શહેર-જિલ્લામાં શ્રીકાર વરસાદને પગલે બે દિવસથી શહેરના પરવટ, કુંભારિયા, સારોલી અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની(Rain ) સ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર વામણું પુરવાર થયું છે. સ્થાનિકો અને નોકરિયાત વર્ગ સહિત હજ્જારો લોકો ભારે હાલાકી વચ્ચે છેલ્લા બે દિવસથી કેડ સમા પાણીમાંથી પસાર થવા માટે મજબુર બન્યા છે. ત્યારે પાણીમાંથી લોકોને લાવવા-લઈ જવા માટે લારીવાળાઓ આપદામાં અવસર શોધી લાવ્યા છે. 20થી 50 રૂપિયામાં નાગરિકોને કમ્મર સુધીના પાણીમાંથી અવર – જવર કરવા માટે આજે સવારથી જ કાંગારૂ સર્કલથી કેપિટલ સ્કવેર સુધી મોટી સંખ્યામાં લારીઓ અને પેડલ રિક્ષાવાળાઓ આ સુવિધા પુરી પાડી રહેલા નજરે પડ્યા હતા.
જિલ્લાના પલસાણામાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદને પગલે શહેરમાંથી પસાર થતી મોટા ભાગની ખાડીઓમાં પુરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ વિષમ સ્થિતિ વચ્ચે ખાડીઓમાં ડિ-વોટરિંગની કામગીરી કરવા છતાં લિંબાયત ઝોન નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી દુર કરવામાં બબ્બે દિવસ બાદ પણ ધરાર નિષ્ફળ સાબિત નજરે પડી રહ્યું છે. આજે પણ કાંગારૂ સર્કલથી ગોડાદરા કેપિટલ સ્કવેર સુધી ત્રણથી ચાર ફુટ પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો.
બીજી તરફ આ વિસ્તારમાં આવેલા ઋષિ વિહાર, માધવ બાગ અને અન્ય આસપાસની સોસાયટીના રહેવાસીઓની હાલત સૌથી વધુ કફોડી થવા પામી હતી. ઘરની બહાર નીકળતાં જ ચાર-ચાર ફુટ પાણી ભરાયા હોવાને કારણે આ વિસ્તારના નાગરિકો નાછૂટકે પેડલ રિક્ષા અને લારીમાં બેસીને રસ્તો પાર કરવા માટે મજબુર બન્યા હતા. ભારે હાલાકી વચ્ચે 20થી 50 રૂપિયા ચુકવીને આ વિસ્તારના નાગરિકો નોકરી – ધંધા માટે રવાના થઈ રહ્યા હોવાના દ્રશ્યો આજે સવારથી જ જોવા મળ્યા હતા.
બીજી તરફ દર વર્ષે આ વિસ્તારમાં ખાડી પુરની સમસ્યા હોવા છતાં વહીવટી તંત્ર રાબેતા મુજબ મુકપ્રેક્ષક નજરે પડ્યું હતું. જોકે બપોર બાદ વરસાદનું જોર ઓછું થતા વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. કારણ કે વરસાદ બંધ થતા ધીરે ધીરે જ્યાં ખાડીના લેવલ વધ્યા હતા, તે ધીરે ધીરે ઓસરવાના શરૂ થયા હતા. અને લોકોએ પણ આ વાતથી હાશકારો અનુભવ્યો હતો.