Surat : કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી તહેવારોની ઉજવણી ફિક્કી બની ગઈ છે. ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત બાદ તહેવારોની વણઝાર શરૂ થશે. જોકે તે પહેલાં હવે તહેવારોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
છેલ્લા બે વર્ષથી સુરતમાં ધામધૂમથી ઉજવાતા દશામાના તહેવાર (Dashama festival) ઉજવવા પર બ્રેક લાગી ગઈ હતી. કોરોનાના કેસો જે રીતે વધ્યા હતા તે જોતા લોકોએ ઘણી સાદાઈથી આ તહેવારની ઉજવણી કરી હતી. પણ આ વર્ષે થોડી દશા સુધરી છે કારણ કે કોરોનાના કેસો ઓછા થયા છે.
સુરતમાં હવે કોરોનાના કેસો ઓછા થતા મૂર્તિકારોએ દશામાની પ્રતિમાઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષે પરવાનગી મળે કે ન મળે તેની કોઈ ગેરંટી નથી. પરંતુ મૂર્તિકારોના કહેવા પ્રમાણે તેઓને આ વખતે ઓર્ડર પણ મળવા લાગ્યા છે. અને આ વર્ષે સ્થિતિ થોડી સારી પણ દેખાઈ રહી છે. બે વર્ષથી તેઓ માટે કોઈ ધંધો થઈ શક્યો ન હતો. પણ આ વર્ષે લોકો આ તહેવાર એ જ ઉમંગ સાથે ઉજવશે તેવી આશા છે.
સુરતમાં દર વર્ષે 5 હજાર કરતા પણ વધુ નાની મોટી દશામાની મૂર્તિઓ બનાવવામાં આવે છે. જેની લોકો પોતાના ઘરે અથવા શેરીઓમાં સ્થાપના કરે છે. ઘર પરિવાર પર આવેલી મુશ્કેલીઓને દશામા દૂર કરે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.
આ વર્ષે કોરોનાની દશા દૂર થતાં મૂર્તિકારોમાં ફરી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેથી માતાજીની મૂર્તિઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.