SURAT : ગત વર્ષે કોરોનાના કારણે 31stની ઉજવણી થઈ શકી ન હતી. જોકે આ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો થતા લોકોએ New Yearની ઉજવણી માટે તૈયારીઓ કરી હતી.પંરતુ ફરી એકવાર ઓમિક્રોન સહિત કોરોનાના કેસોમાં વધારો થતાં ઘણા લોકોએ ન્યુયરની પાર્ટીના આયોજનો રદ્દ કર્યા છે.તેવામાં મોટાભાગના લોકો હવે મિત્રો અને સગા સંબંધીઓ સાથે પોતાના ઘરે અને ફાર્મહાઉસમાં નવાવર્ષની ઉજવણી કરશે.
Christmas અને New Yearની ઉજવણી માટે લોકો ઘણા બધા આયોજનો કરતા હોય છે અને ખૂબ જ ધામધૂમપૂર્વક નવા વર્ષને આવકારતા હોય છે.પંરતુ છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે આયોજનો થઈ શક્યા નથી. જો કે થોડા સમય પહેલા કોરોનાના કેસો ઘટતા લોકોને નવા વર્ષની ઉજવણીની આશા બંધાઈ હતી. પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી શહેર સહિત રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે.તે જોતા ઘણા લોકોએ ઓમિક્રોનના ભયના કારણે સોશિયલ ગેધરિંગ અને પાર્ટીના આયોજનો રદ્દ કર્યા છે. તેના બદલે હવે લોકો પોતાના ઘરે અને ફાર્મ હાઉસ પર પરિવાર સાથે ઉજવણી કરશે.
સુરતના એક સ્થાનિકે કહ્યુ “અમે દર વર્ષે નવા વર્ષની ઉજવણી માટે મિત્રો સાથે મળીને પાર્ટીનું આયોજન કરતા હોઈએ છે.પરંતુ છેલ્લા એક વર્ષથી આ શક્ય થઈ શક્યું નથી.આ વર્ષે વિચાર્યું હતું પંરતુ ફરી કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેના કારણે અમે આયોજન નથી કરવાના.અમે માત્ર પરિવાર સાથે અમારા ફાર્મહાઉસ પર જ ઉજવણી કરીશું. પરિવારમાં નાના બાળકો પણ હોવાથી અમે ભીડભાડમાં જવાનું ટાળીયે છે.”
બીજી તરફ અન્ય એક આયોજકે તંત્ર સામે રોષ વ્યકત કરતા કહ્યું “હાલમાં જ્યારે વનિતા વિશ્રામ ખાતે 2 થી 3 લાખ લોકો દરરોજ ભેગા થતા હતા.ત્યારે કોરોના માટે તેમણે કોઈએ કઈ વિચાર્યું નહીં.પરંતુ અમે 200 કે 300 લોકોના આયોજનો કરીએ ત્યારે તંત્ર દ્વારા ના પાડવામાં આવે છે.ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને વેકસીનનું સર્ટિફિકેટ આ તમામ બાબતો તેઓને દેખાય છે.”