SURAT : હાલના સમયમાં એક્સરસાઈઝનું મહત્વ ખૂબ જ વધી રહ્યુ છે અને તેમાં પણ લોકો જીમિંગના વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે. આ વચ્ચે નેધરલેન્ડના એક એવા ખેલાડીએ સુરતની મુલાકાત લીધી છે જે પારંપરિક ભારતીય સંસ્કૃતિમાં મલખમ અને તેમાં વપરાતી ગદાનું મહત્વ સમગ્ર વિશ્વમાં સમજાવી રહ્યા છે. તે છેલ્લા ચાર વર્ષ એક મહિના માટે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી પાસે ગદાની અવનવી કસરત શીખવા માટે નેધરલેન્ડથી ખાસ ભારત આવે છે અને આ એક મહીના દરમિયાન તે ભારતના અલગ અલગ શહેરોની મુલાકાત પણ લે છે.
પ્રાચીન સમયથી ભારતીય વ્યાયામપદ્ધતિના કેન્દ્રમાં કુસ્તી એટલે કે મલ્લવિદ્યા ખૂબ પ્રખ્યાત છે. કુસ્તી એ શરીરને ખડતલ બનાવી તૈયાર કરનાર એક્સરસાઇઝ અને કસરતના પ્રકારોમાં મલખમનો વ્યાયામ સૌથી શ્રેષ્ઠ અને મનપસંદ પ્રકાર ગણાય છે.
ભારતના વર્ષો જુના તેમજ પરંપરાગત રીતે ચાલતા અખાડામાં અને વ્યાયામ શાળામાં આજે પણ મલખમનું ખાસ સ્થાન રહેલું છે. તેવામાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન આ મલખમની વિવિધ કસરતો અને તે કસરતોમાં વપરાતા સાધનો અને તેમાં પણ ખાસ કરીને ગદાને નેધરલેન્ડના આ ખેલાડી હરબર્ટ એગબર્ટને અતિ પ્રિય છે, અને તેથી જ તેછેલ્લા ચાર વર્ષથી નિયમિત ભારત આવે છે.
આ અંગે હરદેવસિંહ રાણાએ જણાવ્યું હતું કે “હરબર્ટ નેધરલેન્ડના આર્મ્સલેન્ડમાં રહે છે.ભારતીય સંસ્કૃતિમાં ગદાનું જે કલ્ચર છે તેને તે દુનિયાભરમાં પ્રમોટ કરે છે. તે ચાર વર્ષથી નિયમિત ભારત આવે છે અને અલગ અલગ શહેરોના અખાડાની મુલાકાત લે છે, અને ત્યાં કઈ નવું શીખવા મળે તો તે શીખે છે. તેની પાસે કઈ નવી જાણકારી હોય તો તે શીખવાડે પણ છે.
ગદાનું કલ્ચર તેણે ઓનલાઈન જોયું હતું અને તેનો સર્વે કરવા માટે તે ખાસ ભારત આવ્યો હતો. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ પાસે હજી પણ જુના જમાનાના મલખમના અખાડા છે.તેમાં જ તેઓ કસરત કરે છે અને તેમની પાસે હજી આ કસરતો માટે વપરાતા જુના ઘણા સાધનો છે.તેથી હરબર્ટ સૌપ્રથમ વાર ભાવનગર આવેલો અને છેલ્લા ચાર વર્ષથી તે ભારત દોઢ મહિના માટે આવે જ છે અને અલગ અલગ જગ્યાની મુલાકાત લે છે.પરંતુ દર વખતે ભારતના પ્રવાસની શરૂઆત ભાવનગરથી કરે છે.આ સમયે તે સુરત અને તે પછી વારાણસી ગયો છે.
સુરત આવેલ હરબર્ટ એગબર્ટએ જણાવ્યું હતું કે તેમને મલખમ અને તેની કસરતો ખૂબ જ ગમે છે.અને ગદાનું કલ્ચર પણ ઘણું જ સારું છે. અહીં સુરતમાં પણ ઘણા વર્ષો જુના અખાડા છે, જેની મુલાકાત તેઓ લેવાના છે. તેમણે સુરતમાં ગીતાજયંતિના કાર્યક્રમમાં તેમજ ખાટુશ્યામ મંદિરના દર્શન માટે હાજરી આપી હતી. ભાવનગરના યુવરજ જયવીરસિંહ ગોહિલ,હરદેવસિંહ રાણા અને સુરતથી રાહુલભાઈ શર્માનો તેને સારો સહકાર મળ્યો છે.હવે તે સુરતથી વારાણસી જશે. અને ત્યાં પણ તે ભારતીય સંસ્કૃતિને જાણશે અને તેને પ્રમોટ કરશે.
આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 575 થઈ