માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોનાનો હાહાકાર વધી જવાને કારણે શહેરમાં આવતી જતી મહારાષ્ટ્રની એસ.ટી બસો બંધ કરી દેવામાં આવી હતી. જોકે હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે તેમજ જનજીવન પાટા ઉપર આવી રહ્યું છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સુરત એસટી વિભાગ દ્વારા આજથી એટલેકે મંગળવારથી મહારાષ્ટ્ર જતી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. સવારથી જ પ્રથમ વરસાદે મહારાષ્ટ્રની બસો ચાલુ કરી દેવામાં આવી છે. આજે પહેલા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે સુરતથી માલેગાવ જતી બસને ઉપાડવામાં આવી હતી.
એસ.ટી.ના અધિકારીઓને સુરતથી રોજની 30 થી 35 જેટલી બસો શિડ્યુલડ હોય છે. જોકે કોરોના મહામારીને કારણે છેલ્લા માર્ચ અને એપ્રિલ મહિનાથી એસટી બસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આજથી એટલે કે મંગળવારથી શિડયુલમાં 15 બસો ચાલુ કરવામાં આવી છે અને આવતીકાલથી વધુ 15 બસો ચાલુ કરવામાં આવશે. સુરતથી મહારાષ્ટ્ર, ધુલિયા, માલેગાવ, પાંચેર, અમલનેર અને ચોપડા, બોરીવલી સુધી બસો દોડે છે. બસ બંધ હોવાને કારણે રોજના હજારો મુસાફરો અટવાઇ જાય છે. તેમજ સુરત એસટી વિભાગને પ્રતિદિન રૂપિયા 8 લાખથી વધુનું નુકસાન થયું હતું.
બસો ચાલુ કરવામાં આવી રહી છે જેને લીધે મુસાફરોને પણ રાહત થશે. બીજી તરફ લીંબાયત વિસ્તારમાંથી ખાસ કરીને મહારાષ્ટ્રના ધુલિયા, માલેગાવ સહિતના શહેરોમાં જતી ખાનગી લક્ઝરી બસના સંચાલકો દ્વારા લૂંટફાટ મચાવવામાં આવી હતી. સ્થિતિ જોઈ અને સરકારી બસો બંધ હોવાનો ફાયદો ઉઠાવીને કેટલાક ખાનગી બસના સંચાલકો લોકો પાસેથી ભાડા મામલે ઉઘાડી લૂંટ કરી રહ્યા હતા. જોકે હવે એસટી બસો ચાલુ થઈ જવાથી મહારાષ્ટ્ર આવતા જતા મુસાફરોને રાહત થશે.
આ પણ વાંચો: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મળી બેઠક, જાણો કઇ ઓફલાઈન પરીક્ષા ક્યારે લેવાશે?
આ પણ વાંચો: સુરતમાં પે એન્ડ પાર્ક કોન્ટ્રાકટમાં કશુંક રંધાયા હોવાની ચર્ચા : વિજિલન્સ તપાસની માંગ