અમદાવાદ (Ahmedabad) સાયન્સ સિટી ખાતે યોજાયેલા એશિયા બિગેસ્ટ એવોર્ડ-૨૦૨૨ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Chief Minister Bhupendra Patel) ના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ અંબાજી ગુજરાતનુ સૌથી મોટું શક્તિપીઠ છે. જ્યાં વર્ષે કરોડો માઇભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ મળવો એ શકિતપીઠ અંબાજી અને બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે.
કોરોના મહામારી જેવા કપરા સમયમાં પણ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો માં અંબાના દર્શન કરી શકે તે માટે ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કોરોના મહામારી હળવી થતાં જ મંદિર ભક્તો માટે સરકાર ની ગાઈડલાઈન મુજબ ખોલવામાં આવ્યું. છેલ્લા બે વર્ષથી જે પ્રકારે કોરોનાનો કહેર રહ્યો તેમ છતાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સુચારૂ આયોજન થી અંબાજી નો વિકાસ અવિરત ચાલુ રહ્યું. અંબાજીના વિકાસના કામો હોય કે પછી અંબાજીમાં યોજાતા ધાર્મિક કાર્યક્રમો યથાવત રહ્યા. જેને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા ના કલેકટર આનંદ પટેલને એવોર્ડ એનાયત કર્યો છે.
ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વર્ષે કરોડો રૂપિયાની આવક દાન દક્ષિણામાં ભેટ પેટે આવે છે. જેની સામે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરે છે.આ ખર્ચ માત્ર મંદિરના વિકાસમાં જ નહીં પણ અંબાજી આવતા યાત્રિકોની સુખ સુવિધા માટે કરાય છે. તદ્ઉપરાંત અંબાજી મંદિર ટ્રસ્ટ શહેરના વિકાસ માટે પણ પોતાનો ફાળો આપે છે. જયારે અંબાજી શહેરના રોડ રસ્તા વીજ બીલો તેમજ પંચાયત સંચાલીત માધ્યમિક શાળાના મકાન માટે પણ મંદિર ટ્રસ્ટ કરોડો રૂપિયાની સહાય કરી છે.અંબાજી મંદિરમાં વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે.તેમના દ્વારા કરાતી દાન દક્ષિણાની આવકમાંથી આ બધી સુવિધાઓ પુરી પાડે છે. જિલ્લામાં કે રાજ્યમાં કોઈ મોટી હોનારતો દરમિયાન પણ મંદિર ટ્રસ્ટ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના રાહત ફંડમાં પણ પોતાનું યોગદાન આપતું રહ્યું છે.