બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં દિયોદરના વખા ખાતે છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો (Farmers) પૂરતી વીજળી (electricity) ની માંગ સાથે આંદોલન (agitation) કરી રહ્યા છે. ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર પોતાના વાયદા પ્રમાણે આઠ કલાક પૂરતી વીજળી આપે. જ્યાં સુધી આઠ કલાક પૂરતી વીજળી નહીં મળે ત્યાં સુધી ખેડૂતોના ધરણા યથાવત રહેશે. ખેડૂતોની ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં સરકાર ખેડૂતોના વીજ મામલે યોગ્ય નિરાકરણ નહીં કરે તો રાજ્ય વ્યાપી ઉગ્ર આંદોલન થશે અને વિધાનસભાના ઘેરાવ કાર્યક્રમ યોજવામાં આવશે.
રાજ્યમાં પૂરતી વીજળી ન મળતા ખેડૂતો ત્રાહિમામ છે. બનાસકાંઠા જિલ્લામાં ઠેરઠેર ખેડૂતો પૂરતી વીજળીની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. દિયોદર વખા વીજ સબ સ્ટેશન ખાતે પાંચ દિવસથી ખેડૂતોના ધરણા યથાવત છે. પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ખેડૂતોની એક જ માંગ છે કે આઠ કલાક પૂરતી વીજળી આપવા માટે સરકારે વાયદો કર્યો છે. ત્યારે ખેડૂતોને પૂરતી વીજળી સરકાર આપે. છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો આંદોલન કરતા હોવા છતાં સરકાર ખેડૂતોની બાબતને ગંભીરતાથી લેતી નથી.
બનાસકાંઠાના દિયોદરના વખા ગામે વીજ પ્રશ્ને ધરણા પર બેસેલા ખેડૂતોની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. ખેડૂતો પ્રશ્ને ઝાંસીની રાણી માફક લડવાની પણ ગેનીબેને તૈયારી બતાવી હતી. અહીં ગેનીબેન લડાયક મિજાજમાં જોવા મળ્યા હતા. ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એક સમયે કોંગ્રેસની સરકારને પણ ખેડૂતોએ સત્તા પરથી હટાવી હોવાનું ગેનીબેને સ્વીકાર્યું હતું, ત્યારે ભાજપ સરકાર ખેડૂતોને 8 કલાક વીજળી આપી પોતાનું વચન પૂર્ણ કરે એવી ગેનીબેને માગ કરી હતી.
મહત્વનું છે કે ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ આજથી ખેડૂતોને 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે તો અઠવાડિયા પછી 6 કલાકથી વધુ સમય માટે વીજળી આપવાની પણ ખાતરી આપી છે. સાથે જ ખેડૂતોને પુરતો વીજ પુરવઠો મળે તેની વ્યવસ્થા થશે તેવુ પણ જણાવ્યુ છે. જો કે બીજી તરફ અનેકવાર વાયદો કરવા છતા વીજળી પુરતી ન મળતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. છેલ્લા મહિનાથી ખેડૂતો અપુરતી વીજળીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વાતનો સ્વીકાર UGVCLના ગાંધીનગરના એક્ઝીક્યુટિવ એન્જિનિયરે પણ કરેલો છે.
આ પણ વાંચોઃ Surat: આવકનો દાખલો મેળવવા હવે વિદ્યાર્થીઓને નહીં પડે મુશ્કેલી, શાળામાં જ કરવામાં આવશે વ્યવસ્થા
આ પણ વાંચોઃ Jamnagar: કાલાવડ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ